SURAT

VIDEO: સુરતમાં ભોજપુરી ગીતો પર ડાન્સરોએ સ્ટેજ પર લગાવ્યા ઠુમકા, કેમેરા ઓન થતાં જ..

સુરત: (Surat) સુરત ટેક્સટાઇલ (Textile) માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયન (Labor Union) દ્વારા વિશ્વ મજૂર દિવસની (World Labor Day) ઉજવણીનો કાર્યક્રમ ગઈકાલે સહરા દરવાજા સરદાર નગર પોલીસ ચોકી (Police Chowki) સામે યોજાયો હતો. ટેક્સટાઇલ લેબર યુનિયનના સંમેલનમાં ડાન્સરોએ (Dancers) સ્ટેજ પર ઠુમકા લગાવતાં વિવાદ (Controversy) સર્જાયો છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ અને નૈષધ દેસાઈ ભાષણ કરી જતા રહ્યા પછી મહિલા ડાન્સરોએ દ્વિઅર્થી ભોજપુરી ગીતો પર મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની હાજરીમાં ડાન્સ કરતો વિડીયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.

આ કાર્યક્રમમાં સ્ટેજ પરથી ડાન્સરોએ ઠુમકા લગાવ્યા હતા. અને પોલીસની નજર સામે સહરા દરવાજા સરદાર નગર પોલીસ ચોકી સામે જ યોજાયો હતો. પોલીસની હાજરીમાં જ ડાન્સરોએ સ્ટેજ પરથી ઠુમકા લગાવ્યા હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે. જો કે, કાર્યક્રમમાં ભજનોની પણ રમઝટ બોલી હતી. આ કાર્યક્રમ નિહાળવા મોટી સંખ્યામાં બાળકો, મહિલા, યુવાનો સહિતના લોકો એકઠા થયા હતા. મીડિયાના કેમેરા શરૂ થયા બાદ ડાન્સ બંધ કરાવવામાં આવ્યો હતો. સ્ટેજ પરથી ડાન્સરો ઠુમકા લગાવી રહી હતી તે સમયે નાનાં બાળકો પણ કાર્યક્રમમાં હાજર હતાં.

આ પ્રસંગે સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા, મહામંત્રી દેવ પ્રકાશ પાંડે, બંગા પાંડે, રાહુલ પાંડે, હનુમાન શુક્લ, સિયારામ યાદવ સહિત યુનિયનના અન્ય પદાધિકારીએ ઉપસ્થિત રહ્યા હતા.

કામદાર દિવસની ઉજવણી સાથે ભોજપુરી લોકગીતોનો કાર્યક્રમ યોજાયો હતો : ઉમાશંકર મિશ્રા
સુરત ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે પણ કામદાર દિવસની ઉજવણી સાથે ભોજપુરી લોકગીતોનો કાર્યક્રમ યોજાયો હતો. બિહાર-યુપીમાં લોકપ્રિય લોકગીતો પર નૃત્યનો કાર્યક્રમ પણ યોજાયો હતો. એમાં કોઈપણ પ્રકારની બીભત્સતા ન હતી. ભાષાકીય ગેર સમજને લીધે ન્યૂઝ ચેનલોએ ખોટું અર્થઘટન કર્યું હતું. કાર્યક્રમમાં લોકો પરિવાર સાથે આવ્યા હતા. આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો ઉત્તર ભારતીય સમાજમાં યોજાતા હોય છે.

હાર્દિક પટેલે શું કહ્યું?
સંમેલનમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કહ્યું હતું કે, કામદાર શક્તિ વિશ્વની સૌથી શક્તિશાળી શક્તિ છે. સુરતના કામદારોએ પોતાનું લોહી અને પરસેવો આપી સુરતના વિકાસમાં ફાળો આપ્યો છે. પરંતુ આજે કામદારોનું ભારે શોષણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તમામ કામદારોએ એક થવાની જરૂર છે. અમે કામદારોની લડાઈ રોડથી લઇ સદન સુધી લડીશું.

વર્તમાન સરકાર કામદારવિરોધી છે : નૈષધ દેસાઈ
ગુજરાત ઈંટુકના પ્રમુખ નૈષધ દેસાઈએ કહ્યું હતું કે, વર્તમાન સરકાર કામદારવિરોધી છે. જે શ્રમ કાયદાને નાબૂદ કરી કામદારોના અધિકારો છીનવી લેવાનું કામ કરી રહી છે.

Most Popular

To Top