સુરત: (Surat) શહેરમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. શહેરીજનોને કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા માટે તંત્રએ પણ લાલ આંખ કરી છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના (C R Patil) પુત્ર જીગ્નેશ પાટીલ (Jignesh Patil) તમામ નીતિ નિયમોને નેવે મુકી કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડાડી બર્થ ડે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. નેતાઓ અને તેમના પરિવારના સભ્યો મનફાવે તે રીતે કાર્યક્રમો કરી રહ્યા છે જેને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શનિવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલના જન્મ દિવસની ઉજવણીના (Birthday Celebration) વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં ચર્ચા થઈ રહી છે કે લોકો પાસેથી દંડ ઉઘરાવવામાં આગળ તંત્ર નેતાઓને ગાઈડલાઈનનું ભાન કરાવવામાં કેમ પાંગળું થઈ જાય છે.
શહેરમાં સંક્રમણને નાથવા માટે મનપા તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે તેમ છતાં સંક્રમણ કાબુમાં આવી રહ્યું નથી. પોલીસ કમિશનર દ્વારા 144ની કલમ પણ લગાડવામાં આવી છે. તો બીજી બાજુ સી.આર.પાટીલના પુત્ર જીગ્નેશ પાટીલ માટે જાણે કોઈ નિયમો લાગુ જ પડતા નથી. તેમને બર્થ ડે પાર્ટીની ઉજવણીમાં લોકોએ ફોટો સેશનમાં માસ્ક પણ પહેર્યા ન હતા અને સોશીયલ ડિસ્ટ્ન્સીંગ પણ જળવાયું ન હતું.
જીગ્નેશ પાટીલનો લુલો બચાવ, સ્પીચ આપતી સમયે જ માસ્ક ઉતાર્યુ હતું
સી.આર.પાટીલના સુપુત્રે પોતાનો લુલો બચાવ કરતા કહ્યું હતું કે, મારા જન્મ દિવસની ઉજવણીમાં કોઇ પણ ગાઇડલાઇનનો ભંગ થયો નથી. બર્થ ડે ની ઉજવણીમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન કર્યુ જ છે. માત્ર સ્પીચ દરમિયાન જ માસ્ક નીચે ઉતાર્યુ હતું. તમામ લોકો માસ્ક સાથે હતા અને સોશીયલ ડિસ્ટ્ન્સીંગ પણ જળવાયું હતું.