SURAT

સુરતના આ બે જાણીતા ગ્રુપને ત્યાં થયેલા સર્ચમાં આવકવેરા વિભાગે 650 કરોડના બેનામી વ્યવહારો શોધી કાઢયા

સુરત: (Surat) મુંબઇ અને સુરત આવકવેરા વિભાગની (Income tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત સપ્તાહે સુરતના સંગીની, હોમલેન્ડ અને અરિહંત ગ્રુપ સહિત ૪૦ સ્થળોએ સર્ચ કાર્યવાહી કરી હતી. આ સર્ચ કાર્યવાહી આજે પાંચમા દિવસે પૂર્ણ થઇ હતી. આ મામલામા આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસના કમિશર ઓફ ઇન્કમટેકસ સુરભી અહલુવાલિયા દ્વારા આઇટી સર્ચની અધિકૃત માહિતી જાહેર કરવામાં આવી છે. વિભાગે જણાવ્યું છે કે, સુરતના પ્રતિષ્ઠિત બિલ્ડર ગૃપ (Builder Group) સાથે સંકળાયેલા જુદાજુદા લોકોના ૪૦ સ્થળો પર કરવામાં આવેલી સર્ચ – સિઝરની કાર્યવાહી દરમિયાન આવકવેરા વિભાગને સંગીની અને અરિહંત ગૃપને ત્યાંથી ૬૫૦ કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તે પૈકી ફલેટ અને જમીન વેચાણ પેટેની ૩૦૦ કરોડની રકમ રોકડમાં વ્યવહાર કરવામાં આવી હોવાનો ચોકાવનારો ખુલાસો પણ કરવામાં આવ્યો છે. બિલ્ડર, જવેલર્સ અને ફાઇનાન્સરોના આ ગ્રુપ દ્વારા ૨૦૦ કરોડના જે ઇન્વેસ્ટમેન્ટના ડોકયુમેન્ટ સર્ચ દરમિયાન મળી આવ્યા છે. તેની વિગત ઇનકમટેક્ષ રિર્ટનમાં કયાંક દર્શાવવામાં આવી નથી. ૧૦૦ કરોડના લોનના જે ડોકયુમેન્ટ મળી આવ્યા છે તેનો પણ કોઇ હિસાબ કિતાબ મળી આવ્યો નથી.

લોનના કેટલાક કાગળો અને લોનની કેટલીક એન્ટ્રીઓ મળી આવી હતી. આ એન્ટ્રીઓ રિર્ટનમાં દર્શાવવામાં આવી નથી. એટલે કે ૧૦૦ કરોડનું ટ્રાન્જેકશન લોન પેટે બિન હિસાબી કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે બિલ્ડરો, બ્રોકરે અને ફાઇનાન્સરોને ત્યાંથી લેપટોપ, કમ્પ્યુટરની હાર્ડડિસ્ક જપ્ત કરી છે. તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ૨૦૦ કરોડનું મૂડીરોકાણ જે જમીનો અને ફલેટમાં કરવામાં આવ્યું હતું. તેનો હિસાબ આ બિલ્ડર ગૃપ આપી શકયું નથી. વિભાગને જે લેપટોપ અને ડાયરીઓ મળી છે. તેમાં નંબરીંગ કોડ નાંખવામાં આવ્યા છે. તે ઓપન કરવા માટે આઇટી એક્ષપર્ટની મદદ લેવામાં આવી છે.

આવકવેરા વિભાગની જુદી જુદી ટીમોએ ગ્રુપમાં સંગીની ગ્રુપના રવજી અને વેલજી શેટા, હોમલેન્ડ ગ્રુપના નરેન્દ્ર ગર્ગ, મહિધરપુરા હીરાબજારના મોટાગજાના ફાઇનાન્સર મહેન્દ્ર ચંપકલાલ, બાંધકામ ઉદ્યોગ અને હીરાઉદ્યોગમાં વ્યાજે નાણાં ફેરવનાર ફાયનાન્સર અશેષ દોશી, કિરણ સંઘવી સહિતના ત્રણ જુદા જુદા ગ્રુપના ૨૭ પ્રોજેકટ અને ૪૦ સ્થળો પર કરવામાં આવેલી સર્ચ કાર્યવાહી કરી હતી.
વિભાગ દ્વારા વેસુ વીઆઇપી રોડ, અડાજણ, પાલ, રાંદેર ગોરાટ રોડ, જહાંગીરપુરા, પાલ ગૌરવપથ સહિતના પ્રાઇમ લોકેશનના પ્રોજેકટમાં તપાસ કરવામાં આવી હતી.

બિલ્ડર ગ્રુપ સાથે રોકડ વ્યવહાર કરનારની પણ તપાસ શરૂ કરાઇ
સંગીની અને અરિહંત ગ્રુપ સાથે રોકડ વ્યવહાર કરનાર કેટલાક બ્રોકર, ફાઇનાન્સર અને જમીન માલિકોની આગામી દિવસોમાં આવકવેરા વિભાગ પૂછપરછ કરશે. આ મામલામાં ૧૦૦ કરોડનું ટ્રાન્જેકશન લોન પેટે અને ૨૦૦ કરોડનું રોકાણ મળી કુલ ૩૦૦ કરોડનું રોકાણ રોકડમાં થયું છે. તે કોની કોની સાથે થયું છે. તેને લગતી તપાસ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

Most Popular

To Top