સુરતઃ (Surat) શહેરની નવી સિવિલ હોસ્પિટલ (New Civil Hospital) ખાતે આવેલી કોવિડ (Covid) હોસ્પિટલમાંથી છેલ્લા પંદર દિવસમાં કોરોના પોઝિટિવ (Positive) દર્દી (Patient) ભાગી જવાની ત્રીજી ઘટના સામે આવી છે. જેમાં લિંબાયતના ૭૦ વર્ષીય વૃદ્ધનો (Old Man) રિપોર્ટ પોઝિટિવ આવતા તે ગાયબ (Disappeared) થઇ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.
- સુરતની નવી સિવિલ હોસ્પિ.માંથી કોરોનાનો દર્દી ભાગી જવાની પખવાડિયાની જ ત્રીજી ઘટના
- લિંબાયતમાં સંજયનગર પાસે રહેતા વૃદ્ધને 12મી તારીખે શરદી-ખાંસી અને તાવના લક્ષણો સાથે હોસ્પિ.માં ખસેડાયા હતા
- હોસ્પિટલમાં વૃદ્ધનો કોરોનાનો ટેસ્ટ કરાયો હતો, વૃદ્ધ ભાગી જતાં પોલીસને જાણ કરવામાં આવી
નવી સિવિલ હોસ્પિટલનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત સંજય નગર પાસે રહેતા 70 વર્ષીય વૃદ્ધને ગત 12 તારીખે શરદી-ખાંસી અને તાવ તથા બીમારીના લક્ષણો જણાતા 108 માં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં વૃદ્ધનો કોરોના ટેસ્ટ કરાતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યાના બીજા દિવસે એટલે કે ૧૩ તારીખે વૃદ્ધ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. તબીબો અને નર્સિંગ સ્ટાફે તેની હોસ્પિટલમાં આમતેમ શોધખોળ કરતાં પણ તે મળી આવ્યા નહોતા. જેને પગલે ગઈકાલે આ અંગે હોસ્પિટલના તંત્રએ પોલીસને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં કોરોના પેઝિટીવ દર્દી ભાગી જવાની આ ત્રીજી ઘટના સામે આવી છે. તેમ છતાં હોસ્પિટલના તંત્ર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય આયોજન કરવામાં આવી રહ્યું નથી. અને દર્દી પોઝિટિવ આવ્યા બાદ નાસી જઇ રહ્યા છે.
બારડોલીમાં 62 નવા કેસ, સરભોણની બેન્ક ઓફ બરોડાનો કર્મચારી પોઝીટીવ
બારડોલી: બારડોલીમાં શનિવારના રોજ 62 નવા કેસ નોંધાયા હતા. બેન્ક ઓફ બરોડાની સરભોણ શાખાનો એક કર્મચારી પણ પોઝિટિવ આવતાં બેન્કની કાર્યવાહીને અસર થઈ હતી. બીજી તરફ માંગરોળ તાલુકામાં માત્ર 28 વર્ષીય યુવકનું મોત થયું હતું.
સુરત જિલ્લામાં નવા કુલ 282 કેસ સામે સૌથી વધુ 62 કેસ બારડોલીમાં નોંધાયા હતા. ચોર્યાસીમાં 13, ઓલપાડમાં 57, કામરેજમાં 40, પલસાણામાં 44, મહુવામાં 27, માંડવીમાં 28, માંગરોળમાં 11 કેસ નોંધાયા હતા. જિલ્લામાં હાલ 1328 કેસ એક્ટિવ છે. જ્યારે શનિવારે 173 દર્દી કોરોનાથી મુક્ત થયા હતા. માંગરોળ તાલુકામાં 28 વર્ષના એક યુવકનું મોત થતાં આરોગ્ય તંત્રમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ત્રીજી લહેરમાં થયેલા ચારથી પાંચ મોતમાં તમામની ઉંમર 55થી ઉપરની હતી. જ્યારે શનિવારે માંગરોળમાં 28 વર્ષના યુવકે જીવ ગુમાવતાં લોકોની ચિંતામાં વધારો થયો છે. અત્યાર સુધી જિલ્લામાં 492નાં મોત થયાં છે.