વર્ષ 2030માં સુરતની વસ્તી 95 લાખ હશે, આટલી વસ્તીને પહોંચવી વળવા કરાશે આટલા MLD પાણીનું આયોજન

સુરત: (Surat) પાલિકા દ્વારા શહેરીજનોના આરોગ્ય સુખાકારી સાથે, હરવાફરવાના સ્થળોનો (Tourist Places) વિકાસ અને સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. સાથે જ મનપા દ્વારા આવાસ વિહોણા લોકો માટે વધુ 20 હજારથી વધુ આવાસો બનાવવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત મનપા દ્વારા આ વર્ષે પાલિકાનાં વહિવટી ભવનનું કાર્ય પણ ઝડપથી આગળ વધારવામાં આવશે. સુરત મહાનગર પાલિકા કમિશનર ગુરુવારે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં (Draft Budget) વિવિધ જોગવાઈઓ કરવામાં આવી હતી. જે અંતર્ગત પાલિકાના નવા વહિવટી ભવન, સુરત રેલવે સ્ટેશનનો વિકાસ અને તાપી નદી પર બનનાર કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારાશે. આ ત્રણેય પ્રોજેક્ટ (Project) સુરત મનપાની સ્માર્ટસિટી તરીકેની ઓળખને વધુ મજબૂત બનાવશે.

સુરત સબજેલ વાળી જમીન પર કુલ 22,563 ચોરસ મીટર જગ્યામાં સુરત મહાનગર પાલિકાનું મુખ્ય વહિવટી ભવન બનાવવાનું મનપાનું આયોજન છે. જે માટે 898.91 કરોડનો બ્લોક અંદાજ મુકવામાં આવ્યો છે. આ કામગીરી માટે પ્રધાનમંત્રીના સૂચન મુજબ ટોલ બિલ્ડિંગ નોટીફિકેશન પ્રમાણે મળવા પાત્ર સંપૂર્ણ એફએસઆઈ 5.4નો વપરાશ કરીને સુરત મનપાની ઓફિસો સાથે સુરત શહેરમાં આવેલા કેન્દ્ર તથા રાજ્ય સરકારના વિવિધ કાર્યાલયોનો સમાવેશ કરી સુરત મહાનગર પાલિકાનું ભવન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ અંતર્ગત ઇંડીયન રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન સંયુક્ત રીતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ અગાઉ જે પીપીપી ધોરણે બનાવવાનું આયોજન હતું. તે હવે કેન્દ્રસરકારના રેલવો બોર્ડના નિર્ણય મુજબ ઈપીસી મોડલ પર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

2030માં 95 લાખની વસ્તીને ધ્યાનમાં રાખી પાણી પૂરવઠાનું આયોજન
સુરત શહેરમાં પાણી પુરવઠાના સંચાલન માટે પાલિકા દ્વારા સિટી વોટર બેલેન્સ પ્લાન તથા સિટી વોટર એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત વર્ષ 2025 અને વર્ષ 2030ની વસ્તીને ધ્યાનમાં લઈ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. સુરતની વર્ષ 2021ની અનુમાનિત 64.68 લાખની વસ્તી સામે વર્ષ 2025માં 76.90 લાખ અને વર્ષ 2030માં 95.83 લાખની વસ્તી હશે. હાલ જ્યાં શહેરીજનોને 1400 એમએલડી પાણીની જરૂર છે તેની સામે 2030માં 2050 એમએલડી પાણીની જરૂરિયાત રહેશે. જેને ધ્યાને લઈ પાલિકા દ્વારા આયોજન કરાઈ રહ્યું છે. સુરતમાં કન્વેન્શનલ બેરેજ પ્રોજેક્ટ માટે પાલિકા દ્વારા અંદાજીત 611 કરોડ રુપિયાની કોસ્ટ મુકવામાં આવી છે. જેના માટે આ વર્ષના બજેટમાં 25 કરોડની જોગવાઈ છે. જેમાં તાપી નદી પર કન્વેન્શનલ બેરેજ તથા તેને સંલગ્ન ડાબા કાંઠા તરફ રેમ્પ સહિત ફ્લાય ઓવર બ્રીજ બાંધવા અંગેનું આયોજન પ્રગતિ હેઠળ છે.

