સુરત: (Surat) હાલમાં ક્રિપ્ટો કરન્સી અને ઇન્ટરનેશનલ ટોકનના (Cryptocurrency and International Token) નામે રોજના એક ટકા થી ચાર ટકા વ્યાજ મેળવવાની લાલચે મધ્યમવર્ગીય પરિવારોના કરોડો રૂપિયા ચીટરો (Cheater) ગબન કરી રહ્યાં છે. ઓન લાઇ્ન ચાલતી સાઇટોમાં થોડા મહિનાઓ માટે પ્રતિદિન એક ટકા વ્યાજ આપીને બાદમાં કંપનીને શટર પાડી દેવાતાં હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન હાલમાં ચોરે ને ચૌટે ક્રિપ્ટો કરન્સીમાં ધંધો કરતા લોભિયાઓ માટે ચેતવણી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેમાં આઇમેક્સ નામની સ્કીમમાં પ્રતિદિન એક ટકો વ્યાજ (Interest) આપવાની લાલચ આપીને 2.65 કરોડ રૂપિયા ઠગો દ્વારા ખંખેરી લેવામાં આવ્યા છે.
થોડા દિવસ સુધી વેબસાઇટ બગડી ગઇ હોવાનું રોકાણકારોને જણાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સાઇટ બંધ જ કરી દેવામાં આવી હતી. આ ઠગ કંપનીમાં સુરતના રોકાણકારોના જ 100 કરોડ રૂપિયા ફસાયા હોવાની આશંકા છે જ્યારે જો સમગ્ર દેશની વાત કરીએ તો તેમાં રોકાણકારોની મોટી રકમ સલવાઇ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. શહેર અને દેશમાં કોઇ કાયદો નહીં હોવાના કારણે સેંકડો ચીટર્સ આ રીતે સ્કીમ બનાવીને મેદાનમાં આવ્યા છે. આજે ક્રાઇમબ્રાન્ચમાં આવી જ એક ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ભોગ બનનારે તેની સાથે રૂપિયા 2.65 કરોડની ઠગાઇ રોકાણના નામે કરવામાં આવી હોવાનું ફરિયાદ કરી છે.
- ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદમાં શું છે હકિકત
- — આ કેસમાં અલથાણ ખાતે બંસિધર સોસાયટીમાં શાલિગ્રામ સોસાયટીમાં રહેતા રામ દયાલ વલ્લભ પુરોહિત સાથે ઠગાઇ થઇ છે.
- — તેઓ ટેક્સ કન્સલ્ટન્ટ છે અને તેમને રોજનો એક ટકો વ્યાજ આપવાની ઓફર કરી કુલ રૂપિયા 2.65 કરોડની ઠગાઇ કરવામાં આવી છે.
- — મનોજભાઇ રામદીન પટેલ, યુસુફખાન ઉર્ફે શેર અલી અને અવિકા વિજયકુમાર મિશ્રા નામના આરોપીઓએ તેમની સાથે ઠગાઇ કરી છે.
- — થાઇલેન્ડમાં રજિસ્ટર્ડ થયેલી કંપની આઇમેકસ કેપીટલ ફોરેક્ષ ટ્રેડિંગના નામે તેમની તેમજ તેમના મિત્રો સાથે છેતરપિંડી થઇ છે.
- — રોજના એક ટકાના વ્યાજની લાલચ આપીને તેમની પાસે રૂપિયા 84 લાખ જ્યારે અન્ય મિત્રો પાસે બાકીની રકમનું રોકાણ કરાવાયું છે.
- –ટેકસ કન્સલટન્ટન રામ દયાલને તેમના મિત્ર પ્રસન્ના પુનિવાલાએ જણાવ્યું હતુ કે ફોરેક્ષ ટ્રેડિંગમાં તને રોજ એક ટકો વ્યાજ મળશે. તેમણે બાર લાખ રૂપિયા રોકડા આપ્યા હતા અને તેની સામે કંપનીની ઓન લાઇ્ન આઇડી બનાવી આપી હતી.
- — બાદમાં ઓન લાઇન 1.12 લાખ ડોલર જમા થયા હોવાનુ દેખાતું હતું અને પછી વેબસાઇટ જ બંધ થઇ ગઇ હતી જે શરૂ નથી થઇ
- — એક આરોપી યુસુફ ખાને તેમનો ફોન ઊંચવાનો બંધ કરી દીધો હતો અને જયપુરમાં તેની ધરપકડ થઇ હોવાનું જાણવા મળ્યું હતું.
સુરત શહેરમાં સો કરોડ કરતા વધારે લોકોના ફસાયા હોવાની શંકા
દરમિયાન આઇમેકસ કંપનીમાં સુરતમાં ફસાયેલા લોકોનો આંકડો 100 કરોડ કરતા વધારે હોવાની વાત છે. તેમાં સંખ્યાબંધ લોકોનુ રોકાણ બ્લેક મનીમાં હોવાને કારણે તેઓ બહાર આવી રહ્યા નથી. અલબત ફોરેક્સ અને ક્રિપ્ટો કરન્સીમાં એક ટકો રોજનો લેવાની લાલચે હાલમાં આખા દેશમાં હજારો કરોડની છેતરપિંડી આઇમેકસ ગ્રુપ દ્વારા કરાઇ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે.