સુરત: સાયબર ક્રાઈમ ડિજિટલ અરેસ્ટની એક ઘટનામાં સુરતનાં સાયબર ક્રાઈમ વિભાગનાં ડીસીપી બિશાખા જૈનનાં આદેશથી પી.આઈ. આર.આર.દેસાઈની ટીમે સતર્કતા દાખવતા ભોગ બનનાર બચી ગયા હતા. ત્રણ દિવસની સતામણીનો ફક્ત 30 મિનિટમાં અંત આવ્યો હતો.
- સુરતમાં નિવૃત્ત એસએમસી અધિકારી ડિજિટલ અરેસ્ટ સાયબર ક્રાઇમ ફ્રોડ માં રૂપિયા ૪૬ લાખ ગુમાવતા સાયબર ક્રાઇમ સેલ સુરત-પોલીસની સતર્કતાથી બચી ગયા
- ડીસીપી બિશાખા જૈનનાં આદેશથી સાયબર સેલનાં પી આઇ આર.આર.દેસાઈની ટીમે તાત્કાલિક પગલાં લીધા
પાલિકાના નિવૃત્ત અધિકારીની ફરિયાદ અક્ષરસ:
મારૂ નામ અમિત જે દેસાઈ છે. સુરત મહાનગર પાલિતાનો નિવૃત્ત કર્મચારી છું. 17મીએ સોમવારનાં રોજ બપોરે 3.30 કલાકે ટેલિકોમ ડિપાર્ટમેન્ટની ટ્રાઈ કંપનીનાં નામથી મારા પર ફોન આવ્યો હતો. દિલ્હીથી કોલ કરનારનો મોબાઈલ નંબર 8171666254 નંબર હતો.
તેમાં જણાવ્યું હતું કે, ઉપરથી અમારા પર ફોન આવ્યો કે તમારા નામથી મુંબઈમાં સીમકાર્ડ ખરીદવામાં આવ્યો હતો. તેમાં તમારા આધાર કાર્ડની ઝેરોક્ષ કોપીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે મુંબઈનાં એરટેલ સ્ટોર્સ શોપ નં.10 માહુલ રોડ, તિલકનગર મુંબઈ-400089 માંથી ખરીદવામાં આવ્યો હતો. તેનો મોબાઈલ નંબર 7738941379 હતો. તે 17 નવેમ્બરે મુંબઈથી એક્ટિવ કરવામાં આવ્યો હતો. તેમાં તમારૂ નામ અમિતકુમાર જયંતકુમાર દેસાઈનાં નામનો ઉપયોગ થયો હતો.
તમારા આ નંબર પરથી પોર્નોગ્રાફીને લગતી ગેરકાયદેસર જાહેરાતો કરવામાં આવે છે. તેના દ્વારા લોકોની હેરેસમેન્ટ કરવામાં આવે છે. આ તમારો બીજો જે નંબર તમારા હાથમાં છે તે બે કલાક બંધ કરવામાં આવશે. તે પહેલા તમને અત્યારે જ મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં ફોનથી વાત કરાવીએ છીએ. તમારો કંપલેઈન નંબર MH-8810/1125 આપ્યો હતો. મારી સાથે વાત કરનારનું નામ સૌરભ શર્મા હતું.
તેમણે ટ્રાઈનાં નામથી ચાલુ ફોન પર મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં ફોન લગાવી વાત કરવાનું શરૂ કરાવ્યું હતું. સૌરભ શર્માનો ID નંબર TRAI 62813 હતો. ત્યારબાદ ચાલુ ફોને મને તમારા પર કેસ થયો હોવાની ધમકી આપી હતી. તેમાં આધારકાર્ડની પર્સનલ ઇન્ફર્મેશન મુકી ફરિયાદ નોંધવી પડશે એમ કરી મારી પાસે તમામ પર્સનલ વિગતો માગી હતી. ત્યારબાદ વાયરલેસ પર હેડક્વાર્ટર પર વાત કરી હતી. તેમાં હેડક્વાર્ટરમાંથી વાયરલેસ મેસેજ એવો આપવામાં આવ્યો હતો કે, સદરહુ આધાર કાર્ડ જેનો નંબર 9666360701 છે, તેના ઉપર વોટ્સએપ કોલ ઉપર વાત કરવી. તે પ્રમાણે મેં મારા મોબાઈલ ફોન ઉપરથી વોટ્સ એપ કોલ કરી વાત કરવાનું શરૂ કર્યું હતું.
વાત દરમિયાન કહ્યું કે, આ વાતચીત મુંબઈની સીબીઆઈ ઓફિસમાંથી થાય છે. મારી વિગતોમાં તેમણે મારૂ નામ, ઉંમર બધુ ટાઈપ કરી મોકલવા કહેતા મેં મોકલ્યું હતું. ત્યારબાદ તેમણે મુંબઈ ક્રાઈમ બ્રાંચનાં નામથી મારી FIRની નકલ મોકલી હતી. ત્યારબાદ નરેશ ગોયલ નામનાં ઇસમે મારા ખાતમાં પૈસા નાંખ્યા હોવાનું જણાવી એમાંથી મે કમિશન લીધું હોવાનો ગુનો કર્યાનું જણાવ્યું હતું. નરેશ ગોયલનું નામ મની લોન્ડરિંગમાં હોવાનું જણાવી તેમાં મારી સામેલગીરી ગણાવી હતી.
