SURAT

સુરત ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને કચડવાની કોશિશ કરનાર ચીકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો

સુરત: (Surat) શહેરના વિવિધ વિસ્તારમાં ઘરફોડ ચોરી સહિત લૂંટના (Loot) ગુનાઓને અંજામ આપનાર ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધારને પીસીબીએ (PCB) ઝડપી લીધો હતો. આ આરોપીએ વર્ષ 2019 માં ઉધનામાં ક્રાઈમ બ્રાંચની પોલીસને કાર વડે કચડવાનો પ્રયાસ કરી ભાગી છુટ્યો હતો. પ્રિવેન્ટિવ ક્રાઇમ બ્રાન્ચને 2014થી નાસતા ફરતા વોન્ટેડ ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધારની બાતમી મળી હતી. બાતમી મળતા ડિંડોલી ભેસ્તાન ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન ચીકલીગર ગેંગના (Gang) મુખ્ય સૂત્રધાર રાજબીર ઉર્ફે જનરલસિંગ (ઉ.વ.33, રહે. ભેસ્તાન આવાસ) ને ઝડપી પાડ્યો હતો. આ ચીકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધારે મિલકત અને શરીર સંબંધી 26 જેટલા ગુનાઓ (Crime) આચર્યા હોવાની કબૂલાત કરી છે. સુરત શહેરમાં અને જિલ્લામાં તેનો ખૂબ મોટો આતંક જોવા મળતો હતો.

  • ત્રણ વર્ષ પહેલા ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને કચડવાની કોશિશ કરનાર ઝડપાયો
  • પોલીસ ઉપર કાર ચઢાવી દઈ ભાગી છુટ્યો હતો
  • ચીકલીગર ગેંગનો આ મુખ્ય સૂત્રધાર 2014થી ફરાર હતો, પોલીસે ફાયરીંગ પણ કર્યું હતુ
  • પીસીબીના હાથે ઝડપાયેલો જનરલસિંગ 26 ગુનામાં સંડોવાયેલો છે

ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર જનરલ સિંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અલગ પ્રકારની હતી. શહેર અને જિલ્લાની અંદરથી કાર ચોરી કરતો હતો. અને તે જ વાહનનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. તે વાહન ચોરી, ખૂનની કોશિશ વગેરે અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. આવીજ એક ચોરીની કાર લઈને જતી વખતે વર્ષ 2019 માં ઉધના ઝોન ઓફિસ નજીક પોલીસે તેને રોકવા પ્રયાસ કર્યો તો પોલીસ ઉપર કાર ચઢાવી દઈ ભાગી છુટ્યો હતો. પોલીસે તેને પકડવા માટે તેના ઉપર ફાયરિંગ પણ કર્યું હતું. પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો.

આરોપીના સસરા અને ભાઈની પણ અનેક ગુનામાં સંડોવણી
આરોપીની પૂછપરછ કરતાં તેણે અત્યાર સુધીમાં 26 ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. હજુ પણ વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલા છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. રાજબીરસિંગનો ભાઈ નાનકસિંગ અને સસરા ઘુઘરુસિંગ પણ તેની સાથે અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. સુરત શહેર અને નવસારી જિલ્લામાં પણ અનેક જગ્યાઓ ઉપર ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધારે ઘટનાઓને અંજામ આપવામાં આવી છે.

Most Popular

To Top