શહેરમાં આઉસિંગ ફોર ઓલ અંતર્ગત બનશે 20,270 નવા આવાસો
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વિવિધ ઘટકો હેઠળ શહેરી ગરીબો માટે હાઉસિંગ ફોર ઓલ યોજના મુજબ આવનારા વર્ષમાં 20,270 નવા આવાસો બનાવવામાં આવશે. જે માટે પાલિકા દ્વારા બજેટમાં 425.52 કરોડનાં ખર્ચનું આયોજન કરાયું છે. ઉપરાંત જુના બનાવેલા આવાસોની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ચકાસણી કરી રીડેલપમેન્ટનું પણ આયોજન કરાયું છે.

સેફ્ટી અને સિક્યૂરિટી
સુરત શહેર વિસ્તારમાં બહુમાળી મકાનોની સંખ્યામાં થનાર વધારાને ધ્યાને લઈ ફાયર સેફ્ટી અંતર્ગત એરિયલ લેડર પ્લેટફોર્મ 90 મીટર તથા 70 મીટર ખરીદવા માટે 40 કરોડનો ખર્ચ કરાશે. ઉપરાંત શહેરની વિસ્તારમાં હાલના કુલ 18 ફાયર સ્ટેશનો ઉપરાંત વધારાના 12 ફાયર સ્ટેશનો બનાવવાનું આયોજન છે. જે માટે 25 કરોડના ખર્ચનું આયોજન કરાયું છે.

  • સુરત મનપાના ટ્રાન્સફોર્મેટીવ પ્રોજેક્ટ
    તાપી રીવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત 100 કરોડ ફાળા તરીકે આપવાનું આયોજન (કુલ પ્રોજેક્ટ કોસ્ટ 3904 કરોડ)
  • તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત 354 કરોડનું આયોજન ( કુલ પ્રોજેક્ટ કોસ્ટ 971 કરોડ)
  • સુરત મહાનગર પાલિકાનું નવુ મુખ્ય વહિવટી ભવન બનાવવા માટે 200 કરોડનું આયોજન ( કુલ પ્રોજેક્ટ કોસ્ટ 900 કરોડ)
  • બેરેજ પ્રોજેક્ટ અંતર્ગત 25 કરોડનું આયોજન ( કુલ પ્રોજેક્ટ કોસ્ટ 611 કરોડ)
  • ડુમસ દરિયા કિનારે ઇકો ટુરીઝમ પાર્ક તરીકે ડેવલપ કરવાના કામે 50 કરોડનું આયોજન ( કુલ અંદાજીત પ્રોજેક્ટ કોસ્ટ 600 કરોડ)
  • સુરત મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ ઈપીસી મોડલ પર બનાવવા માટે 35 કરોડ ફાળા તરીકે આપવાનું આયોજન
  • મનપા હદ વિસ્તારમાં 5 કિમી મળી કુલ 22 કિમી આઉટર રિંગરોડ ડેવલપ કરવા માટે વર્ષ 2022-23
  • સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1 સરથાણાથી ડ્રીમસિટી 21.61 કિમીનો રૂટ તથા કોરીડોર 2- ભેંસાણથી સારોલી 18.74 કિમીના રૂટ પૈકી કોરીડોર એકના 6.47 કિમી લંબાઈમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટ માટે વર્ષ 2022-2023માં 30 કરોડ રૂપિયા ફાળા તરીકે આપવાનું આયોજન કરાયું છે.
  • શહીદ સ્મારક બનાવવા માટે 14.89 કરોડનું આયોજન છે. (કુલ પ્રોજેક્ટ કોસ્ટ 51.63 કરોડ)
  • નોર્થ ઝોન કતારગામ ખાતે વોટર પ્લાઝા 3.30 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન
  • ગોપીતળાવ એરિયા રીડેવલપમેન્ટના ભાગરૂપે કોટસફીલ રોડનું 2.5 કરોડના ખર્ચે ડેવલપમેન્ટનું આયોજન
  • સ્ટ્રીટ લાઈટનું 100 ટકા એલઈડીમાં ઝડપથી રૂપાંતર કરવાનું આયોજન

Most Popular

To Top