SURAT

સુરતના રત્નકલાકારો પર આફત, નાના હીરાના કારખાના બાબતે લેવાયો આ નિર્ણય

સુરત: (Surat) રશિયા-યુક્રેન યુદ્ધ અને વૈશ્વિક મંદી વચ્ચે ચીન, અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટમાં ડાયમંડ (Diamond) જવેલરીની માંગ ઘટી જતાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગનાં હબ સુરતનો હીરા ઉદ્યોગ (Diamond Industries) મંદીમાં સપડાયો છે. આ સ્થિતિમાં જો ઉઘડતી સ્કૂલો સમયે પણ કારખાના ચાલુ નહીં થાય તો રત્નકલાકારોના પરિવારોની હાલત કફોડી થઈ જશે. જેથી ડાયમંડ વર્કર યુનિયન આ મુદ્દે ગાંધીનગરમાં આજે શ્રમમંત્રીને રજૂઆત કરી સુરતના નાના અને મધ્યમ હીરાના કારખાનાઓના મુદ્દે રજૂઆત કરી પરિસ્થિતિથી વાકેફ કરશે.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ ઝીલરીયાએ જણાવ્યું હતું કે ‘ 2, 5 કે 10 ઘંટી ચલાવતા 10% હીરાના નાના કારખાનાઓ 5મી જૂનનું વેકેશન પૂરું થયા પછી પણ નહીં ઉઘડે. જોકે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ગામોમાં વસતા કારીગરો સ્કૂલો શરૂ થઈ રહી હોવાથી તા.1લી જુનથી સુરત પરિવાર સાથે આવવાના શરૂ થશે,અને જો તેઓને અહીં કામ નહીં મળે તો ગંભીર સ્થિતિ ઊભી થશે. 300 જેટલા કારખાનેદારોએ રત્નકલાકારોને બજારની સ્થિતિ સુધરવાની રાહ જોવા અથવા બીજી ફેકટરીમાં અનુકૂળ કામ મળતું હોય તો બેસી જવા પણ જણાવ્યું છે. રત્નકલાકારોની સ્થિતિ અંગે આવતીકાલે સોમવારે ડાયમંડ વર્કર યુનિયનનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગરમાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતને રજુઆત કરવા જશે.

યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે અમે સુરત કલેક્ટર અને લેબર વિભાગને રજૂઆત કરી છે કે,કારીગરોની રજાનો પગાર કંપનીઓ અને કારખાનેદારો ચૂકવે જેથી થોડીક રાહત મળી શકે, મંદીને લીધે ઘણા વર્ષો પછી સુરતની મોટી ડાયમંડ મેન્યુફેકચર્સ કંપનીઓને પણ ફરજિયાત ઉનાળુ વેકેશન રાખવું પડ્યું છે. આ કંપનીઓ ઉનાળામાં વતને જતા રત્નકલાકારો માટે 7 દિવસ વેકેશન રાખતી હતી. એને બદલે ચાલુ વર્ષે 15 થી 21 દિવસનું વેકેશન જાહેર કર્યું હતું. કેટલાક કારખાનેદારોએ એક માસનું વેકેશન જાહેર કર્યું છે. આ વેકેશન હજી લંબાશે એવી ભીતિ કારીગરોમાં છે. મંદી કેટલી ગંભીર છે એનો અંદાજ એ વાત પરથી આવે છે કે, કર્મચારીઓને બોનસમાં વાહનો, જવેલરી અને ફ્લેટ આપનાર કંપનીએ પણ વેકેશન રાખી બજારની સ્થિતિ કેવી છે, એનો અંદાજ સૂચવી દીધો છે.

જો મોટી કંપનીઓના પાટિયા બેસી ગયા હોય તો નાની કંપનીઓની શુ હાલત હશે? મંદીને લીધે કારખાનાનો સમય 08:30 થી સાંજે 07:00 ને બદલે સવારે 09:00 થી 4 કરી દેવામાં આવ્યો છે. હીરા ઉદ્યોગની મંદીના વમળોમાં બે થી પાંચ ઘંટી ચલાવતા 300 જેટલા કારખાનાઓ બંધ થયા છે. 5મી જૂન પછી ઘણા કારખાનાઓ ઉઘડશે કે કેમ એને લઈ કારીગર વર્ગમાં ચિંતા છે. વરાછા માતાવાડી, ઘનશ્યામનગર, કતારગામના નંદુડોશીની વાડી,જેરામ મોરારની વાડી, પંડોળમાં કેટલાક ખાતાઓ બંધ થયા છે.

હીરા ઉદ્યોગમાં અચાનક મંદી કેમ આવી?
હીરા ઉદ્યોગના જાણકારો કહે છે છે કે, હીરા ઉદ્યોગમાં અચાનક મંદી આવવાનું એક કારણ રશિયા એ યુક્રેન સાથે શરૂ કરેલું યુદ્ધ છે. 29% કાચા હીરાનું ઉત્પાદન રશિયા કરે છે. જેના વેચાણ પર અમેરિકા, બ્રિટન અને યુરોપિયન યુનિયનના કેટલાક દેશોએ પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણયની ખરાબ અસર ભારત અને બેલ્જિયમ જેવા દેશો પર પડી છે. તૈયાર હીરા અને જવેલરીનું મુખ્ય બજાર ચીન,અમેરિકા અને યુરોપના દેશોમાં છે. અહી ડાયમંડ જવેલરીની માંગ ખૂબ ઘટી ગઈ છે. એની અસર ભારતના એક્સપોર્ટ પર જોવા મળી છે. ભારતની જેમ્સ અને જ્વેલરીની નિકાસ નાણાંકિય વર્ષ 2022 (FY22)માં રૂ. 1.82 લાખ કરોડથી ઘટીને નાણાકીય વર્ષ 2023 (FY23)માં રૂ. 1.76 લાખ કરોડ થઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધને લીધે રશિયાથી થતી ઘરેલું અને ઔદ્યોગિક ગેસની કિંમતો વધી ગઈ હતી. બીજી તરફ અમેરિકન બેંકોએ નાદારી નોંધાવતાં મંદી ઘેરી બની છે. સુરત અને મુંબઈમાં તૈયાર હીરાનો ભરાવો થયો છે. ડિમાન્ડ નથી એની અસર જોબવર્ક પર ચાલતા સુરતનાં હીરાના કારખાનાઓ પર પડી છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત સરકારની બંધ પડેલી કારીગરો માટેની રત્નદીપ યોજના ફરી શરૂ કરવા માંગ કરી રહ્યું છે. તેઓ કારીગર વર્ગ માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે એવી રજુઆત કરી રહ્યાં છે.

Most Popular

To Top