સુરત: આધુનિક યુગમાં બાળકથી લઈને વૃદ્ધ સુધી ઘણા લોકો ઇન્ટરનેટ (Internet)નો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે સાયબર ક્રાઈમ (cyber crime)ના કેસોમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. લોકોને સાયબર ફ્રોડથી બચાવવા માટે, લોકો પોતાની જાતે જાગૃત થાય એ માટે સુરત પોલીસ (surat police) દ્વારા સાયબર સંજીવની (Syber sanjivani)ની શરૂઆત કરવામાં આવી છે.
સાયબર ક્રાઈમના ભોગ બનવાના કિસ્સામાં કરવાની થતી કાયદેરસરની કાર્યવાહી તથા તેની જવાબદારી વિશે સ્પર્ધા (Competetion)ના માધ્યમથી જાગૃત કરાશે. સુરત પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ (Press meet by police commissioner) સંબોધતા જણાવ્યું હતું કે, આ સ્પર્ધા થકી લોકોમાં સાયબર ક્રાઈમ બાબતે જાગૃતતા લાવી સુરત શહેરને સાયબર સેફ સુરત બનાવવાનો ઉદ્દેશ છે. લોકો સાયબર ક્રાઈમની વિવિધ મોડસ ઓપરન્ડીથી માહિતગાર થાય. નાગરિક અને પોલીસ વચ્ચે વિશ્વાસ અને સંબંધો વધારે સુદ્દઢ બને એ ઉદ્દેશ છે. ડિજિટલ ઇન્ડિયાના યુગમાં લોકો ડિજિટલ પ્લેટફોર્મનો વધુમાં વધુ સલામત રીતે ઉપયોગ કરે અને સાયબર ક્રાઈમનો ભોગ ન બને એ માટે લોકોને પ્રોત્સાહિત કરાશે.
સ્પર્ધાની માહિતી અંગે વાત કરીએ તો સાયબર અવેરનેસ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ રોજબરોજ બનતા સાયબર ક્રાઈમના બનાવોથી બચવા અને જાગૃતતા લાવવા કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે. જે પ્રશ્નોના ઉત્તર 20 મિનીટમાં આપવાના રહેશે. આ સાયબર સંજીવની કાર્યક્રમમાં શાળાના બે લાખ વિદ્યાર્થીને આવરી લેવાશે. જેથી આ વિદ્યાર્થીઓ તેમના પરિવારને માહિતગાર કરશે. એટલે 20 લાખ લોકોમાં અવરનેસ આવશે. ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી વેપારી વર્ગમાં તથા રિક્ષા ડ્રાઈવર સુધીના તમામને આવરી લેવાયા છે.
ફ્લાઈંગ કલર્સ ડ્રોઈંગ સ્પર્ધાનું પણ આયોજન
ફ્લાઈંગ કલર્સ એક ડ્રોઈંગ સ્પર્ધા છે. જે સ્પર્ધાનો ઉદ્દેશ સાયબર સંબંધિત મેસેજની ટેગલાઈન સાથેનાં ડ્રોઈંગ, સ્કેચ, ચિત્ર અથવા પોસ્ટર બનાવી નાગરિકોમાં જાગૃતતા લાવવાનો છે. આ સ્પર્ધામાં ઓનલાઈન ફ્રોડ, ઓનલાઈન સેફ્ટી, ઓનલાઈન અવેરનેસ, ફેક ન્યૂઝ તથા સાયબર બુલિંગ જેવા પાંચ વિષય રાખવામાં આવ્યા છે. આ માટે સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થી અને અન્ય તમામ લોકો એમ ત્રણ કેટેગરી રાખવામાં આવી છે.
છેલ્લાં ચાર વર્ષમાં થયેલા સાયબર ક્રાઈમના ગુના
વર્ષ દાખલ ગુના(જુલાઈ સુધી) દાખલ ગુના(ડિસે. સુધી)
2018 75 158
2019 144 238
2020 75 204
2021 203 –
સાયબર ક્રાઈમ પોલીસને મળેલી મોટી સફળતાઓ
- નાઈજીરીયન ગેંગનો પર્દાફાશ કરાયો
સિમ સ્વેપ તથા ઇ-મેઈલ હેક કરી બેંક ખાતામાંથી 1.71 કરોડ ટ્રાન્સફર કરાયા હતા. જેમાં 2 નાઈજીરીયન આરોપી સહિત કુલ 6 આરોપીની અટક કરી 5.90 લાખની રિકવરી કરાઈ હતી.
- હોસ્પિટલોના નામે ફેક આઈડી બનાવી છેતરપિંડી કરનાર
ફેક વેબસાઈટ ઉપર કીડની સેલ કરવાથી ચાર કરોડ મળશે તેવી લોભામણી ઓફરોની જાહેરાત મૂકતા હતા. આરબીઆઈ નામના ફેક ઇ-મેઈલ આઈથી મેઈલ કરી કુલ 14.78 લાખની છેતરપિંડી કરાઈ હતી. જેમાં બેંગ્લુરુ ખાતેથી પ્રખ્યાત 40થી વધારે હોસ્પિટલના નામે બોગસ વેબસાઈટ બનાવનાર વિદેશી આરોપીને ઝડપી પાડ્યો હતો.
- દેશભરમાં આરબીએલ બેંકનાં ક્રેડિટ કાર્ડના નામે ફ્રોડ
દેશમાં આરબીએલ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી છેતરપિંડી કરતા હતા. કુલ 3.67 કરોડની લોકો સાથે છેતરપિંડી થઈ હતી. જેમાં ઝારખંડ જામતારા ખાતેથી 1 તથા ગેંગ સાથે કુલ 6 આરોપીને પકડી લેવાયા હતા.
- ગુરુકુલ જ્યોતિષ સંસ્થાના નામે ફ્રોડ
ગુરુકુલ જ્યોતિષ સંસ્થામાંથી વગર વ્યાજે 50 લાખની લોન અપાવવાના નામે જણાવી કુલ 32.40 લાખની છેતરપિંડી કરાઈ હતી. આ ગુનામાં વૈશાલી, ગાઝિયાબાદ ખાતે ચાલતા કોલ સેન્ટરમાંથી 4 તથા દિલ્હીથી 2 આરોપી ઝડપી લેવાયા હતા.
- છાપામાં કોમલ બ્યુટી પાર્લરના નામથી યુવતીઓ સાથે મિત્રતા
ન્યૂઝ પેપરમાં કોમલ બ્યુટી પાર્લર નામથી જાહેરાત આપી યુવતીઓ સાથે મિત્રતા કરાવવાના નામે ચેટિંગ કરવા તથા રૂબરૂ મુલાકાત કરવાથી 20થી 30 હજાર મળશે તેવી લાલચ આપતા હતા. અને ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવાના બહાને છેતરપિંડી કરતા હતા.
- ચાઈનીઝ એપથી છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ
પાવર બેંક અને ઇઝેડ પ્લાન નામની ચાઈનીઝ એપ દ્વારા બેંગ્લુરુ, દિલ્હી, ઉત્તરાખંડ તથા ભારતનાં અનેક રાજ્યોમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી 520 કરોડની છેતરપિંડી કરાઈ હતી. આવી બોગસ કંપની ઊભી કરનાર બેને શોધી પોલીસના હવાલે કરાયા હતા.