SURAT

સુરતમાં ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવાનો ધંધો કરનારે ત્રણ જણના કાર્ડમાંથી 7 લાખ ઉપાડી લીધા

સુરત: (Surat) રિંગરોડ ખાતે કમિશન ઉપર ક્રેડિટ કાર્ડ (Credit Card) સ્વાઈપ કરવાનો ધંધો કરતા ક્રિષ્ણા ટ્રેડિંગના માલિકે કાપડ વેપારી, તેની બહેન અને મિત્રના ક્રેડિટ કાર્ડમાંથી અલગ અલગ બેન્ક (Bank) ખાતમાંથી 7.19 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી છેતરપિંડી (Fraud) કરી હોવાની ફરિયાદ અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

  • ઘોડદોડ રોડ પર રહેતા વેપારી, તેમની બહેન અને મિત્રના ક્રેડિટ કાર્ડમાંથી 7.19 લાખ ઉપાડી છેતરપિંંડી
  • રિંગરોડના કમિશન ઉપર ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવાનો ધંધો કરતા પ્રદિપ સિવાલ સામે ફરિયાદ

અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઘોડદોડ રોડ સ્મિતા પાર્કમાં રહેતા 25 વર્ષીય નીરજ રાજેન્દ્રભાઈ અગ્રવાલ માનદરવાજા ખાતે ટ્રેડ હાઉસ બિલ્ડિંગમાં મીતલ ફેશન નામની કાપડની દુકાન ચલાવે છે. સાત મહિના પહેલા નીરજને ધંધા માટે રૂપિયાની જરૂર હતી. જેથી રિંગરોડ જુની સબજેલની સામે કૈલાશદીપ કોમ્પ્લેક્ષમાં આવેલા ક્રિષ્ના ટ્રેડીંગ નામથી ઓફિસમાં કમિશન ઉપર ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવાનું કામ કરતા પ્રદીપ તારાચંદ સિવાલ (રહે, રેખા પાર્ક ઍપાર્ટમેન્ટ સ્ટાર બજાર અડાજણ) નો સંપર્ક કર્યો હતો.

નીરજે તેને એક લાખ સ્વાઈપ કરવાની વાત કરી હતી. પ્રદિપ સાથે 2.6 ટકા નક્કી કરી ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવા માટે આપ્યો હતો. પ્રદિપે કાર્ડ સ્વાઈપ કરી તેનું કમિશન કાપી બાકીના રૂપિયા 97,200 નીરજને તેના એચડીએફસી બેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. ત્યાર બાદ ફેબ્રુઆરીમાં પ્રદીપે તેને ધંધા માટે રૂપિયાની જરૂરીયાત છે થોડા દિવસમાં પરત આપી દેવાનો ભરોસો આપતા નીરજે તેનો, તેની બહેન નિકીતા અને રજત ખંડેલવાલ નામના મિત્રનો ક્રેડિટ કાર્ડ આપ્યો હતો. પ્રદીપે ફેબ્રુઆરીથી મે મહિના દરમ્યાન ત્રણેય ક્રેડિટ કાર્ડમાંથી કુલ 7.19 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. અઠવા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

બોગસ આરસીબુક બનાવીને લોન લેવાના કૌભાંડમાં લોન એજન્ટની ધરપકડ
સુરત : આરટીઓની રસીદબુક તેમજ આરસીબુક બનાવીને લોન અપાવવાના કૌભાંડમાં મુખ્ય લોન એજન્ટને પોલીસે પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી પોલીસના સ્ટાફે લિંબાયતના ગોવિંદ નગરમાં રહેતા મુજાહીદખાન સગીરખાન પઠાણને પકડી પાડ્યો હતો. મુજાહીદની પુછપરછમાં બે-ત્રણ મહિના પહેલા મુજાહીદ અને તેની સાથેના બીજા ઇસમોએ આરટીઓ કચેરીના મેમો ઉપરથી દંડ ભર્યાની રસીદો બનાવી તેમજ બોગસ સહિ-સિક્કા અને આરસીબુક બનાવી હતી. મુજાહીદ લોન અપાવવાનું એજન્ટ તરીકેનું કામ કરતો હોવાથી મુજાહીદે બોગસ આરસીબુકથી લોન અપાવી હતી અને કરોડો રૂપિયાની ઢગાઇ કરી હતી. પોલીસે મુજાહીદની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top