સુરત: દિવસેને દિવસે શહેરમાં ગરમીનો પારો ઉંચો જઈ રહ્યો છે. આ સાથે હજું આ પારો ઉંચો જવાની સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ હજીરાના જુનાગામના સ્મશાન ભૂમિ પાસે ખેતર (Farm) પાસેથી યુવકનો મૃતદેહ (Deadbody) મળી આવ્યો હતો. પોલીસે (Police) તેનું પોસ્ટમોર્ટમ (PM) કરાવતાં તેનું મૃત્યુ ઉનાળાની ગરમીના કારણે લૂ લાગવાથી થયું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ હજીરા જુનાગામમાં આવેલા ઝીંગા તળાવ પાસે ઝુંપડામાં રહેતો 42 વર્ષીય સિલબ્રિયુસ લાજરૂસ તીકી મુળ ઝારખંડનો વતની હતો. સિલબ્રિયુસ કડિયાકામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો અને તેમનો પુત્ર ઝીંગા તળાવમાં મજુરી કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. દરમિયાન ગઈકાલે સિલબ્રિયુસનો મૃતદેહ જુનાગામ સ્મશાન ભૂમિ પાસે દલસુખભાઈ પટેલના ખેતરની બાજુમાં મળી આવ્યો હતો. હજીરા પોલીસે તપાસ કરતા સિલબ્રિયુસનું ઉનાળામાં ગરમીને કારણે લૂ લાગવાથી મોત થયું હોવાની શક્યતા છે. નવી સિવિલ હોસ્પિટલમાં યુવકનો પોસ્ટમોર્ટમ કરાયું હતું. રિપોર્ટ આવ્યા બાદ મોતનું સચોટ કારણ જાણી શકાશે.
મહત્તમ તાપમાન વધતાં ગરમીનો પ્રકોપ વધ્યો, પારો ૩૫ ડિગ્રી નજીક પહોંચ્યો
સુરતઃ શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં ધીમી ગતિ વધારો જોવા મળી રહ્યો છે. જેની સામે ગરમીમાં બમણો વધારો થઈ રહ્યો છે. બુધવારે મહત્તમ તાપમાનમાં અડધો ડિગ્રી વધારો નોંધાયો હતો. અસહ્ય ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં હવે ગરમીની સિઝન મધ્યાહને આવી છે. દર વરસે ઉનાળા દરમિયાન એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહથી ગરમીનો પ્રકોપ વધતો જાય છે. છેલ્લા અઠવાડિયાથી પવનની દિશામાં ફેરફાર નોંધાવતાં ગરમીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી વધી ૩૪.૮ ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે બપોરે ભારે ગરમી અનુભવાઇ હતી. જ્યારે લઘુત્તમ તાપમાન આંશિક ઘટાડા સાથે ૨૪.૮ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ૫૯ ટકા ભેજની સાથે ૭ કિ.મી. દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. ગરમ પવનને લીધે લૂ વાળો ગરમ પવન ફુંકાતાં લોકોએ બપોરે કામ વગર નીકળવાનું ટાળ્યું હતું. આગામી દિવસોમાં ગરમી હજી વધશે. જેથી લોકોને બપોરે ગરમીથી બચવા કાળજી રાખવી પડશે.
એપ્રિલમાં ગુજરાત સહિતના ભાગોમાં ઉનાળો આકરો રહેશે
ઉત્તરપૂર્વી ભારત અને મધ્ય ભારત સાથે જોડાયેલા ભાગોમાં એપ્રિલ મહિનામાં વધુ તીવ્ર અને વારંવાર હીટવેનની સ્થિત રહેશે, એમ ભારતીય હવામાન ખાતાના નિદેશક જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ બુધવારે કહ્યું હતું. સમગ્ર ઉત્તરપશ્ચિમ ભારત અને ગુજરાતથી શરૂ થતા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સુધીના મધ્ય ભારત અને છત્તીસગઢમાં સામાન્ય કરતા ઘણુ વધારે તાપમાન રહેવાની અમને અપેક્ષા છે, એમ તેમણે એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં કહ્યું હતું.
માર્ચની સરખામણીમાં એપ્રિલ મહિનામાં વારંવાર હીટવેવની સ્થિતિ વધુ રહેશે: હવામાન વિભાગ
હવામાન ખાતાએ અગાઉ આગાહી કરી હતી કે માર્ચ મહિના કરતા એપ્રિલ વધુ તીવ્ર ગરમીવાળો રહેશે અને તાપમાન સામાન્ય કરતા ઊંચુ રહેશે, એમ મોહપાત્રાએ કહ્યું હતું. ‘માર્ચની સરખામણીમાં એપ્રિલ મહિનામાં વારંવાર હીટવેવની સ્થિતિ વધુ રહેશે. અને અમુક ભાગોમાં 15 એપ્રિલ સુધી હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા છે’, એમ તેમણે ઉમેર્યું હતું. હવામાન ખાતાએ એક નિવેદનમાં કહ્યું હતું ચાલી રહેલી હીટવેવની સ્થિતિ 27 માર્ચથી શરૂ થઈ હતી જે મુખ્યત્વે પશ્ચિમી રાજસ્થાન અને સાથેના ગુજરાત અને મધ્ય પ્રદેશના વિસ્તારોમાં હતી. તે 29 માર્ચ સુધી લંબાઈને પૂર્વી રાજસ્થાન, પૂર્વી મધ્ય પ્રદેશ, દક્ષિણી હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશના દક્ષિણી ભાગો સુધી પહોંચી હતી.
હવામાન ખાતાએ કહ્યું હતું 10-12 દિવસની હીટવેવની સ્થિતિ સામાન્ય છે.
ભારતમાં 122 વર્ષમાં સૌથી ગરમ માર્ચ મહિનો નોંધ્યો હતો અને આ મહિના દરમિયાન દેશના મોટા ભાગમાં આગ ઓકતી તીવ્ર હીટવેવ હતી.
હવામાન ખાતાએ ઉત્તર ભારતમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપની અને દક્ષિણ ભારતમાં કોઈપણ મોટી સિસ્ટમની ગેરહાજરીને કારણે વરસાદની અછતને ગરમી માટે જવાબદાર ગણાવી હતી.