National

સચિન GIDC રેપ કેસ: અંતિમ શ્વાસ સુધીની સજા, સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌપ્રથમ આટલો ઝડપી ચુકાદો આપી કોર્ટે દાખલો બેસાડ્યો

સુરત: (Surat) સચિનના જીઆઇડીસીમાં (Sachin GIDC) બનેલી બળાત્કારની (Rape) ઘટનામાં આજે એટલેકે 11 નવેમ્બરના રોજ ચુકાદો (Judgment) આવ્યો છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ અને દેશમાં બીજો એવો સુરતમાં ન્યાયતંત્રએ આટલો ઝડપી ચુકાદો આપી નરાધમને કડકમાં કડક સજા ફટકારી દાખલો બેસાડ્યો છે. 4 વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર નરાધમને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવી છે. આ ફક્ત સમગ્ર ન્યાયતંત્ર માટે એક ઉદાહરણરૂપ કિસ્સો જ નથી પરંતુ સુરત માટે પણ ગૌરવપૂર્ણ ચુકાદો છે. પીડિત પરિવારને ન્યાય અપાવવામાં માટે કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી હિયરિંગ થયું હતું. ઘટના બન્યાના 1 મહિનાની અંદર જ પોલીસ તપાસ અને કોર્ટમાં માત્ર 5 દિવસમાં જ ટ્રાયલ પુરી થઈ છે.

સરકારી વકીલે શું કહ્યું?

ઘટના બન્યાના 1 મહિનાની અંદર જ પોલીસ તપાસ અને કોર્ટમાં માત્ર 5 દિવસમાં જ ટ્રાયલ પુરી થઈ છે. ત્યારે સરકારી વકીલે કહ્યું હતું કે- બળાત્કારીઓ ધ્યાન રાખે, હવે કોર્ટમાં પણ કેસ ઝડપથી ચાલશે અને આરોપીઓને જેલની બહાર નીકળવાનો જરા પણ મોકો આપવામાં નહીં આવે.

12 ઓક્ટોબર 2021ના રોજની આ સમગ્ર ઘટના વિષે જાણો..

સુરત: શહેરના સચીન જીઆઈડીસી વિસ્તારમાં મંગળવારે 12 ઓક્ટોબર સવારે ઘર પાસે રમતા રમતા ગુમ થયેલી બાળકી બપોરે ભર વરસાદમાં અવાવરૂં જગ્યાએ કાદવ-કીચડની અંદર મળી આવી હતી. બાળકીની મેડિકલ તપાસ કરતા તેની સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે. સચીન જીઆઈડીસી પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

સચિન જીઆઈડીસીના વિસ્તારમાં રહેતી ચાર વર્ષની બાળકી મંગળવારે સવારે આઠેક વાગ્યે ઘરની બહાર અન્ય બાળકો સાથે રમતી હતી. ત્યારે અચનાક ગુમ થતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. ત્યારે સાથે રમી રહેલા બાળકોએ ‘બાળકી એક અંકલ કે સાથ ગઈ હૈ’ તેમ કહ્યું હતું. જેથી પરિવારે બાળકી ગુમ થવાની ફરિયાદ સચીન જીઆઇડીસી પોલીસ સ્ટેશને કરી હતી. સચીન જીઆઈડીસી પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક બાળકીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે બનાવ બન્યો ત્યાંથી તમામ સીસીટીવી ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું. અંતે જીઆઇડીસીમાં આવેલી ગિમઝા મિલની સામે આવેલા ખુલ્લા પ્લોટની ઝાળીઓમાં ફેંકી દીધેલી હાલતમાં બાળકી મળી આવી હતી. બાળકીને નવી સિવિલમાં ખસેડી પોલીસે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

બાળકીના શરીરે ઇજાના નિશાન મળ્યા
બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. બાળકીની તપાસ દરમિયાન ગળાના ભાગે નખના અને પ્રાઇવેટ પાર્ટના ભાગમાં લોહીના નિશાન મળી આવ્યા હતા. ડોક્ટરે બાળકી સાથે દુષ્કર્મ થયાનું જણાવ્યું હતું. હાલ બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

