SURAT

ભારતનો હીરા ઉદ્યોગ ચિંતામાં, અમેરિકાએ હીરા-ઝવેરાતના ઈમ્પોર્ટ પર 25 ટકા ડ્યુટીની દરખાસ્ત કરી

સુરત: (Surat) માર્ચ 2020થી ભારતમાં કોવિડ-19 કોરોના સંક્રમણની સ્થિતિમાં જેમ્સ એન્ડ જ્વેલરી (Gems And Jewelry)) સેક્ટરને મોટો ફટકો પડયો છે. હવે અમેરિકાની સરકાર દ્વારા ભારતથી ઇમ્પોર્ટ થતા ડાયમંડ (Diamond) , જ્વેલરી સહિત 18 પ્રોડક્ટ પર 25 ટકા ઇમ્પોર્ટ ડયુટી લાગુ કરવા દરખાસ્ત રજૂ થતા ભારત સરકારના વાણિજ્ય મંત્રાલય અને જીજેઇપીસીએ આ પ્રકારનો નિર્ણય નહીં લેવા રજૂઆત કરી છે. અત્યાર સુધી ભારતથી ઓનલાઇન સીસ્ટમ થકી એક્સપોર્ટ (Export) થતી ડાયમંડ જ્વેલરી પર 2 ટકા ઇમ્પોર્ટ ડયુટી લાગુ પડતી હતી. તેને વધારીને સીધી 25 ટકા કરવાની દરખાસ્ત રજૂ કરી છે.

આ નિયમ ભારત ઉપરાંત ઇટાલી, ઓસ્ટ્રિયા, તુર્કી, સ્પેન અને યુનાઇટેડ કિન્ગડમને લાગુ પડશે. જો કે તેનાથી સૌથી વધુ નુકસાન ભારત અને તુર્કીને થશે. તેને ધ્યાને રાખી અત્યારથી આ દરખાસ્તનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ભારતમાં માત્ર સુરત અને મુંબઇથી ડાયમંડ જ્વેલરી સેગમેન્ટમાં 1.50 લાખ કરોડના એક્સપોર્ટમાં જ્વેલરીનો મોટો હિસ્સો હોય છે. તે ઉપરાંત ભારતથી પ્રિસિયસ અને સેમી પ્રિસિયસ સ્ટોન સિન્થેટિક ડાયમંડ, ચાંદીની જ્વેલરી, ડાયમંડ જ્વેલરી સહિત કુલ 18 પ્રોડક્ટ એક્સપોર્ટ થાય છે તે તમામને યુનાઇટેડ સ્ટેટ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ફોરમ દ્વારા 25 ટકા ડયુટી લાગુ કરવા ભલામણ કરી છે. 17 એપ્રિલે યોજાયેલી ઓનલાઇન ઓપન ફોરમમાં જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહએ 25 ટકાની દરખાસ્ત સામે વિરોધ નોંધાવ્યો હતો.

અત્યારે જ્વેલરીના ઓનલાઇન વેપાર પર ભારત સરકાર 2 ટકા ઇક્વલાઇઝેશન ડયુટી વસુલે છે. પરંતુ હવે જો 25 ટકા ડયુટી ભરવાની આવશે તો ઓનલાઇન એક્સપોર્ટ મોંગો પડશે. અત્યારે માત્ર સુરતમાં જ 300 જેટલા જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલી રહ્યા છે તેમને આ નિર્ણયથી નુકસાન થવાની શકયતા છે. જીજેઇપીસીના ગુજરાત રિજિયનના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે અમેરિકાની દરખાસ્ત અવ્યવહારુ છે. તેમની આ દરખાસ્ત સામે ઓનલાઇન પિટિશન કરવાનો વિચાર પણ રજૂ કરાયો છે. આ મામલે ભારત સરકારમાં રજૂઆત કર્યા પછી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

Most Popular

To Top