સુરત: (Surat) બિહારમાં (Bihar) જઇને ખૂંખાર આરોપી પ્રવિણ રાઉતને શહેર પોલીસ (City Police) ઝબ્બે કરી લાવી છે. ક્રાઇમ બ્રાન્ચમાં ડીસીપી રૂપલ સોલંકીના આગમન બાદ છેલ્લા બે વર્ષમાં આ સૌથી શ્રેષ્ઠ કામગીરી ડીસીબીની માનવામાં આવી રહી છે. તેમાં ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch) ટીમ બિહારના નાલંદા ખાતે આવેલા સીલાવ ગામ પાસે આવેલા ગોરવન ખાતેથી પ્રવિણ રાઉતને ઝડપી લીધો હતો. પોલીસને આ મામલે બાતમી મળી હતી. તેમાં આઠ કર્મચારીઓની ટીમ મોકલવામાં આવી હતી. જેઓ લારી ચલાવી તથા ફૂટપાથ પર રહીને જાનના જોખમે પ્રવિણ રાઉતને ઝડપી પાડયો હતો. પો.કમિ. અજય તોમરે રાજય સરકારને ડીસીબીની ટીમને પારિતોષિક આપવા માટે ભલામણ કરી હોવાની વિગત જાણવા મળી છે.
પ્રવિણ રાઉત કેવી રીતે પકડાયો
પ્રવિણ રાઉત તે ગોરવન ખાતે હોવાની બાતમી મળતા એક પોલીસવાળાએ લૂંગી પહેરીને ગામમાં રહેવાનું શરૂ કર્યુ હતું. જયારે અન્ય લોકોએ ફળની લારી તથા ફૂટપાથ રહીને તેની પર વોચ રાખવાનું શરૂ કર્યુ હતું. અંદાજે આઠ દિવસના ઓપરેશન બાદ પ્રવિણ રાઉતને ચૂપચાપ પોલીસે તેના ગામડામાંથી પકડી લીધો હતો. પ્રવિણ રાઉતનો ગોરવનમાં સારો એવો રૂતબો હોવાને કારણે પોલીસે ગુપચુપ ઓપરેશન કરવું પડ્યું હોવાની વિગત પીઆઇ સાળૂંકેએ જણાવી હતી. પ્રવિણ ગામમાં તાડી પીવા ગયો ત્યારે તેની એકલતાનો લાભ લઇને પોલીસ કોઇને કંઇ નુકસાન કે ઇજા નહીં થાય તેવા સમયે પ્રવિણ રાઉતને પકડીને બિહાર બહાર લઇ ગઇ હતી. આ ઉપરાંત પ્રવિણ રાઉત પકડયો ત્યારે તેની પાસે હથિયારો હતા પરંતુ પોલીસે તેને સિફતપૂર્વક પકડી લીધો હતો.
- પગારદાર છોકરાઓની ગેંગ ધરાવે છે પ્રવિણ રાઉત
- પ્રશ્ન: શું તને કોઇ રંજ છે આ લૂંટફાટ કે ચોરીનો ?
- જવાબ : ના, મને કોઇ રંજ નથી, હું જે લોકોને હેરાન કરે છે તેવા લોકોને શોધી શોધીને રંજાડું છું
- પ્રશ્ન : તારી ગેંગમાં કેટલા લોકો છે ?
- ઉતર : મારી ગેંગમાં 300 જેટલા છોકરાઓ છે
- પ્રશ્ન : આ લોકોને કેવી રીતે તું રાખે છે ?
- ઉતર : તમામ છોકરાઓની તમામ જવાબદારી મારી છે અને તમામને મેં પગાર પર રાખ્યા છે.
- પ્રશ્ન : સુરતમાં કઇ ગેંગના લોકો સાથે તું સંપર્કમાં છે?
- ઉત્તર: સુરતની ગેંગના લોકોએ મારી સાથે સંપર્ક રાખવો પડે છે મને આ લોકોની કોઇ જરૂર નથી
ચાર ખૂનનો આરોપી અને ખંડણીના ગુનાઓમાં મોસ્ટ વોન્ટેડ છે પ્રવિણ રાઉત
ચાર ખૂન કરનાર પ્રવિણ રાઉત તે મોટો સોપારી બાજ છે. તેની ઉપર સુરતમાં જ બાર અને જિલ્લામાં પાંચ જેટલા ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અન્ય રાજયમાં પણ તેની સામે ગુના દાખલ થયેલા છે. પ્રવિણ રાઉત કાપડના વેપારીઓ અને બિલ્ડરોને ધાક ધમકી આપતો હોવાની વિગત પો.કમિ. અજય તોમરે કરી છે. તેઓએ અસરગ્રસ્ત લોકોને બહાર આવીને ફરિયાદ દાખલ કરવા માટે જણાવ્યું છે.
આવી રીતે ગેંગ ઓપરેટ કરતો હતો પ્રવિણ રાઉત
પ્રવિણ રાઉતની ઓપરેન્ડી વિશે પો.કમિ. તોમરે જણાવ્યું હતું કે, પ્રવિણ રાઉતે બેંક લૂટ અને આંગડિયા લૂંટની ટીપ મેળવીને સુરતમાં ધાડ કરી છે. આ ઉપરાંત તે ફ્રોડ સીમ કાર્ડ મેળવીને તેના ગેંગના માણસોનો સંપર્ક કરતો હતો. સુરતમાં ચોકકસ વેપારીઓને ટાર્ગેટ કરીને તેઓ પાસે નાણાં પડાવતો હતો. આ ઉપરાંત સ્થાનિક ગેંગ સાથે મળીને સોપારી પણ લેતો હોવાની વિગત પોલીસ તપાસમાં બહાર આવી છે.
પ્રવિણ રાઉતનો સુરત પોલીસના કેટલાક તત્વો સાથે ઘરોબો હોવાની વાત
પ્રવિણ રાઉતનો સુરત પોલીસના કેટલાક લોકો સાથે ઘરોબો હોવાની વાત છે. પો.કમિ. તોમરે જણાવ્યું હતું કે, આવું કશું પણ જણાશે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.