મોસંબી- ફ્રૂટસલાડ પીવડાવી ત્રણ સંતાનના પિતાનો ચાર વર્ષની બાળકી પર બળાત્કાર

સુરત : સચિન જીઆઇડીસી વિસ્તારમાં ઝાંડીઝાંખરામાંથી ચાર વર્ષની માસૂમ બાળા સાથે થયેલા જધન્ય કૃત્યમાં પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે. સ્થાનિકોની મદદથી પોલીસે ત્રણ સંતાનોના પિતાને પકડી પાડ્યો હતો. આ નરાધમે માસૂમની સાથે બળાત્કાર પહેલા મોસંબી તેમજ ફ્રૂટસલાડ પણ અપાવ્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે આરોપીના છ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ સચિનના સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલ પાર્કની પાછળ ગભેણી તરફ જતા રોડ ઉપર મંગળવારે સવારે ઘર પાસે રમતા રમતા ગુમ થયેલી ચાર વર્ષિય બાળકી બપોરે ભર વરસાદમાં અવાવરૂં જગ્યાએ કાદવ-કીચડની અંદર મળી આવી હતી. બાળકીની સારવાર કરાવવામાં આવતા તેણીની સાથે બળાત્કાર થયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અજાણ્યાની સામે અપહરણ અને બળાત્કારના ગુનો નોંધ્યો હતો. દરમિયાન પોલીસે રસ્તામાં સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. જેમાં એક ઇસમ કાળા કલરનો તથા બ્લુ કલરનો આખી બાંયનો શર્ટ પહેરીને જતો હતો. એક હાથમાં સ્ટીલનું ટીફીન હતું અને બીજા હાથમાં બાળકીનો હાથ પકડ્યો હતો. આ બંને સિદ્ધિ વિનાયક ઇન્ડસ્ટ્રીયલ પાર્કથી આગળ જતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની તપાસ શરૂ કરી હતી. પોલીસે સચિન જીઆઇડીસીના સ્થાનિક વિસ્તારમાં જ અલગ અલગ ટીમો બનાવી હતી અને સ્થાનિકોની મદદ લીધી હતી.

આ દરમિયાન પોલીસે સચિન જીઆઇડીસીની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા હનુમાન ઉર્ફે અજય મંગી નિષાદને પકડી પાડ્યો હતો. પોલીસની પુછપરછમાં અજયે ચાર વર્ષીય માસૂમને ખાવાની લાલચ આપી હતી અને અપહરણ કરી ગયો હતો. શરૂઆતમાં અજય નિષાદે માસૂમ બાળાને મોસંબી, સમોસા, ફ્રૂટ સલાડ તથા જીરા સોડા લઇ આપ્યું હતું અને ઝાંડી ઝાંખરામાં લઇ જઇને ત્યાં બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસને રસ્તામાંથી આરોપી અજયના કપડા સહિતની વસ્તુઓ મળી હતી. સચિન જીઆઇડીસી પોલીસના પીઆઇ જે.પી. જાડેજાએ અજયની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને અજયના સાત દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. સરકારી વકીલ દિપેશ દવેએ આરોપીના વધુમાં વધુ રિમાન્ડ આપવા રજૂઆતો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ અજય નિષાદના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કેવી રીતે પકડાયો અજય નિષાદ ઉર્ફે હનુમાન..?
સચિન જીઆઇડીસી પોલીસનો સ્ટાફ જીઆઇડીસીની ગુરૂકૃપા સોસાયટીમાં તપાસ કરી રહી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ સ્થાનિકોને બતાવ્યા હતા અને આરોપીને પકડવામાં મદદ માંગી હતી. ચાર વર્ષની બાળા સાથે બળાત્કારના કૃત્યથી સ્થાનિકોમાં પણ રોષ હતો અને તમામના ચહેરા ઉપર સીસીટીવીમાં દેખાતા ઇસમનો ચહેરો ફરતો હતો. આ દરમિયાન ગુરૂકૃપા સોસાયટીમાં જ રહેતા રામસ્વરૂપ ઉર્ફે સિંધુ હિરાલાલ શાહુ તેમજ મોહંમદ કાસીમ મોહંમદ ગયાસુદ્દીન શાએ શંકાના આધારે હનુમાન ઉર્ફે અજયને પકડ્યો હતો અને પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો. પોલીસે ધ્યાનથી સીસીટીવી ફૂટેજ જોઇને હનુમાનની પુછપરછ કરતા તેણે બળાત્કાર કર્યાની કબૂલાત કરી હતી.

આરોપી અજય ઉર્ફે હનુમાન ત્રણ સંતાનોના પિતા છે, અને પરિવાર સાથે રહે છે
પોલીસના જણાવ્યા પ્રમાણે અજય ઉર્ફે હનુમાન નિષાદ સચિન જીઆઇડીસીમાં જ ફેક્ટરીમાં મજૂરીકામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. અજયને ત્રણ સંતાનો છે અને પત્ની સાથે રહે છે. ત્રણ સંતાનોના પિતા હોવા છતાં પણ અજયની એક ચાર વર્ષની માસૂમ બાળા ઉપર દાનત બગડી હતી. અજયે બાળાનું અપહરણ કર્યું અને બળાત્કાર પણ ગુજાર્યો હતો.

રિમાન્ડના મુ્દ્દાઓ

  • બનાવવાળી જગ્યાએ આરોપીને લઇ જઇને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવાનું છે
  • જે રસ્તેથી બાળકીનું અપહરણ થયુ તે રસ્તા ઉપરના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરવાની છે
  • ઓળખ પરેડ કરાવવા માટે આરોપની જરૂર છે

Most Popular

To Top