સુરત: (Surat) સચિન જીઆઇડીસીને અડીને આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સુરત સેઝ)માં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઇડી) (ED) અને અને ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) સુરત યુનિટે સંયુક્ત સર્ચ ઓપરેશન કરી પ્રાથમિક તબક્કે 1000 કરોડનું હવાલા કૌભાંડ (Scam) ઝડપી પાડ્યું છે. આ હવાલા કૌભાંડનો આંકડો હજી મોટો થવાની શક્યતાઓ છે. સુરત સેઝમાં ડીઆરઆઈ અને ઇડીએ સતત બીજા દિવસે તપાસ ચાલુ રાખી છે. નેચરલ રૂબી સ્ટોનના (Ruby Stone) નામે સિન્થેટિક રૂબીનાં પેન્ડન્ટ વિદેશ મોકલવાનાં કૌભાંડમાં સેઝની બીજી કંપનીઓ પણ સામેલ હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે. આ કૌભાંડમાં મોટા ગજાના હીરા ઉદ્યોગકારોની ભૂમિકા બહાર આવે એવી શક્યતા છે.
ઈડીનાં સૂત્રોના જણાવ્યાં મુજબ પ્રતિબંધિત ચીનની એપ પાવર બેન્ક એપ થકી સુરત સેઝની સાગર ડાયમંડ,RHC ગ્લોબલ એક્સપોર્ટ થકી કરોડોનું હવાલા કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ સિન્ડિકેટમાં ઇડી દ્વારા સુરત સેઝની અન્ય કંપનીઓનાં સંચાલકોને નોન બેલેબલ વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. ઇડીને શંકા છે કે, સુરત સેઝમાં ડાયમંડ,જેમ્સ સ્ટોન અને અધર્સ પ્રિસિયસ મેટલ્સ ઓવર વેલ્યુએશન દર્શાવી એક્સપોર્ટ કરવાનાં કૌભાંડમાં બીજી કંપનીઓ પણ સંડોવણી તપાસમાં બહાર આવે એમ છે. એ ઉપરાંત બોગસ આયાતની આડમાં હવાલા થકી વિદેશમાં ભંડોળ મોકલવાનું પણ આ રેકેટ જણાઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે સુરત સેઝની સાગર ડાયમંડ,સાગર એન્ટપ્રાઇઝ અને RHC ગ્લોબલ એક્સપોર્ટ લિમિટેડમાં સર્ચ દરમિયાન10 કરોડની કિંમતના હીરા અને સોનું, 25 લાખની રોકડ જપ્ત કરવામાં આવ્યા છે.
કેટલાક મામલામાં નેચરલ રૂબી સ્ટોનના નામે સિન્થેટિક રૂબીનાં પેન્ડન્ટ વિદેશ મોકલી ઓવર વેલ્યુએશન થકી હજારો કરોડનું હવાલા કૌભાંડ કરવામાં આવ્યું છે. ઇડીએ ત્રણ આરોપીની અટકાયત કરી મની લોન્ડરિંગ એકટની ધારાઓ હેઠળ કાર્યવાહી કરી છે. ફેડરલ એજન્સીએ જણાવ્યું હતું કે સાગર ડાયમંડ લિમિટેડ, આરએચસી ગ્લોબલ એક્સપોર્ટ્સ લિમિટેડ, તેમના ડિરેક્ટર વૈભવ દિપક શાહ અને સુરત SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન), અમદાવાદ અને મુંબઈમાં આવેલા તેમના સહયોગીઓની 14 જગ્યાઓની સર્ચ કરવામાં આવી હતી. આ તપાસ પાવર બેંક એપ (મોબાઇલ એપ્લિકેશન) વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ દાખલ કરાયેલા ફોજદારી કેસ સાથે સંબંધિત છે, જેણે હજારો સામાન્ય લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.
