SURAT

સુરત: એક તરફી પ્રેમમાં પાગલ ધો. 10નો વિદ્યાર્થી ધો.8ની વિદ્યાર્થિનીના ઘરે હથિયાર લઇને પહોંચ્યો

સુરત: પાંડેસરા ખાતે રહેતી ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના પરિવારે તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થી સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે. એકતરફી પ્રેમમાં પાગલ કિશોર રાત્રે હથિયાર લઈને કિશોરીના ઘરે પહોંચી તેના પિતાને તારી છોકરીને મારી સાથે નહીં મોકલે તો તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

  • સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના: વનસાઈડેડ લવસ્ટોરીમાં હિંસક ટ્વીસ્ટ
  • લગ્નની ઓફર પણ કરી પરંતુ કિશોરીએ ના પાડતાં ઉશ્કેરાયો
  • તારી છોકરીને મારી સાથે નહીં મોકલે તો તને જાનથી મારી નાંખીશ તેવી છોકરીના પિતાને ધમકી આપી

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતે વડોદ ગામમાં રહેતી અનુષ્કા (નામ બદલ્યું છે) ધોરણ 8 માં અભ્યાસ કરે છે. તેની બાજુની સોસાયટીમાં રહેતો રાજ (નામ બદલ્યું છે) તેની જ સ્કૂલમાં ધોરણ 10 માં અભ્યાસ કરે છે. અનુષ્કા સ્કૂલેથી છૂટ્યા બાદ ઘરે આવતી હોય ત્યારે અવારનવાર રાજ તેણીનો પીછો કરી લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. જો કે અનુષ્કાએ લગ્ન માટે નકારી દીધા પછી પણ તે પીછો કરીને પરેશાન કરતો હતો.

ગઈકાલે રાત્રે આશરે સાડા દસેક વાગે રાજ ત્રિશુલ દેવું હથિયાર લઈને અનુષ્કાના ઘરે પહોંચી ગયો હતો. અને તેણીના પિતાને તારી છોકરીને મારી સાથે નહીં મોકલે તો હું તને જાનથી મારી નાખીશ અને જે પણ વચ્ચે આવશે તેને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવને પગલે કિશોરીના પિતાએ છેડતીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કિશોરના પિતાએ પણ કીશોરીની પરિવાર સામે મારામારીની ફરિયાદ નોંધાવી
અનુષ્કાના પિતાએ રાજની સામે છેડતીની ફરિયાદ નોંધાવ્યા બાદ તેના પિતાએ અનુષ્કાના પરિવાર સામે મારામારીની ફરિયાદ નોંધાવી છે. રાજના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કિશોરીના પિતાએ તથા તેના અન્ય બે અજાણ્યાઓએ ભેગા મળી તેના દીકરાને ઢોર માર મારી તિક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાંડેસરા પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top