સુરત : હત્યાના એક કેસ (murder case)માં બીજીવાર હોસ્ટાઇલ જાહેર કરવાની અરજી દરમિયાન એક મહિલાએ કોર્ટ (court)માં માહિતી આપી કે, ‘સાહેબ, હું મારું ઇમાન વેચવા નથી માંગતી, મને ખોટી જુબાની (wrong Testimony) આપવા માટે 12 લાખ મળ્યા હતા. જેનો આજે પણ મને પસ્તાવો છે.’ આ મહિલાએ પોતાના પરિવારને જાનનું જોખમ (life in danger) હોવાનું પણ કહ્યું હતું. ત્યારબાદ કોર્ટે મહિલા અને તેના પરિવારને પોલીસ પ્રોટેક્શન (police protection) આપવા માટે પોલીસ કમિશનર (police commissioner)ને આદેશ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ સોદાગરવાડમાં રહેતી એક મહિલા તેના પુત્ર સાથે સને-2016માં મોબાઇલ ખરીદવા માટે જનતા માર્કેટમાં ગઇ હતી. અહીં બે પુરુષ અને બે મહિલા એક વ્યક્તિ ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા હતા. આ સમગ્ર ઘટના નજરે જોતાં મહિલાએ પોલીસમાં નિવેદન આપ્યું હતું. હત્યા કરવામાં અમીન સુકરી તલવારથી મારતો હતો. શહેનાઝ સુકરી ગુપ્તીથી મારતી હતી અને વકાસ સુકરી છરીથી મારતી હતી. જ્યારે ગજાલા ઉર્ફે ગજુ લાતોથી મારતી હતી. ઇજાગ્રસ્ત યુવકનું ગંભીર ઇજાને કારણે મોત થયું હતું. હત્યાના આ કેસમાં સોદાગરવાડમાં રહેતી મહિલાની સરતપાસ થઇ હતી, જેમાં મહિલાએ ફરિયાદને સમર્થન આપ્યું હતું અને હત્યાની ઘટના નજરે જોઇ હોવાની જુબાની આપી હતી. ત્યારબાદ ઉલટતપાસમાં મહિલાએ જુબાની આપી હતી કે, મારા પુત્રને પોલીસે ગોંધી રાખ્યો હતો અને મારા પુત્રના જીવને જોખમ છે, મેં આવો કોઇ બનાવ જોયો નથી. ત્યારબાદ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ મહિલા હોસ્ટાઇલ થઇ હોવાની અરજી આપીને તેની ઉલટતપાસ લેવા જણાવ્યું હતું.
સરકારી વકીલની ઉલટતપાસમાં મહિલાએ જુબાની આપતાં કહ્યું કે, મેં શરૂઆતમાં સાચી માહિતી આપી હતી, પરંતુ પોલીસે મારા પુત્રને ગોંધી રાખ્યો હોવાની માહિતી ખોટી આપી હતી. આવી કોઇ ઘટના બની નથી. ખોટી જુબાની આપવા માટે આરોપીઓએ મને દબાણ આપ્યું હતું અને 12 લાખ રૂપિયા આપ્યા હતા. મહિલાએ સમગ્ર હકીકત કોર્ટમાં આપી હતી. આ જુબાની બાદ મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ મહિલાના પોલીસ પ્રોટેક્શન આપવા કોર્ટને જણાવ્યું હતું. મહિલાની જુબાની લીધા બાદ કોર્ટે પોલીસ કમિશનરને આદેશ કરીને મહિલા અને તેના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવા માટે આદેશ કર્યો હતો.
મહિલાએ કોર્ટમાં આપેલી જુબાની
આરોપીઓ તરફથી મને દબાણ કરવામાં આવતું હતું, મને ઉલટ તપાસમાં ચોક્કસ પ્રકારના જવાબ આપવા દબાણ કરવામાં આવતું હતું. મને એટલું બધું દબાણ હતું કે હું માનસિક રીતે તૂટી ગઇ હતી. હવે કહું છું કે, આ લોકોએ મને તેમના લાભમાં જુબાની આપવા 12 લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ પછી મને પસ્તાવો થાય છે અને કહું છું કે મારે મારું ઇમાન નથી વેચવું, મને આજે પણ આરોપીઓ તરફથી મારી જિંદગી ઉપર જોખમ ઊભું થાય તેવો ડર છે.