મારી સાથે વાત કરનાર સીબીઆઈ ઓફિસરે તેનું નામ વિજય ખન્ના દર્શાવી IPS હોવાનું જણાવ્યું હતું. મારી ઇન્કવાયરી ચાલું છે કહી કેનેરા બેન્કનાં એટીમ કાર્ડનો ફોટો સહિતની વિગતો મને કાગળમાં મોકલી હતી. ત્યારબાદ મને કોઈને પણ જાણ નહીં કરવાની અને આમાં ખતરનાક માણસો હોવાની ધમકી આપી હતી. નરેશ ગોયલ પર લોકોને ઉંચુ વળતર આપી રોકાણ કરાવ્યું હોવાનો આરોપ તેમણે લગાવ્યો હોવાની મને જાણ કરી હતી. તેમજ મારા નામથી નરેશ ગોયલ સાથે 24 લોકોએ ટ્રાન્જેક્શન કર્યું હોવાનું જણાવ્યું હતું.
મારા પર તેમણે 2 કરોડ રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ લગાવ્યો હતો. તેની સાથે મારા પર કાળા નાણાંને સફેદ કરવાનો આરોપ લગાવ્યો હતો. કુલ 247 એટીએમ કાર્ડ અને 538 કરોડ રૂપિયાનો ગોટાળો હોવાની જાણ મને કરી હતી. તેમાં કુલ 23 કરોડ રૂપિયા મારા નામે ઉઘરાવી મેં 20 અને 5 લાખ મળી 24 લાખ રૂપિયા કમિશન લીધું હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ મને વિજય ખન્ના સીબીઆઈ ઓફિસરનાં નામથી સહી કરેલ લેટર વોટ્સએપ પર મોકલ્યો હતો. ત્યારબાદ મારા આધારકાર્ડની કોપી મગાવેલી તે મેં મોકલી હતી.
ફોન ચાલુ રાખી મને સતત ખુરશી પર બેસી રહેવા આદેશ કરવામાં આવતો હતો. રાતે 9.30 કલાકે તમારી સામે કાર્યવાહી શરૂ કરવાનું જણાવી મારી પાસે સિગ્નલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. આથી મેં એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ વીડિયો કોલ કરી સવારે 6.30 કલાકે ગુડમોર્નિંગ મેસેજ કરી મારી પત્નીને પણ સાથે ખુરશી પર બેસવા જણાવ્યું હતું. સિગ્નલ એપ્લીકેશનમાં તેમણે સર્વેલન્સ રિપોર્ટ સહિતની વાતો મારી સાથે કરી હતી.
મંગળવારે સવારે લગભગ 33 મિનિટ વીડિયો કોલ પર વાત કરી પુછપરછ કરી હતી. તેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરની સહીથી મારી ધરપકડ અને ફંડ ફ્રિઝીંગનો ઓર્ડરની કોપી મોકલી નેશનલ સિક્રેટનો સવાલ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મને કલાક બે કલાકનો છુટકારો આપી ફરી વીડિયો કોલ સામે બેસી જવા માટે દબાણ કરતા હતા. 17મીએ સાંજથી શરૂ થયેલી આ વાતચીત 19મીએ સાંજે સાયબર ક્રાઈમમાં જાણ કર્યા બાદ એક કલાક પછી બંધ થઈ હતી.
આ વાતચીત દરમિયાન તેમણે એક કોર્ટમાં ઓનલાઈન મને રજૂ કર્યો હતો. તેમાં જજ દ્વારા કેનેરા બેન્કનાં મેનેજર હોવાનું જણાવી ગૌતમ આર્ય નામની વ્યક્તિને કોલ કરી સજા કરવાનો ઢોંગ પણ કર્યો હતો. આખરે 19મીએ મારી પાસે પૈસા આપવા તમામ શેર કે બેન્કનાં નાણાં મોકલી આપવા દબાણ કરતા હતા. આથી આખરે મારા ભાઈને જાણ કરી હતી. મારા ભાઈને જાણ કરતા સાયબર સેલમાં આર.આર.દેસાઈ સાહેબને કોલ કરતા તેમણે ચાર પોલીસકર્મીઓને મોકલી આપ્યા હતા. તેમણે ઓનલાઈન કોલ આવતા મારા ભાઈ દર્શનભાઈ હોવાનું જણાવી વાતચીત કરી હતી.
આ દરમિયાન તેને કેમરા સામે આવવા કહેતા તેણ આવવાનો ઇનકાર કર્યો હતો. આમ સાયબર ક્રાઈમમાં સાંજે 1930 નંબર પર કોલ કરતા ફક્ત 30 મિનિટમાં સમગ્ર ઘટનાનો અંત આવ્યો હતો. હું અને મારી પત્ની બંનેએ હાશકારો લીધો હતો. સાયબર ક્રાઈમની ઓફિસમાં ડીસીપી બિશાખાબેન જૈને મારી પુછપરછ કરી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. ત્યારબાદ જરૂરી કાર્યવાહીનો આદેશ કર્યો હતો.