SURAT

ફેનિલને ફાંસી બાદ દુષ્કર્મના આરોપીને આજીવન કેદ, સુરતની કોર્ટમાં દીકરીઓને ફટાફટ ન્યાય..

સુરત: (Surat) સુરતનું ન્યાયતંત્રએ દીકરીઓના ગુનેગારો સામે આકરું વલણ અપનાવ્યું હોય તેમ લાગે છે. ગુરુવારે ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવ્યા બાદ શુક્રવારે દુષ્કર્મના (Rape) કેસમાં આરોપીને આજીવન કેદની (Life Prisonment) સજા સંભળાવવામાં આવી છે.

સુરતની કોર્ટે શુક્રવારે તા. 6ઠ્ઠી મેના રોજ દુષ્કર્મ કેસના આરોપી કમાલ બાબા અખ્તર શેખને આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપી વિરુદ્ધ પોસ્કો હેઠળ પોલીસ ફરિયાદ થઈ હતી. 32 વર્ષીય આરોપી કમાલ બાબા અખ્તર શેખે 14 વર્ષીય કિશોરી અને તેની માતા સાથે તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ કર્યું હતું. પરિણીતાના પતિને તાંત્રિક વિધિથી સાજા કરવાના બહાને પત્ની અને પુત્રીને એકાંતમાં લઈ જઈ કમાલ બાબા બંને સાથે વારાફરતી દુષ્કર્મ આચરતો હતો અને કોઈને કહેશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.

તમને જણાવી દઈએ કે સુરતની કોર્ટમાં બે દિવસમાં બે આરોપીને આકરી સજા ફટકારવામાં આવી છે. આ અગાઉ ગઈ તા. 5મી મે ના રોજ ચકચારી ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને સુરતની સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. ફેનિલે જે ક્રુરતાથી ગ્રીષ્માની સરાજાહેર હત્યા કરી હતી તેની નોંધ લઈ કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવી ફાંસીની સજા સંભળાવી હતી. ફેનિલને ફાંસીની સજા અપાયા બાદ શુક્રવારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળવા પહોંચ્યા હતા અને ત્યાં કહ્યું હતું કે, દીકરીઓને ઝડપથી ન્યાય મળે તેવા સરકાર અને પોલીસના પ્રયાસ રહેશે.

ગૃહમંત્રીના આ નિવેદનને અનુરૂપ દીકરીઓને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તે માટે સુરતની કોર્ટ કાર્ય કરી રહી હોય તેમ આજે દુષ્કર્મના કેસમાં આરોપી કમાલ બાબાને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે.

ગરીબ મા-દીકરીને ભોળવી આરોપીએ અધમ કૃત્યુ આચર્યું: નયન સુખડવાલા
આરોપીએ ગરીબ મા-દીકરીને તાંત્રિક વિધિના નામે ભોળવીને અધમ કૃત્યુ આચર્યું છે. આરોપીએ નાનકડી બાળકી સાથે પણ દુષ્કર્મ આચર્યું છે. કોઈ પોતાની તકલીફમાં કોઈની પર વિશ્વાસ રાખીને એક આશા સાથે જતું હોય તેનો ગેરલાભ ઉઠાવી આરોપીએ માતા-દીકરી સાથે દુષ્કૃત્ય કર્યું, જે ખૂબ જ ગંભીર બાબત છે. તેથી જ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે.

આ હતો કેસ
આરોપી કમાલ બાબા અખ્તર શેખ સુરતના બડે ખાં ચકલા વિસ્તારમાં આવેલા પ્રસિધ્ધ ખ્વાજા દાના દરગાહ ખાતે તાંત્રિક વિધિ કરતો હતો. તાંત્રિક વિધિનાં બહાને લોકોની શારીરિક-માનસિક તકલીફો દૂર કરવાનો ઢોંગ રચતો હતો. ભોગ બનનાર મહિલાનાં પતિને ખેંચની બીમારી હતી. તેમજ સારવાર બાદ પણ તેને સારું ન થતું હોવાની તે આ તાંત્રિક પાસે ગઈ હતી. આ દરમિયાન તાંત્રિકે મહિલાને તેના પતિને સાજા કરી દેવાની વાત કરીને વિશ્વાસમાં લઇ લીધી હતી.

સુરતના બડે ખાં ચકલા વિસ્તારમાં આવેલા પ્રસિધ્ધ ખ્વાજા દાના દરગાહ ખાતે આરોપી કમાલ બાબા અખ્તર શેખ તાંત્રિક હોવાનું કહીને લોકોને શારીરિક-માનસિક તકલીફો દૂર કરવા તાંત્રિક વિધિ કરતો હતો. ભોગ બનનાર મહિલાના પતિની માનસિક સ્થિતિ સારી ન હતી. તેને ખેંચ આવતી હોવાની તકલીફ હતી. સારવાર બાદ પણ તેને સારું ન થતાં મહિલાએ તાંત્રિક કમાલ બાબાનો ખ્વાજા દાનાની પ્રસિદ્ધ દરગાહ પર જઈ સંપર્ક કર્યો હતો. તાંત્રિક કમાલ બાબા મહિલાને વારંવાર મળવા બોલાવતો હતો. જેથી મહિલા તેને મળવા બડે ખાં ચકલા ખાતે આવેલી ખ્વાજા દાના દરગાહ પર જતી હતી. મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવી તાંત્રિકે મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બાદ તેણે એક દિવસ મહિલાની 14 વર્ષની દીકરીને પણ બોલાવી હતી. અને તેની સાથે પણ દુષ્કર્મ કર્યું હતું.

સુરતમાં દીકરીઓને ઝડપી ન્યાય: 5 મહિનામાં 5 ગુનેગારોને આકરી સજા
રાજ્ય સરકારમાં હર્ષ સંઘવી ગૃહરાજ્યમંત્રી બન્યા છે ત્યાર બાદથી સુરતની કોર્ટમાં દીકરીઓ સાથે થયેલા ક્રુર ગુનામાં ગુનેગારોને ફટાફટ સજા સંભળાવવામાં આવી રહી છે. દીકરીઓને ઝડપી ન્યાય મળી રહ્યો છે. ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા મળી તે પહેલાં 3 આરોપી હર્ષસહાય ગુર્જર, દિનેશ બૈસાણે અને ગુડ્ડુ યાદવને ફાંસી, આજીવન કેદ જેવી આકરી સજા ફટકારાઈ છે. અને હવે આજે 6 મેના રોજ દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા અપાઈ છે. આમ વીતેલા 5 મહિનામાં સુરતની કોર્ટમાં 5 આરોપીઓને આકરી સજા ફટકારાઈ છે.

Most Popular

To Top