સુરત: છેલ્લાં કેટલાય સમયથી યુવાનોમાં હાર્ટએટેકના (Heart Attack) કિસ્સાઓ વધતા જાય છે. આજની પેઢી માટે આ વાત સામાન્ય ન ગણી શકાય. આવો જ એક કિસ્સો રવિવારના રોજ થયો છે જેમાં ક્રિકેટ (Cricket) રમીને આવેલો એક યુવાનનું પ્રાણપંખેરુ ઉડી ગયું છે. જેના કારણે પરિવારમાં (Family) શોકનો માહોલ છવાય ગયો હતો. હાલ પોલીસે આ ઘટનામાં અકસ્માતમાં મોત થયા હોવાનું માની ગુનો નોંધ્યો છે.
સુરતના વરાછામાં જોલી એન્કલેવમાં રહેતો 27 વર્ષીય યુવક પ્રશાંત કાંતિભાઈ ભારોલીયા મેચ રમીને હસતા મોઢે ઘરે પરત ફર્યો હતો પણ એકાએક તેને છાતીમાં બળતરા અને ગભરામણ થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ અચાનક મોત થયું પછી હતું. આ ધટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાય ગયો છે તેમજ પરિવારજનો માનવા તૈયાર નથી કે તેઓનો પુત્ર હવે આ દુનિયામાં નથી રહ્યો. જાણકારી મુજબ યુવક કેનેડામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. એકાદ વર્ષથી પ્રશાંત પરિવાર પાસે આવ્યો હતો અને એક વિષયની પરીક્ષા આપવા માટે ફરી કેનેડા જવાનો હતો.
આજરોજ પ્રશાંત ક્રિકેટ રમીને ઘરે આવ્યો હતો અને અચાનક તેને છાતીમાં બળતરા થવા સાથે ગભરામણ શરૂ થઈ હતી. પ્રશાંતે તેને જે અનુભવ થતો હતો તેની જાણ પરિવારને કરતા તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લવાયો હતો. જોકે, તબીબી સારવાર કારગત નીવડે તે પહેલા તેનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ પોલીસે આ ઘટનામાં હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.