સુરત: (Surat) ચૂંટણી (Election) બાદ કોરોનાનું (Corona) સંક્રમણ વધી રહ્યું છે, દિવસે દિવસે કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. હાલમાં 150થી વધુ કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે, ત્યાં હવે લાંબા સમય બાદ કોરોનાની બિમારીને કારણે એક વૃદ્ધનું મોત (Death) નીપજ્યું હતું. મનપા અધિકારીના કહેવા પ્રમાણે 45 દિવસ બાદ શહેરમાં કોરોનાથી એક મોત થયું છે. મૃતક છેલ્લા કેટલાક વર્ષોથી હાથ-પગમાં ધ્રુજારી થઇ જવાની બિમારીને કારણે પીડાતા હતાં.
દિવાળીના તહેવારને લઇને શહેરમાં કોરોનાના કેસો વધ્યા હતા. જો કે, ડિસેમ્બર મહિનાના અંતમાં કોરોનાના કેસમાં ખુબ જ ઘટાડો થયો હતો. જાન્યુઆરી મહિનાની શરૂઆત થતાંની સાથે જ મૃત્યુઆંકમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. દિવાળી તહેવારના સમયે સુરત શહેર અને જિલ્લામાં સરેરાશ ચારથી પાંચ વ્યક્તિના મોત નીપજતા હતા. જે જાન્યુઆરી મહિના બાદ ઓછા થઇ ગયા હતા. શહેરમાં છેલ્લા 45 દિવસમાં કોરોનાની બિમારીને કારણે એકપણ વ્યક્તિના મોત નીપજ્યા ન હતા. અગાઉ ગત તા.25-01-2021ના રોજ કોરોનાને કારણે એકનું મોત નીપજ્યું હતું.
હવે 45 દિવસ બાદ શુક્રવારે કોરોનાને કારણે અઠવા વિસ્તારમાં રહેતા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. અઠવા વિસ્તારમાં રહેતા 82 વર્ષિય વૃદ્ધને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તા. 9મી માર્ચે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માત્ર બે જ દિવસની સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યુ હતું. સિવિલ હોસ્પિટલના ડોક્ટરોના કહેવા પ્રમાણે મૃતકને છેલ્લા ઘણા વર્ષોથી બિમાર હતા અને તેઓને ધ્રુજારીની બિમારી હતી. સમયાંતરે તેઓના શરીરમાં ધ્રુજારી આવતી હોવાથી તેઓ બિમાર રહેતાં હતાં.
શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં જુન-જુલાઈ માસમાં જે કોરોનાનો કહેર હતો તેવી જ પરિસ્થતિ ફરીવાર ઉદભવી રહી છે. દિવાળી બાદથી બિલકુલ કાબુમાં આવી ચુકેલા સંક્રમણમાં ફરીવાર ઉછાળો થતા તંત્રની દોડધામ વધી છે. શુક્રવારે શહેરમાં નવા 183 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે કુલ આંક 42,071 પર પહોંચ્યો છે અને શહેરમાં વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 851 પર પહોંચ્યો છે. શહેરમાં વધુ 102 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 40,382 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ ઘટીને 95.99 ટકા પર પહોંચ્યો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ?
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 15
- વરાછા-એ 13
- વરાછા-બી 08
- રાંદેર 46
- કતારગામ 13
- લિંબાયત 15
- ઉધના 14
- અઠવા 59
કુલ કેસના 50 ટકા કેસ રાંદેર અને અઠવા ઝોનમાં, શહેરીજનોને સાવચેતી રાખવા મનપા કમિશનરની અપીલ
શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેથી મનપા કમિશનરે શહેરીજનોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. મનપા કમિશનરે વધુમાં જણાવ્યું છે કે, શહેરમાં અત્યારસુધીમાં 5 યુ.કે અને 1 સાઉથ આફ્રીકન સ્ટ્રેઈન વાયરસના કેસ મળી આવ્યા છે. નવા સ્ટ્રેઈન ઝડપથી ફેલાતા હોય, શહેરીજનો વધુ સાવચેતી રાખે તે જરૂરી છે, તેમજ શહેરમાં કુલ કેસના 50 ટકા કેસ અઠવા અને રાંદેર ઝોનમાં આવી રહ્યા છે. સાથે સાથે ઉધના, વરાછા-એ તેમજ લિંબાયત ઝોનમાં પોઝિટિવીટી રેટ વધી રહ્યો છે. જેથી શહેરીજનો કોવિડ ગાઈડલાઈનનું સખતપણે પાલન કરે તે જરૂરી છે.
40 ટકા કેસ ટ્રાવેસ હીસ્ટ્રીના મળતા હોય, બહારગામથી આવનારાઓને સેલ્ફ આઈસોલેટ થવા અપીલ
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં 40 ટકા કેસ શહેર બહારથી આવનારાઓના મળી રહ્યા છે. જેથી શહેરીજનો મોટા મેળાવડામાં જવાનું ટાળે તેમજ વધુમાં વધુ લોકો વેક્સિનેશનનો લાભ લે. જેઓ બહારગામથી આવી રહ્યા છે તેઓ સેલ્ફ આઈસોલેટ થાય તેમજ ટેસ્ટ કરાવી જો પોઝિટિવ આવે તો તુરંત ટ્રીટમેન્ટ કરાવે તેવી અપીલ કરવામાં આવી છે.
સીધા વેક્સિનેશન સાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી લોકો વેક્સિન મુકાવે
મનપા કમિશનરે વધુમાં વધુ લોકોને વેક્સિનેશનનો લાભ લેવા પણ અપીલ કરી હતી. હાલમાં 60 વર્ષથી ઉપરના તેમજ 45 થી 60 વર્ષના કો-મોર્બિડ પેશન્ટને વેક્સિન મુકવામાં આવી રહી છે. શહેરમાં કુલ 120 સાઈટ પરથી દરરોજ 8000થી વધુ લોકોને ખાનગી તેમજ સરકારી સ્થળો પર વેક્સિન મુકાઈ રહી છે. ત્યારે વધુમાં વધુ લોકો નજીકના વેક્સિનેશન સાઈટ પર જઈ સીધા સ્પોટ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.