સુરત: (Surat) સરથાણાના હીરા વેપારી (Diamond Trader) પાસેથી રૂા.3.16 કરોડના હીરા ખરીદીને પેમેન્ટ નહીં આપનાર દંપતિ પૈકી મહિલાની સુરત ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ગોવાથી ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમરેલીના ખાંભાï તાલુકાના કોટડા ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા સાંસ્કુત રેસીડેન્સીમાં રહેતા બ્રિજેશ મનસુખભાઈ વેકરીયા (ઉ.વ.૨૭)ની મુલાકાત વેસુના શ્યામ લક્ઝરીયા ફ્લેટમાં રહેતા દેવેન્દ્રસિંઘ મદનભાઇ બોરા તેમજ તેની પત્ની અમ્રિતાબેનની સાથે થઇ હતી.
આ બોરા દંપતિએ બ્રિજેશભાઇને પોતે મોટા હીરાના વેપારી હોવાનું કહી તેમજ ચાઇનામાં તેમજ અન્ય દેશોમાં હીરાનો વેપાર કરવાનું જણાવી સારો નફો આપવા કહ્યું હતું. દરમિયાન 2021માં બોરા દંપતિએ બ્રિજેશભાઇની પાસેથી રૂા.3.16 કરોડની કિંમતના 1335 કરેટે હીરા ઉધારીમાં ખરીદ્યા હતા અને બાદમાં પેમેન્ટ આપ્યું ન હતું. જે અંગે બ્રિજેશભાઇએ સરથાણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. શરૂઆતમાં જ પોલીસે દેવેન્દ્રસિંઘની ધરપકડ કરી હતી. દરમિયાન દેવેન્દ્રસિંઘની પત્ની અમ્રિતાબેન ગોવામાં હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે અમ્રિતાબેનની પણ ધરપકડ કરી હતી.
પીએસઆઇ વતી રૂા.1.70 લાખ સ્વીકારનાર વચેટિયાની ધરપકડ
સુરત : દારૂના કેસમાં બસના માલિકને આરોપી નહીં બનાવવા માટે પુણા પોલીસના પીએસઆઇ વતી રૂપિયા 1.70 લાખની લાંચ સ્વીકારનાર વચેટિયાની એન્ટિકરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં એસીબીએ ટ્રેપ કરી ત્યારે વચેટિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો, ત્યારે હાલમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ અઠવાડિયા પહેલા રાજસ્થાનથી આવતી એક બસને પુણા પોલીસે પકડી પાડીને તેમાંથી 4.82 લાખનો દારૂ પકડ્યો હતો. દારૂના જથ્થા સાથે પોલીસે ખાનગી બસના ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ કરી હતી. દરમિયાન આ બસના માલિકને આરોપી તરીકે નહીં બતાવવા પુણા પોલીસના પીએસઆઇ જયદિપસિંહ રાજપુતે રૂપિયા 5 લાખની લાંચ માંગી હતી. રકઝકના અંતે મામલો 3 લાખમાં પુરો થયો હતો. શરૂઆતમાં જ બસના માલિકે ડ્રાઇવર મારફતે રૂા.1.70 લાખ આપી દીધા હતાં અને બાકીના 1.30 લાખ આપવાના બાકી હતાં. આ રૂપિયાની વારંવાર ઉઘરાણી કરવામાં આવતા મામલો એસીબીમાં પહોંચ્યો હતો. બનાવ અંગે એસીબીએ ટ્રેપ ગોઠવીને પુણા પોલીસ મથકની બહાર જ પીએસઆઇ અને તેના વતી લાંચ સ્વીકારનાર વચેટિયઆ જીયાઉદ્દીન અબ્દુલરહીમ સૈયદને 1.30 લાખ લેતા રંગેહાથ પકડી પાડ્યા હતાં. ટ્રેપ બાદ જીયાઉદ્દીનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે હાલમાં જીયાઉદ્દીનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા એસીબીએ તેની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.