સુરત: (Surat) દિલ્હી એરપોર્ટના (Delhi Airport) એરકાર્ગો કસ્ટમ વિભાગને (Custom Department) મળેલી બાતમીના આધારે એરપોર્ટના કાર્ગો ટર્મિનલમાં તપાસ કરવામાં આવતાં ૫ હજાર રૂપિયાની કિંમતના પ્લાસ્ટિક હોટ ફિકસ બોકસમાં કસ્ટમ ડિકલેરેશન વિના મોકલવામાં આવી રહેલા ૧૦૮૨ કેરેટ વજનવાળા તૈયાર હીરાનો લોટ પકડી પાડવામાં આવ્યો છે. ગત શુક્રવારે દિલ્હી એરપોર્ટ કસ્ટમે આ કાર્યવાહી કરી હતી. જેમાં હોંગકોંગ મોકલવામાં આવી રહેલા પ્લાસ્ટિક હોટ ફિકસની આડમાં ૧.૫૬ કરોડના તૈયાર હીરા મુકવામાં આવ્યા હતા. મુંબઇ એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ વિંગ લાંબા સમયથી સક્રિય રહેતા હીરાની દાણચોરી કરનારાઓએ હવે દિલ્હી એરપોર્ટના કાર્ગો ટર્મિનલથી પાર્સલ થતી હીરા મોકલવાનું શરૂ કર્યું છે.
પોલિશ્ડ ડાયમંડ સુરતમાં તૈયાર થયાની આશંકા છે અને દિલ્હીથી હોંગકોંગ મોકલવામાં આવી રહ્યા હતા. ૧.૫૬ કરોડના હીરાના જથ્થામાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ, હાફકટ ડાયમંડ, પાઉચમાં લપેટી પ્લાસ્ટિક હોટ ફિકસમાં સંતાડી બોકસમાં પેક કરી હોંગકોંગ જઇ રહેલી ફલાઇટમાં પહોંચે તે પહેલાં પકડી પાડવામાં આવ્યા હતા.
દિલ્હી એરપોર્ટ પર આ પ્રકારનો પહેલો કિસ્સો છે. જેમાં અધિકૃત હીરા એકસપોર્ટ કરવાને બદલે દાણચોરીથી કુરિયરમાં મોકલવામાં આવી રહ્યા હતાં. આ મામલે દિલ્હી કસ્ટમ વિભાગે તપાસ શરૂ કરી છે. તપાસનો આ રેલો સુરત સુધી આવવાની શકયતા છે. પોલિશ્ડ ડાયમંડ કેપી સર્ટીફિકેશન વિનાના હોવાની કસ્ટમને આશંકા છે.
સુરત સેઝમાં મોઝેનાઇટ ડાયમંડ સાથે ઇમ્પોર્ટ થયેલા 10 ટકા નેચરલ ડાયમંડ સુરતમાં વેચાયા છતાં રિકવરી ઝીરો રહી
સુરત: ડિરેકટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ૧૨ ડિસેમ્બરના રોજ સચીન જીઆઇડીસી નજીક આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બહારથી તૈયાર હીરાના લોટ સાથે ૩ આરોપીઓ રાકેશ ભિકમચંદ રામપુરીયા, સાગર બિપીનચંદ્ર શાહ અને વિકાસ વિજયચંદ ચોપરાની ધરપકડ કરી નેચરલ ડાયમંડના નામે ૯૦ ટકા ફેકડાયમંડ અને ૧૦ ટકા કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ ઇમ્પોર્ટ – એકસપોર્ટ કરવાનું ૧૦૧૬ કરોડનું કૌભાંડ પકડી પાડયું હતું. જેમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે ૧૦ ટકા નેચરલ કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ ડોમેસ્ટિક માર્કેટમાં એટલે કે સુરતના હીરા વેપારીઓને વેચી દેવામાં આવ્યા હતાં. આ કેસમાં ત્રણે આરોપીઓના ડીઆરઆઇએ ૨ દિવસના રિમાન્ડ પણ મેળવ્યા હતા. તે પછી કોર્ટે ત્રણે આરોપીને જેલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતાં. નવાઇની વાત એ છે કે કરોલિયા ડાયમંડ ટ્રેડિંગ કંપની દ્વારા જે ૧૦ ટકા કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ સેઝની બહાર સુરતના હીરા બજારમાં વેચવામાં આવ્યા હતા. તે પૈકી એકપણ હીરાની સુરત ડીઆરઆઇએ હજી સુધી રીકવરી કરી નથી.
એટલું જ નહીં હીરાની ખરીદી કરનાર વેપારીઓની પણ કોઇ ધરપકડ કે અટકાયત આ કેસમાં થઇ નથી. અગાઉ પણ ૩૦ મે ૨૦૨૧ ના રોજ સુરત સેઝમાં આવેલી યુનિવર્સલ ડાયમંડ કંપનીના સંચાલકો પાસેથી કોંગકોંગથી મોકલવામાં આવેલા ૧૨૦૦૦ કેરેટના હીરા ૨૦૦૦૦ કેરેટના નિકળ્યા હતા. જયારે ૨૦૦૦૦ કેરેટનું બીજું કન્સાઇનમેન્ટ ૨૭૦૦૦ કેરેટનું નિકળ્યું હતું. આ કેસમાં પણ નેચરલ ડાયમંડ ઇમ્પોર્ટ કરવાના નામે ૮૦ ટકા બનાવટી હીરા ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા. અને બાકીના ૨૦ ટકા નેચરલ ડાયમંડ સુરતની માર્કેટમાં સેઝ બહાર વેચી નાખવામાં આવતા હતા.