સુરત: (Surat) સુરતમાં આવેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને (Dhirendra Shastri) સાંભળવા હજારો લોકો ઉમટી રહ્યાં છે. શનિવારે બાબા સુરતમાં જુદા જુદા કાર્યક્રમમાં હાજરી આપશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. વેસુના ખાટુ શ્યામ મંદિરે ધીરેન્દ્ર શાસ્ત્રી 11 વાગ્યે આવવાના છે તેવી પણ જાહેરાત થઇ હતી, પરંતુ છ કલાક સુધી ભક્તોને રાહ જોવડાવ્યા બાદ બાબા છેક સાંજે પાંચ વાગ્યે મંદિરે (Temple) આવ્યા હતા. બાબા મોડા આવતાં ભક્તોમાં નારાજગી પણ છવાઈ હતી.
- બાબા ખાટુ શ્યામ મંદિરે દર્શન આપવા બપોરે 12ને બદલે સાંજે 5 કલાકે આવ્યા
- ટ્રસ્ટીઓ પોતાના પરિજનો સાથે મંદિરમાં 200 માણસોનો નાનો દરબાર ભરવાની આશ લઈને કલાકો રાહ જોતાં રહ્યાં
- મહિલા-બાળકો ભર તડકે હાથમાં સ્વાગતની થાળી સાથે ઉભા હતાં, પરંતુ બાબા બપોરે 12 કલાકને બદલે સાંજે 5 કલાકે આવ્યા
બાબા બપોરે 12 કલાકે આવવાના હોવાથી તેમના સ્વાગત માટેની તૈયારી કરી લેવામાં આવી હતી તેમજ જે ટ્રસ્ટીઓ છે તેમના દ્વારા હોલની અંદર નાનો દરબાર ભરાય એવા પ્રકારની પણ વ્યવસ્થા કરી હતી. જેમાં 200 જેટલા ટ્રસ્ટીઓ તેમજ તેમના પરિવારના લોકો એકત્રિત થયા હતાં. પરંતુ 11:00 વાગ્યાનો સમય આપ્યા બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી ત્રણ વાગ્યા સુધી દેખાયા ન હતાં. જેના કારણે ભક્તો ભારે નિરાશ થયા હતાં. ચામડી દઝાડતાં તાપમાં પણ મંદિરના ગેટ પાસે મહિલાઓ અને બાળકો તેમના સ્વાગત માટે થાળી લઈને કલાક સુધી રાહ જોતા રહ્યાં. જોકે, બાબા બપોરે 12 કલાકે ઉઠ્યા હોવાથી આવ્યા નહોતા અને બાદમાં છેક સાંજે 5 વાગ્યે મંદિરે આવ્યા હતા. બાબાએ મંદિરમાં બાબા શ્યામના દર્શન કર્યા હતા. આ પ્રસંગે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા બાબાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
બાબાના દિવ્ય દરબારમાં પ્યાસા ભક્તોએ પાણી લૂંટ્યું
સુરત : સુરતમાં બાગેશ્વર બાબાના દિવ્ય દરબારમાં અવ્યવસ્થા સર્જાઈ હતી. અપૂરતી વ્યવસ્થા અને સગવડને કારણે બાબાના દરબારમાં આવનાર તેમના ચાહનારા ભારે હાલાકીમાં મુકાયા હતા. લોકોને પૂરતું પાણી પણ નહીં મળતા આયોજન સમિતિના સ્વયંસેવકો જે પાણીની બોટલ વીવીઆઇપી લોકો માટે લઈ જતા હતાં તેમાં લૂંટફાટ મચી હતી. આડેધડ એન્ટ્રી કેટેગરીના પાસ અને વ્યવસ્થાના નામે કાર્ડ બન્યા હોવાથી અફરાતફરી અને અરાજકતા જેવો માહોલ સર્જાયો હતો.