SURAT

સુરતમાં દુકાનદારે દોઢ વર્ષ પહેલા ખાડામાં દાટેલો તમંચો કાઢ્યો અને ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી ગઈ

સુરત: (Surat) સચીન સુડા સેક્ટર ખાતે કરીયાણાના દુકાનદારને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) હોજીવાલામાં ખુલ્લા પ્લોટમાં દાટેલા દેશી તમંચાને (Desi Tamancha) બહાર કાઢીને લઈજતી વખતે ઝડપી પાડ્યો હતો. દુકાનદારે બિહાર ગામમાં મેળામાંથી દેશી તમંચો ખરીદી કર્યો હતો. તેઓને દેશી બનાવટનો તમંચો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો હતો.

  • દોઢ વર્ષ પહેલા ખાડામાં દાટેલો તમંચો બહાર કાઢ્યો અને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો
  • દુકાનદારે બિહાર ગામમાં મેળામાંથી દેશી તમંચો ખરીદી કર્યો હતો
  • સચીન સુડા સેક્ટરમાં કરીયાણાનો દુકાનદાર દેશી તમંચા સાથે ઝડપાયો
  • સચીન હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલા પ્લોટ નંબર-૧૦ વાળી ખુલ્લી જમીનમાં દોઢેક ફુટ ખાડો ખોદી તમંચો દાટ્યો હતો

ક્રાઈમ બ્રાંચની ટીમને સુડા સેક્ટર-2 માં મુળ બિહારના વતની અને સચીન સુડા સેક્ટરમાં રહેતા સંતોષકુમાર બ્રીજબિહારીસીંગ કુશ્વાહા (ઉ.વ.૩૯) ની પાસે એક દેશી બનાવટનો તમંચો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચે તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા તે વીસ વર્ષ પહેલા રોજગારી અર્થે સુરત આવ્યો હતો. પાંચેક વર્ષ સુધી સચીન વિસ્તારની જુદી જુદી મીલોમાં મજુરી કામ કરતો હતો. બાદમાં સચીન હોજીવાલા કમ્પાઉન્ડ, રોડ નંબર-૧૩ ઉપર ચાની લારી ચાલુ કરી હતી. જે જગ્યા ઉપર ચાની લારી ચલાવતો હતો તેની આજુબાજુ ઝાડી જંગલ અને અવાવરૂ હતી.

જેથી કાયમ ડર હતો કે, રાત્રીના સુમારે કોઇ પણ તેના દિવસ ભરના ધંધાની રોકડ લુંટી લેશે. ડરને લઇને આજથી છ વર્ષ પહેલા તેના વતન ગામ ગયો હતો. તેના ગામથી દશેક કીલો મીટર દુર આવેલા સાળંગપુર ગામ ખાતે ભરાયેલા મેળા માંથી એક અજાણ્યા પાસેથી તમંચો ખરીદી કર્યો હતો. અને આવીને ચાની લારી પર છુપાવી રાખ્યો હતો. બાદમાં તેના મકાનમાં કરીયાણાની દુકાન ચાલુ કરી ચા ની લારી બંધ કરી હતી. તેને તમંચાની જરૂર ન હોવાથી તેને સચીન હોજીવાલા કમ્પાઉન્ડમાં આવેલા પ્લોટ નંબર-૧૦ વાળી ખુલ્લી જમીનમાં દોઢેક ફુટ ખાડો ખોદી દાટી દીધી હતી. ગઈકાલે તે હોજીવાલા કમ્પાઉન્ડમાં ગયો ત્યારે તેને તમંચો યાદ આવ્યો હતો. જે જગા ઉપર દાટેલો હતો તે જગા ખોદી તમંચો કાઢી લઇને જતો હતો. ત્યારે ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા તેને દબોચી લીધો હતો.

Most Popular

To Top