SURAT

6 મહિનાની બાળકીને ખાડીમાં ફેંકનાર સૌતેલી માતાને આવી સજા ફટકારી સુરતની કોર્ટે દાખલો બેસાડ્યો

સુરત: પુણા વિસ્તારમાં સાડા આઠ વર્ષ પહેલા નવા કમેલા ખાતે ખાડીમાં 6 મહિનાના બાળક અને 3 વર્ષની બાળકીને ફેકી દેવાના બનાવમાં બાળકનું મોત નિપજ્યું હતું. બાળકી બચી ગઈ હતી. તે કેસમાં કોર્ટે મરનારની દાદી, કાકા, પતિની પહેલી પત્ની સહિત ચાર આરોપીઓને કોર્ટે કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. આખરી હુકમ થયો ત્યારે આરોપીઓ લાજપોર જેલમા જ હતા. તેઓ વીડિયો કોન્ફરન્સથી કોર્ટ રૂબરૂ હાજર રહ્યાં હતા.

કેસની વિગત એવી છે કે નસીનબાનુના લગ્ન બારેક વર્ષ પહેલા જબ્બારશા સત્તારશા ફકિર સાથે થયા હતા. જબ્બારશાને પહેલાથી રૂક્સાનાબી નામની પત્ની હતી. નસીમબાનુ સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન જીવનમાં નસીમબાનુને નાઝનીન અને દીકરા શાબીર હતો. જબ્બારશાની પહેલી પત્ની અને જબ્બારશાની માતા જમીલાબીને દીકરાની બીજી પત્ની નસીમબાનુ આંખના કણાની જેમ ખુંચતી હતી.

તેથી જમીલાબી રૂક્સાના, અફજલશા( જબ્બારશાનો ભાઈ) અને ઇમરાનશા લુકમાનશા ફકિર( રૂકસાનાનો ભાઈ)એ કાવતરૂ ઘડીને નાઝનીન( 3 વર્ષ) અને શાબીર( 6 મહિના)ને મારી નાખવાના ઇરાદે 21 જુલાઈ 2014માં રાત્રે બે વાગે નવા કમેલા ખાતે ખાડીમાં નાખી ફેંકી દીધા હતા. શાબીરનું ડૂબી દવાથી મોત થયું હતું અને નાઝનીન કાદવમાં પડતા બચી ગઈ હતી. આ બાબતે નસીમબાનુના ભાઈએ આરોપીઓ વિરુદ્ધ પુણા પોલીસ સ્ટેશનમાં હત્યા અને હત્યાની કોશિષની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પક્ષે તમામ પુરાવાઓ કોર્ટમાં રજુ કરાયા હતા. સરકાર તરફે એડવોકેટ એન.કે. ગોળવાળા દલીલો કરી હતી. આ કેસ સુરતના પાંચમાં એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. કોર્ટે આરોપીઓ જમીલાબી, અફજલશા,રૂક્સાનાબી અને ઇમરાનશાને કસૂરવાર ઠેરવીને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. સાથે પ્રત્યેક આરોપીને પાંચ-પાંચ હજાર રૂપિયાના દંડની સજા કરાઈ હતી. હત્યાની કોશિષમાં પ્રત્યેક આરોપીને 10-10 વર્ષની સજા અને પાંચ-પાંચ હજાર રૂપિયાના દંડની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

આજ ચાર આરોપીઓએ નસીમબાનુની પણ ઉચ્છલમાં હત્યા કરી હતી
આરોપીઓ જમીલાબી, અફજલશા, રૂક્સાનાબી અને ઇમરાનશાએ 6 મહિનાના શાબીરની હત્યા કરી હતી. તે પહેલા તેઓએ શાબીરની માતા નસીમબાનુને ઉચ્છલ લઈ જઈને ત્યાં તેનું ગળું કાપીને તેની હત્યા કરી હતી. તે કેસ ત્યાં ચાલી ગયો હતો. ત્યાં પણ તમામ આરોપીઓને કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા અને આજીવન કેદની સજા કરવામાં આવી હતી.

Most Popular

To Top