- કૌંભાડના મહત્વના મુદ્દા
- આ મની લેન્ડિંગ એપ ચીની નાગરિકો દ્વારા ભારતમાં તેમના સહયોગીઓ, જેમાં વૈભવ દિપક શાહ અને સાગર ડાયમંડ લિમિટેડનો સમાવેશ થાય છે તેની સાથે મળીને મેનેજ કરવામાં આવી છે.
- એપ દ્વારા આચરવામાં આવેલી છેતરપિંડીના ગુનાની આવક બીએસઈ-લિસ્ટેડ કંપની, સાગર ડાયમંડ્સ અને અન્ય લોકો દ્વારા કબજામાં લેવામાં આવી હતી.
- બોગસ આયાતની આડમાં હવાલા થકી વિદેશમાં ભંડોળ મોકલવાનું પણ આ રેકેટ જણાઈ રહ્યું છે.
- આ કૌભાંડમાં મોટા ગજાના હીરા ઉદ્યોગકારોની ભૂમિકા બહાર આવે એવી શક્યતા છે.
- સુરત સેઝમાં ડીઆરઆઈ અને ઇડીએ સતત બીજા દિવસે તપાસ ચાલુ રાખી છે.
સર્ચ દરમિયાન, એકાઉન્ટ બુકમાં હજારો કરોડનો સ્ટોક બતાવવામાં આવ્યો હતો: ઇડી
નેચરલ રુબી ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટ કરી વેલ્યુ એડિશનના નામે સિન્થેટિક(નકલી) રુબી સેઝમાં લાવી એને નેચરલ રુબી વેલ્યુએશન વર્ક તરીકે બીલિંગમાં અનેક ગણું દર્શાવી મોટું હવાલા કૌભાંડ કરવામાં આવ્યું છે. અંદાજે રૂપિયા એક હજાર કરોડના હવાલા કાંડમાં ત્રણ કંપનીઓ સામેલ છે. ઇડીએ સર્ચ દરમિયાન રોકડ અને જ્વેલરી પણ સિઝ કરી છે.
સુરત SEZ ખાતેની સંસ્થાઓના સંખ્યાબંધ ઉત્પાદન એકમો હીરા, ક્લર્ડ સ્ટોન અને અન્ય કિંમતી ધાતુઓની આયાત-નિકાસના ઓવર વેલ્યુએશન અને બોગસ આયાતની આડમાં વિદેશમાં ભંડોળની ઉચાપતમાં સામેલ હોવાનું જણાયું હતું. સર્ચ દરમિયાન, એકાઉન્ટ બુકમાં હજારો કરોડનો સ્ટોક બતાવવામાં આવ્યો હતો અને તે ખૂબ જ વધુ મૂલ્યવાન હોવાનું બહાર આવ્યું છે.જોકે એની વાસ્તવિક કિંમત લગભગ 10 કરોડ રૂપિયા હોવાનું જણાયું હતું. નજીવા મૂલ્યના કૃત્રિમ રૂબીને કિંમતી રત્ન તરીકે દર્શાવવામાં આવ્યું હતું.
હજારો કરોડના બોગસ બિલ બનાવવામાં આવ્યા હોવાથી જીએસટી DGGI વિંગ પણ તપાસમાં જોડાઈ
સુરત સેઝમાં ઇડી અને ડીઆરઆઈની કાર્યવાહી દરમિયાન આ બંને વિભાગોએ હજારો કરોડના બોગસ બિલિંગ થયાં હોવાના ડોક્યુમેન્ટ જપ્ત કરી સ્ટેટ જીએસટી વિભાગને જાણ કરી હતી. અમદાવાદથી ડાયરેકર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સની ટીમ પણ બોગસ બિલિંગ અને ટેક્સ ચોરીને લઈ તપાસ નકારી રહી છે. આ કેસમાં ઇડીની તપાસ પુરી થયાં પછી પકડાયેલા ત્રણ આરોપીઓનો DGGI કબજો લેશે.