સુરત: (Surat) શહેરમાં દિવસે દિવસે સાયબર ક્રાઇમમાં (Cyber Crime) વધારો થઇ રહ્યો છે. ભેજાબાજો ક્રેડીટકાર્ડ (Credit Card) તેમજ બેંકના નામે લોકોને ફોન કરીને તેઓની વિવિધ લાલચો આપી લાખો રૂપિયા સેરવી રહ્યા છે. કેટલીક જગ્યાએ તો ક્રેડીટકાર્ડમાંથી સીધી જ ખરીદી પણ કરી લેવાના કિસ્સા બન્યા છે. ત્યારે શહેરમાં અડાજણ, ઉમરા અને અમરોલીમાં રહેતા યુવકોના ખાતામાંથી 1 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી લેવામાં આવી હોવાની વિગતો મળી છે.
- ઉમરાના યુવકના ખાતામાંથી 44 હજાર
- અમરોલીમાં વેપારીના ક્રેડિટ કાર્ડમાંથી ૪૩ હજાર
- અડાજણમાં એન્જિનિયરના ખાતામાંથી 40 હજારની સેરવી લેવાયા હતા
ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ડુમસ રોડ રાજહંસ સિનેમા પાછળ મિલાનો હાઈટ્સની બાજુમાં મનપા આવાસમાં રહેતો તુલસીદાસ કલાકાર મિર્ઝા રાજહંસ સિનેમામાં આવેલી રેસ્ટોરન્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તુલસીદાસ આરબીએલ કંપનીનું ક્રેડીટકાર્ડ વાપરે છે. આ કંપનીમાંથી મહિલાએ ઇન્સ્યોરન્સની વાતો કરી હતી. તુલસીદાસે વીમો બંધ કરાવવાનું કહેતા મહિલાએ કહ્યું કે, તમારા ફોનમાં જે ઓટીપી આવે છે તે આપજો એટલે 24 કલાકમાં વીમો બંધ થઇ જશે. આ ઓટીપી આપ્યાની સાથે જ તુલસીદાસના ક્રેડીટકાર્ડમાંથી ૪૦,૫૯૦ અને બીજામાં રૂપિયા ૪,૦૦૦ ઉપાડી લેવાયા હતા.
જ્યારે બીજા બનાવમાં ઉત્રાણ માધવ પાર્ક સોસાયટીમાં રહેતા દીપક ઘનશ્યામ ભલાણી (ઉ.વ.૨૭) મીની બજાર બજરંગ બિલ્ડિંગ ઠાકોર દ્વારમાં હીરાના કારખાનામાં કામ કરે છે. દીપકભાઇ ઉપર પણ આરબીએલ કંપનીના નામે અજાણ્યાએ ફોન કરીને ક્રેડીટકાર્ડની લીમીટ વધારવાનું કહ્યું હતું. આ સાથે જ થોડીવારમાં દીપકભાઇના ખાતામાંથી 43550 ટ્રાન્સફર કરી લેવાયા હતા. જે અંગે અમરોલી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
જ્યારે ત્રીજા બનાવમાં અડાજણના એલપી સવાણી રોડ ઉપર રહેતા અને મુંબઇની જેકઅપ કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા જીગર રમેશચંદ્ર મિસ્ત્રીના આરબીએલ ક્રેડીટ કાર્ડમાંથી 40 હજાર ઉપાડી લેવાયા હતા. જીગરભાઇને પણ ક્રેડીટકાર્ડ વધારવાનું કહીને અજાણ્યાએ ઓટીપી નંબર મેળવી લીધો હતો. જે અંગે અડાજણ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.