SURAT

બપોરે ધોધમાર વરસાદ: સુરતમાં ઠેર-ઠેર ખાનાખરાબી, અનેક જગ્યાએ પાણી ભરાયા

સુરત: (Surat) સુરતમાં સમગ્ર રાત્રિ દરમ્યાન તૌકતે વાવાઝોડાએ (Cyclone) એ સુરતીઓની ઉંઘ હરામ કરી હતી. સમગ્ર રાત્રિ દરમ્યાન ભારે સુસવાટા સાથે કલાકનાં 75 કિલોમીટરની ઝડપે પવન (Wind) ફૂંકાયો હતો. દરમ્યાન બપોરે 2 વાગ્યાના સુમારે ભારે પવન સાથે સમગ્ર શહેરમાં ધુંઆધાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. ધોધમાર વરસાદને (Rain) કારણે સુરત શહેરમાં અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી છે. અત્યાર સુધીમાં વૃક્ષો ધરાશાયી થવાના 200 થી વધારે કોલ ફાયર વિભાગને મળ્યા છે.

શહેરમાં સમગ્ર રાત્રિ દરમ્યાન સામાન્ય વરસાદ વરસ્યા બાદ બપોરે 11 કલાકથી ધોધમાર વરસાદ પડવાનું શરૂ થયું હતું. દરમ્યાન બપોરે 2 કલાકના અરસામાં તૌકતેની સૌથી વધુ તાકાત નજર આવી હતી.

ભારે પવન અને સૂસવાટા સાથે સામે કાંઈ પણ જોઈ ન શકાય તેટલો જોરદાર વરસાદ વરસ્યો હતો. અડધોથી પોણો કલાક ખાબકેલા આ વરસાદને કારણે શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. દરમ્યાન શહેરીજનોએ બહાર નિકળવાનું ટાળ્યું હતું અને બપોર સુધી રસ્તાઓ સુનસાન નજરે પડ્યા હતાં.

આખી રાત ભારે પવન અને વરસાદને લઈ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઝાડ પડવાના ફાયરને બહુ કોલ મળ્યા હતા અને રાત્રિ દરમ્યાન જ 150થી વધુ ઝાડ તૂટી પડ્યા હોવાનું જાણવા મળ્યુ છે. એટલું જ નહીં પણ ઝાડ પડવાથી આખી રાત ફાયરની ટીમ ખડે પગે બ્લોક થયેલા રસ્તાઓ ખોલવામાં કલાકોની જહેમત બાદ સફળ થઈ હતી.

સુરતમાં વાવાઝોડાની અસરને પગલે પાલિકાએ તમામ ઝોનમાંથી 410 હોર્ડિંગ્સ અને 356 જેટલા વૃક્ષોનું ટ્રીમિંગ કર્યું છે. 24 કલાક માટે પાલિકાએ ઇમરજન્સી કન્ટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. દરેક ઝોનમાં ઇમરજન્સી નંબરો જાહેર કરી દેવામાં આવ્યા છે.

શહેરના નાનપુરા, બેગમપુરા, સલાબતપુરા, ઉધના, લિંબાયત, પાલ, અડાજણ, વરાછા, કતારગામ વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડતા પાણી ભરાઈ ગયા હતા. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી એલઆઈજી બિલ્ડીંગનો જર્જરિત ભાગ તૂટી પડતા નાસભાગ મચી ગઈ. જોકે, આ ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને મોરચો સંભાળી લીધો હતો. ચોક બજાર સોપારીવાળાની ગલીમાં આવેલા રૂમાની મંજિલના બીજા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જોકે કોઈ જાનહાની નોંધાઈ ન હતી.

Most Popular

To Top