સોમનાથ ખાતે સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયાના હસ્તે નવનિર્મિત થનારા પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ કરાયો હતો. પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી 30 કરોડથી વધુનો ખર્ચ કરાશે. ભીખાભાઈની આ ઉમદા કામગીરીની નોંધ વડાપ્રધાને પણ લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિડીયો કોન્ફરન્સમાં અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં બાર જ્યોતિર્લિંગમાં સૌપ્રથમ સોમનાથ મહાદેવના મંદિરમાં શુક્રવારે અંબાજીના સફેદ આરસના પથ્થરમાંથી તૈયાર થનારા પાર્વતી માતાના મંદિરનો શિલાન્યાસ થયો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનથી લઈ અમિત શાહ અને વિજય રૂપાણીએ મૂળ અમરેલીના સીમરણના અને સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયાની કામગીરીને બિરદાવી હતી.
ભીખાભાઈએ પરિવાર સાથે સોમનાથમાં શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેનું ભૂમિપૂજન ભીખાભાઈના હસ્તે કરાયું હતું. પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી 30 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવશે. જેનું શિખર 71 ફૂટનું અને 44 સ્તંભ કોતરણી સાથે નૃત્ય મંડપ બનાવવામાં આવશે. 9 વર્ષ પહેલાં ભીખાભાઈ સોમનાથ દાદાના મંદિરે આવ્યા ત્યારે સોમનાથ દાદાની પ્રદક્ષિણા કરતી બાજુમાં એક ખંડિત ઓટલાને જોઈ ત્યાં મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ થયો હતો. સુરતના દાનવીર ભીખાભાઈને શિવ અને પાર્વતીમાં અસીમ શ્રદ્ધા છે.
તેઓ યોગીચોક, કાપોદ્રા અને હીરાબાગ ખાતે ત્રણ હીરાની ફેક્ટરીના માલિક છે. જેમાં અંદાજે 5 હજાર કરતાં વધુ કર્મચારી કામ કરે છે.
આ બાબતે ભરત ધામેલિયાએ કહ્યું કે, ભીખાભાઈની દાનની ભાવના ખરેખર ઉમદા છે. તેમણે આ અગાઉ દિલીપભાઈ લાખી સાથે મળી સોમનાથ મહાદેવ માટે 108 કિલોથી વધુનું સોનાનું થાળું ભેટ આપ્યું હતું. ભીખાભાઈ સુરતમાં આવેલા કર્મનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ છે. તેઓ અવારનવાર સોમનાથ દાદાનાં દર્શન કરવા માટે આવે છે.