Gujarat

હીરા ઉદ્યોગની સુરક્ષા માટે સુરતમાં ડાયમંડ સિટી પોલીસ સ્ટેશન બનશે

ગાંધીનગર : રાજયમાં છેલ્લા 27 વર્ષના ભાજપના (BJP) શાસનમાં પહેલી વખત વિપક્ષ કોંગ્રેસના (Congress) સભ્યોએ ગૃહ વિભાગની માંગણીઓ સામે પોતાની કાપ દરખાસ્ત પાછી ખેંચી લીધી હતી. ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) રાજયમાં નશાખોરી સામે લડવા માટે વિપક્ષના સભ્યનો સહકાર માગ્યો હતો. સંઘવીએ કહ્યું હતું કે, રાજયભરમાં ડ્રગ્સની (Drugs) હેરફેર અટકાવવા માટે પોલીસ દ્વારા સખત હાથે કાર્યવાહી થઈ રહી છે. આ લડાઈ યુવા પેઢીને બચાવવા માટેની છે, જેમાં મારે વિપક્ષનો પણ સહયોગ જોઈએ છે. સરકાર ડ્રગ્સ માફિયાઓને છોડવાની નથી. આજે વિધાનસભામાં ગૃહ વિભાગની રૂ.૮૩૨૫ કરોડની માંગણીઓ સર્વાનુમતે પસાર કરાઈ હતી. અંદાજપત્રમાં ગૃહ વિભાગની માં રૂપિયા ૬૬૫ કરોડના ખર્ચે સાકાર થનારી નવી યોજનાઓનો પણ સમાવેશ થાય છે.

ગૃહ વિભાગની માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પોલીસ વિભાગમાં રહેણાંકના ૧૨૦૦૦ મકાન તેમજ બિન રહેણાંક ૩૭ મકાન બનાવવા માટે રૂપિયા ૮૬૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત પોલીસ આવાસ નિગમની ૧૯૮૮માં સ્થાપના થઇ હતી. ત્યારથી અત્યાર સુધી રૂ. ૪૪૪૩ કરોડના ખર્ચે ૪૮૬૫૦ રહેણાંકના મકાન તેમજ રૂ. ૨૪૩૪ કરોડના ખર્ચે ૩૩૬૩ બિન રહેણાંકના મકાનોની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પૈકી રૂ.૨૧૬૯ કરોડના ખર્ચે ૩૭૦૮૦ રહેણાંકના અને રૂ.૧૭૧૦ કરોડના ખર્ચે ૩૦૨૫ બિન રહેણાંકના કામો પૂર્ણ થયેલ છે. ૨૦૨૨-૨૩ના વર્ષમાં છોટા ઉદેપુર, વલસાડ, પાલનપુર અને ગીર સોમનાથ ખાતે રૂ.૧૫૮ કરોડના ખર્ચે નવી જેલ તેમજ રહેણાંક મકાનોનું નિર્માણ કરવામાં આવશે. જેના લીધે કેદીઓને વધુ સારી સુવિધા આપી શકાશે તેમજ ક્ષમતા કરતા વધુ કેદીઓ રાખવાની સમસ્યાનું મહદઅંશે નિવારણ થશે.
તેમણે કહ્યું હતું કે, સુરત શહેરમાં હીરાના ઉદ્યોગનો વિકાસ થયો છે. જેથી સુરતને ગુજરાતનું એન્ટવર્પ ગણવામાં આવે છે. સુરતમાં હીરા ઉદ્યોગના વેપારીઓના જાન-માલની સલામતી અને સુરક્ષા માટે ડાયમંડ સીટી પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. એ જ રીતે સમગ્ર વિશ્વમાં નાણાકીય પ્રવુતિઓ માટે આર્કષણનું કેન્દ્ર બનેલા ગિફ્ટ સિટી ખાતે પણ અલાયદું પોલીસ સ્ટેશન ઉભું કરવામાં આવશે. જેના માટે રૂ.૩ કરોડની જોગવાઈ કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કાયદો વ્યવસ્થાની જાળવણી તેમજ ગુનાઓની તપાસ માટે વાહનોની આવશ્યકતા રહે છે. ૨૦૨૨-૨૩ના વર્ષમાં રૂ.૧૮૩ કરોડના ખર્ચે નવા ૨૨૫૬ વાહનોની ખરીદી કરવામાં આવશે. જેમાં ૬૪ ઈનોવા, ૧૦૯ બસ, ૧૭૮ લાઈટવાન, ૭૦૦ બોલેરો, ૯૫૦ મોટરસાઈકલ, ૩૬ ઓપન ટ્રક, ૨૨ વોટર ટેન્કર, ૭૭ પીસીઆર વાન, ૬૭ પીસી બસ, ૧૨ ટ્રેકટર, ૨ વોટર કેનન વગેરેનો સમાવેશ થાય છે. જેના લીધે ક્રાઈમ કન્વિકશન રેટ અને મોબિલિટીમાં વધારો થશે અને રિસ્પોન્સ ટાઈમમાં વધારો થશે. છેલ્લા પાંચ વર્ષમાં ૫૨૨૫ નવા વાહનોની ખરીદી કરવામાં આવ્યા છે.
રાજયની ૧૯ જેલ, જેલ સ્ટાફ તાલિમ શાળા અને વડી કચેરી ખાતે રૂ.૩ કરોડના ખર્ચે સીસીટીવી લગાડવામાં આવશે. રાજયના પોલીસ તંત્રને આધુનિક બનાવવા માટે કેન્દ્ર પુરસ્કૃત યોજના અમલી બનાવવામાં આવેલ છે. ૨૦૨૨-૨૩ના વર્ષમાં શસ્ત્રો, સંદેશાવ્યવહારના સાધનો, સિકયુરીટી અને સર્વેલન્સ, ઈકવીપમેન્ટ અને વિવિધ વસ્તુઓ, તાલીમ તેમજ હોમગાર્ડઝ વગેરે માટે રૂ.૧૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેમાં રુ.૬ કરોડના ખર્ચે વિવિધ સાધનોની ખરીદી કરવામાં આવશે તેમજ રૂ.૨ કરોડના ખર્ચે આધુનિક તાલિમ પૂરી પાડવામાં આવશે.

Most Popular

To Top