સુરત: (Surat) નાનપુરામાં રહેતો અને માથાભારે સજ્જુ કોઠારી (Sajju Kothari) સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થયો ત્યારથી ફરાર હતો. સુરત ક્રાઈમ બ્રાંચની (Crime Branch) ટીમે સજ્જુ કોઠારીને બાતમીના આધારે મહારાષ્ટ્રના નાગપુર ખાતેની એક હોટેલમાંથી ઝડપી પાડ્યો છે. હોટેલમાં ઉંઘતો હતો ત્યારે જ પોલીસની ટીમે હોટેલમાં (Hotel) રેડ કરી તેને દબોચી લીધો હતો.
- હત્યા, અપહરણ, લૂંટ અને ખંડણી જેવા 15થી વધુ ગુનામાં સંડોવાયેલા ફરાર સજ્જુ કોઠારીને પોલીસે દબોચ્યો
- ગુજસીટોકની ફરિયાદ બાદ ગુજરાત છોડીને ભાગેલા ગેંગસ્ટર સજ્જુ કોઠારીની ધરપકડ
- પોલીસ પર હુમલો કરવા, ધમકી આપવા, રૂપિયા અને જમીન પડાવી લેવા સહિતના ગુનાઓ તેમના વિરૂદ્ધ દાખલ થઇ છે
શહેરના નાનપુરા જમરૂખગલીમાં રહેતા માથાભારે સાજુ ઉર્ફે સજ્જુ ગુલામ મોહંમદ કોઠારીની સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મહારાષ્ટ્રના નાગપુરમાં એક હોટેલમાંથી ઉંઘમાં ધરપકડ કરી લીધી છે. નાનપુરાની સજ્જુ કોઠારી ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ નોંધાયેલી છે. તો હત્યા, અપહરણ, લૂંટ અને ખંડણી જેવા ગુનાની પણ ફરિયાદ નોંધાયેલી છે. સજ્જુ કોઠારી ગેંગ સામે 15થી વધુ ગુના નોંધાયા છે. આ સજ્જુએ પોતે વિલન હોય તેવી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે.
પોલીસ પર હુમલો કરવા, ધમકી આપવા, રૂપિયા અને જમીન પડાવી લેવા સહિતના અનેક ગુનાઓ તેમના વિરૂદ્ધ દાખલ થઇ ચૂક્યા છે. અગાઉ તેમની ધરપકડ પણ થઇ ચૂકી છે. જોકે ગત ફેબ્રુઆરી મહિનામાં સુરતમાં પાંચમી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સજ્જુ કોઠારી ગેંગ સામે ગુજસીટોક ગુનો નોંધાયો છે. સજ્જુ કોઠારી સહિત કોઠારી ગેંગના 8 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. સુરત પોલીસે અગાઉ 8માંથી 5 આરોપીને ઝડપી પાડ્યા હતા. સજ્જુ કોઠારીના ભાઈ યુનુસ કોઠારીની અટકાયત કરાઇ હતી. ત્યારે હવે ફરાર મુખ્ય સૂત્રધાર સજ્જુ કોઠારીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.