સુરત: (Surat) રશિયા યુક્રેન યુદ્ધમાં (Russia Ukraine War) સુરતના યુવાનનું મોત થયું છે. સુરતના ૨૩ વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું યુદ્ધ દરમિયાન મોત થયું છે. રોજીરોટી કમાવવા વિદેશ લઇ ગયેલા એજન્ટે 12 યુવાનોને રશિયાના યુદ્ધમાં ઝોક્યા હતા તે પૈકી સુરતનો હેમિલ પણ સામેલ હતો. એજન્ટ મારફતે રશિયા ગયેલા સુરતના 23 વર્ષીય હેમિલ અશ્વિન માંગુકિયાનું રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં મોત થયું છે. કહેવાય છે કે તે રશિયા તરફથી યુદ્ધમાં હેલ્પર તરીકે શામેલ થયો હતો.
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને બે વર્ષ પૂરાં થઇ ગયા છે. રશિયા-યુક્રેન યુદ્ધ ક્યારે અટકશે તેની ખબર નથી. અત્યાર સુધીમાં અનેક નિર્દોષ નાગરિકોના મોત થયા છે ત્યારે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં સુરતના યુવાનનું મોત થયું છે. યુદ્ધમાં રશિયા વતી યુક્રેન સામે લડી રહેલા 23 વર્ષીય હેમિલ રશિયાની આર્મીમાં સહાયક તરીકે ભરતી થયો હતો. જાણવા મળ્યું છે કે બાબા બ્લોગ થકી રશિયાના સૈન્યમાં ભરતી થવા માટેની જાહેરાત આવી હતી. બાબા બ્લોગના જાહેરાત થકી અશ્વિન માંગુકિયા પહેલા મુંબઈ અને ત્યાંથી ચેન્નઈ ગયો હતો. ચેન્નાઈથી રશિયાના મોસ્કો લઇ જવામાં આવ્યો હતો.
જણાવી દઈએ કે રશિયામાં કેટલાક ભારતીયોને હેલ્પર તરીકે કામ કરવા માટે રાખવામાં આવ્યા હતા પરંતુ હવે તેઓ યુક્રેન સામે યુદ્ધ લડવા માટે મજબૂર હોવાની વાત સામે આવી છે. આમાના મોટાભાગના મજૂરો ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને જમ્મુ-કાશ્મીરના છે. આ મામલે ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય દૂતાવાસ રશિયામાં ફસાયેલા નાગરિકોને વહેલી તકે છોડાવશે. તેઓ રશિયન સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. એવી પણ માહિતી મળી છે કે કેટલાક ભારતીય નાગરિકોએ રશિયન સેનામાં હેલ્પર તરીકે કામ કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
જણાવી દઈએ કે ડિસેમ્બર 2023 માં હૈદરાબાદનાં સાંસદ ઓવૈસીએ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર અને રશિયામાં ભારતીય રાજદૂતને માહિતી આપી હતી કે રશિયા ભારતના શિક્ષિત બેરોજગાર યુવાનોને છેતરપિંડીથી રશિયા તેડાવી યુક્રેન સામે યુદ્ધમાં શામેલ કરે છે. આ યુવાનોને તેના ચંગુલમાંથી છોડાવાની પણ તેમણે અપીલ કરી હતી.