સુરત (Surat) : વિવાદીત પોલીસ અધિકારીઓને (Police Officers) ક્રીમ પોસ્ટ આપવાની શહેર પોલીસ અધિકારીઓની નેમને કારણે હવે તેના દુષ્કર પરિણામ દેખાઇ રહ્યા છે. સ્ટેટ મોનેટરિંગ સેલ (State Monitoring Cell) દ્વારા સવારે પાંચ વાગ્યે દીપલી (Dipli) ગામ ખાતે દરોડા (Raid) પાડવામાં આવ્યા હતાં. તેમાં દેશી દારૂ ગળાતો હોવાનું બહાર આવ્યું હતું. બોટાદના લઠ્ઠાકાંડમાં 57નાં મોત થયા છતાં દેશી દારૂ ગળાતો હોય અને તેને રાજ્યની પોલીસ એજન્સી પકડે તે સ્થાનિક પોલીસ માટે ખૂબ શરમજનક બાબત છે. સ્ટેટ વિજીલન્સે તેની યાદીમાં જણાવ્યું હતું કે, દિપલી ગામ મંદિર ફળિયામાં પાછળ ખાડી કિનારે દારૂની ભઠ્ઠી ધમધમી રહી હતી. તેમાં 1260 લિટર દેશી દારૂ પકડવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે. આ ઉપરાંત કુલ 67,500ની મત્તા સીઝ કરવામાં આવી હતી.
- લઠ્ઠાકાંડમાં 57 લાશ પડી ગઇ છતાં દીપલીમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હતી
- સ્ટેટ વિજિલ્સે દરોડો પાડીને સચિન જીઆઇડીસી પોલીસ મથકની હદમાં સવારે પાંચ વાગ્યે ભઠ્ઠી પકડી
લઠ્ઠાકાંડ બાદ પોલીસ કમિશનર અજય તોમર દ્વારા તમામ પોલીસ સ્ટેશનનોને દારૂના અડ્ડા બંધ કરાવવા માટે સખત આદેશ હોવા છતાં સ્ટેટ વિજીલન્સે સાબિત કરી નાંખ્યુ કે, સ્થાનિક પોલીસને દેશી દારૂના અડ્ડા બંધ કરાવવામાં કોઇ જ રસ નથી. ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીની (Home Minister HarshSanghvi) સખત ચેતવણી હોવા છતાં સુરતમાં દેશી દારૂના અડ્ડા ચાલુ રહેવા પામ્યાં છે. આ રેઇડમાં સ્ટેટ વિજિલન્સે બેને વોન્ટેડ અને એકની ધરપકડ બતાવી છે. આ રેઇડમાં પ્રવિણ જગુભાઇ પટેલ નામનો બુટલેગર ઝડપાઇ ચૂક્યો છે જ્યારે પાંડેસરા પોલીસમથકની હદમાં રહેતા મહેશ કાનજી પટેલ અને લીલીબેન દિલીપભાઇ નાયકાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
સચિન જીઆઇડીસીના પીઆઇ બલદાણિયા પાલ ગૌરવપથ રોડ ઉપર વધારે દેખાઇ છે
સચિન જીઆઇડીસી પોલીસમથકના પીઆઇ બલદાણિયા અગાઉ રાંદેર પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમના પોલીસ મથકની હદમાં સ્ટેટ વિજિલન્સે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બે લાખનો દારૂ પકડાતા તેઓને ઘરે બેસવું પડયું હતું. તેમને સચિન જીઆઇડીસી જેવું મલાઇદાર પોલીસ સ્ટેશન આપવામાં આવતા ડિપાર્ટમેન્ટમાં જ ગણગણાટ પણ શરૂ થયો હતો. ઉચ્ચ અધિકારીના આશિર્વાદથી પીઆઇને સચિન જીઆઇડીસી આપવામાં આવ્યું હોવાની વિગત જાણવા મળી છે. એટલું જ નહીં બલદાણિયા સચિન જીઆઇડીસી પોલીસમથકને બદલે પાલ ગૌરવપથ ઉપર વધારે જોવા મળે છે.
દેશી દારૂ હવે એક્ટિવા ઉપર વેચાવા લાગ્યો
લઠ્ઠાકાંડ બાદ દેશી દારૂ ઉપર દબાણ વધતા તેનો ભાવ હાલમાં ચાર ગણો થઇ ગયો છે. હવે બૂટલેગરોએ એક્ટિવા ઉપર અને લારીઓ ઉપર દેશી દારૂનું વેચાણ શરુ કરી દીધું છે. જો કે, લઠ્ઠાકાંડની કોઇ જ અસર નહીં હોય અને પોલીસ કમિશનરના આદેશની પણ ઐસી તૈસી થતી હોય તે રીતે સચિન જીઆઇડીસીની હદમાં દારુનું વેચાણ અને હેરાફેરીની લાઇવ તસવીરો ગુજરાતમિત્રને મળી છે.
પોલીસ બ્રાન્ચોમાંથી કહી દેવાયું અઠવાડિયુ ધંધો બંધ રાખજો
હાલમાં તમામ અડ્ડાઓ પર પોલીસે એક અઠવાડિયા માટે અડ્ડા બંધ રાખવા માટે વિનંતી કરતી જોવા મળી હોવાની વિગત જાણવા મળી છે. એક બૂટલેગરે પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે જણાવ્યું હતું કે એક અઠવાડિયા સુધી બંધ રાખવા માટે તેઓને જણાવાયું છે. ત્યારબાદ ફરીથી પૂર્વવત કરી દેવામાં આવશે. હાલમાં અમદાવાદના લઠ્ઠા કાંડ બાદ સરકાર પર જે બટ્ટો લાગ્યો છે.