SURAT

વિદેશમાં કટ-પોલિશ્ડ હીરાની માંગ વધી પણ હીરા ઉદ્યોગમાં 1.50લાખથી વધુ રત્નકલાકારોની અછત

સુરત: (Surat) કોરોનાની લીધે વતન ઉપડી ગયેલા રત્નકલાકારોની અછતને લીધે હીરા ઉદ્યોગકારોને (Diamond Industries) નુકશાની ભોગવવી પડી રહી છે. અમેરિક અને યુરોપ ઈન્ટરનેશનલ માર્કેટમાં હીરાની ડિમાન્ડ સારી હોવાથી સુરતના ડાયમંડ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વતન ગયેલા કર્મચારીઓ પરત ન ફરતાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે.જો રત્નકલાકારો સમય પર પરત નહીં આવે તો ઓર્ડર રદ થાય તેવી શક્યતા પણ છે. એક અંદાજ મુજબ હાલ હીરા ઉદ્યોગમાં 1.50લાખથી વધુ રત્નકલાકારોની (Diamond Workers) ખેંચ છે.

હીરા ઉદ્યોગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ વિદેશોમાં હવે કોરોનાની સ્થિતિ કેટલાક દેશોમાં સ્થિર થઇ રહી છે. અમેરિકા, યુએસ હોંગકોંગમાં કોરોના ઘટી ગયો છે અને ત્યાં લોકડાઉન નથી જેના કારણે હીરાની ડિમાન્ડમાં ખૂબ જ તેજી આવી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એક્સપોર્ટ પણ વધવાની શક્યતા છે. સાથે સાથે સુરત શહેરમાં બનતી ડાયમંડ જ્વેલરીની પણ ઈન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ વધી છે. હીરામાં તેજી છે પરંતુ કારીગરોની અછત સર્જાતી હોવાથી હીરા કારખાનેદારોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

શહેરમાં 4 હજાર જેટલા નાના મોટા હીરાના યુનિટો છે. જેમાં અંદાજે 10 લાખથી વધારે રત્નકલાકારો કામ કરે છે. પરંતુ કોરોનાની પહેલી લહેર અને બીજી લહેરમાં રત્નકલાકારો વતનમાં જતાં રહ્યા હતાં. જેમાંથી મોટા ભાગના હજી પરત ફર્યા નથી. ડાયમંડ એસોસિએશનના નાનુ વેકરિયાએ જણાવ્યુ હતું કે કોરોના કાળમાં વતન ગયેલા રત્નકલાકારો પરત નથી ફર્યા અને બીજી તરફ વાવાઝોડામાં સૌરાષ્ટ્રમાં તોફાનને લીધે પણ મોટી સંખ્યામા રત્નકલાકારો અટવાઇ ગયા છે. જેની અસર સુરતના હીરા ઉદ્યોગ પર પણ પડી છે. રત્નકલાકારોની અછત હોવાથી સમય પર ઓર્ડર તૈયાર કરવાના ફાફા છે.

સવારે 10થી સાંજે 6 સુધી માર્કેટ ખુલ્લી રાખવાની માંગ

સુરત: કાપડ વેપારીઓની સંસ્થા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખી માર્કેટનો સમય બદલીને સવારે 10 વાગેથી સાંજે 6 વાગ્યા સુધી કરવાની માંગ કરવામાં આવી છે. ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારડાએ જણાવ્યું હતું કે હાલ 9 વાગેથી બપોરે 3 વાગ્યા સુધી માર્કેટ ખોલવાની મંજૂરી છે પરંતુ કામદારો સમય પર આવતા નથી. તેઓ મોડેથી આવે છે અને તેમને પગાર પણ પચાસ ટકા આપવામાં આવે છે. પરંતુ હવે ધીમેધીમે કોરોનાના કેસો નિયંત્રણમા આવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા માર્કેટ ખોલવાના સમયમાં થોડો ફેરફાર કરી સવારે 10થી સાંજે 6 વાગે સુધી કરવાની મંજૂરી આપવી જોઇએ. જેથી વેપારીઓને પણ સમય મળે અને કામદારોને પણ પુરો પગાર મળી શકે.

Most Popular

To Top