સુરત: નાની નાની વાતોમાં સાસુ સસરા સાથે ઝઘડો કરતી તેમને માર મારતી અને પોતાના પતિને બિમાર હોય છતાં પોતાના માતા પિતા પાસે જવા નહીં દેતી. એટલું જ નહીં પિતાનું મોત થયું ત્યારે મૈયતમાં પણ જવા નહીં દેનાર માથાભારે પત્નીથી કંટાળીને આખરે પતિએ કોર્ટનો સહારો લીધો હતો. કોર્ટે સાસુ સસરાને ત્રાસ આપતી પુત્રવધુના વર્તનને ક્રુર ગણાવી પતિની છૂટાછેડાની અરજી મંજૂર રાખી છે.
કેસની વિગત એવી છે કે અરજદાર રાજેશ( નામ બદલ્યું છે) અડાજણ વિસ્તારમાં રહે છે. રાજેશના લગ્ન 2015માં વેરાવળ મુકામે રહેતી મોહિની( નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્ન જીવનમાં રાજેશ અને મોહિનીને એક દીકરી છે. જે મોહિની સાથે રહે છે. લગ્ન બાદથી રાજેશ મોહીની સારી રીતે રાખતા અને પતિ તરીકેને તમામ ફરજો નિભાવતા હતા.
લગ્નના થોડા સમય બાદ મોહિની નાની-નાની વાતે ઝગડો કરતી હતી. લગ્ન બાદથી મોહિની સાસુ-સસરાથી અલગ રહેવા માટે પતિને દબાણ કરતી હતી. પતિના ગેરહાજરીમાં મોહિની સાસુ-સસરાને ત્રાસ આપતી હતી. વૃદ્ધ સાસુ-સસરાનું અપમાન કરતી અને મારઝૂડ પણ કરતી હતી. મોહિની સાસુ-સસરાની કોઈ કાળજી રાખતી નહતી. એક વખત સાસુને તમાચો મારી દીધો હતો અને એક વખત સસરાને ધક્કો મારી દીધો હતો.
સસરા બિમાર હોવાથી હોસ્પિટલમાં હતા ત્યારે મોહિનીએ તેના પતિને સસરાની સારવારમાં જતા રોક્યા હતા. સસરાનું અવસાન થયું ત્યારે તે મરણવિધિમાં પણ આવી ન હતી. ત્યાર બાદ મોહિની 2017માં પતિને છોડીને જતી રહી હતી. તેથી રાજેશે એડવોકેટ પ્રીતિ જોષી અને નિખિલ રાવલ મારફત છૂટાછેડા માટે અરજી કરી હતી.
કોર્ટે રાજેશના એડવોકેટની દલીલોના માન્ય ગ્રાહ્ય રાખીને સસરાની સેવા ન કરવી એ ક્રુરતા સમાન છે, પતિને માતા-પિતાથી અલગ રાખવા દબાણ કરવું એ માનસિક કૃરતા સમાન છે. સસરાના અવસાન સમય વખતની વિધિમાં મોહિનીનું ન જવું એ બાબત પણ ક્રુરતા સમાન, સાસુ-સસરાને ત્રાસ આપી મારઝૂડ કરવી એ બાબત પણ ક્રુરતા સમાન, પતિને પિતાની સારવાર માટે પિતા પાસે જતા અટકાવવું એ ગંભીર ક્રુરતા સમાન છે એવું નોંધીને કોર્ટે પતિનો છૂટાછેડાનો દાવો મંજૂર કર્યો હતો.