SURAT

સુરતની કોર્ટમાં પેન્ડિંગ કેસોની સાથે હવે સરકારી વકીલોની અછતનો મુદ્દો પણ ચર્ચામાં

સુરત : સુરતની કોર્ટ (Surat court)માં કોર્ટના પેન્ડિંગ કેસો (Pending case)ની સાથે સાથે હવે સરકારી વકીલો (Government advocate)ની અછતનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે.

છેલ્લા આઠ વર્ષથી કોર્ટમાં સરકારી વકીલોની નિમણૂંક (Appointment) કરવામાં આવી નહીં હોવાની ફરિયાદ ઉઠી છે. ચાર વર્ષ પહેલા સરકારી વકીલોના ઇન્ટરવ્યું (Interview) લેવાયા તેમાં પણ નિમણૂંક આપવામાં નહીં આવતા કેટલાક વકીલોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ મુખ્ય જિલ્લા સરકારી વકીલની ટર્મ પણ પુરી થઇ ગઇ છે, પરંતુ નિયમોને લઇને આ તમામ સરકારી વકીલો પોતાની સેવા આપી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સુરતની કોર્ટમાં હાલમાં 18 જેટલી સેશન્સ કોર્ટ (Session court) ચાલે છે. એક કોર્ટમાં માત્ર એક જ સરકારી વકીલ હોય છે. હાલમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ સહિત કુલ્લે 11 જેટલા સરકારી વકીલો છે. કોર્ટમાં છેલ્લા સને-2011-12માં બે વર્ષના સમયગાળા માટે સરકારી વકીલોની નિમણૂંક કરવામાં આવી હતી. ત્યારબાદ સને-2016માં સરકારી જાહેરાત બહાર પડી હતી અને સરકારી વકીલ માટે અનેક વકીલોએ ફોર્મ ભરી પરીક્ષા આપી હતી. આમાંથી સુરતમાંથી પણ અનેક વકીલો પાસ થયા હતા, તેઓના ઇન્ટરવ્યું પણ લેવામાં આવ્યા પરંતુ હજુ સુધી કોઇ નિમણૂંક કરાઇ ન હતી.

હદ તો ત્યાં થઇ કે સરકારે સરકારી વકીલોની પરિક્ષાનું પરિણામ પણ જાહેર કર્યું ન હતું. ત્યારબાદ સને-2019માં ફરી સરકારી વકીલ માટે ઇન્ટરવ્યું લેવાયા હતા. જેમાં સુરતના 85 વકીલોએ ભાગ લીધો હતો પરંતુ તેઓનું પરિણામ પણ હજુ સુધી આવ્યું નથી. કોરોનાના કપરા સમયમાં જૂના અને નવા કેસોનું ભારણ ખુબ જ વધી ગયુ છે, ત્યારે સરકાર દ્વારા આ બાબતે વિચારણા કરીને સરકારી વકીલોની નિમણૂંક કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. આ મામલે આગામી દિવસોમાં વિરોધનો વંટોળ શરૂ થાય તેવી પણ શક્યતા છે. આ મામલે વકીલોએ છેક ગૃહ વિભાગ સુધી આવેદનપત્ર આપવાની તૈયારીઓ આરંભી દીધી છે.

થોડા દિવસ પહેલા જ એક સરકારી વકીલની ગેરહાજરીને કારણે કોર્ટ લાલધૂમ થઇ હતી

સુરતમાં કુલ્લે 18 સેશન્સ કોર્ટ આવેલી છે. જેમાં 11 સરકારી વકીલો છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલને બાદ કરતા બીજા 10 વકીલો બચી છે અને તેઓના ભાગે સરેરાશ બે કોર્ટનો ચાર્જ આવે છે. આશરે 10 દિવસ પહેલા એક કેસમાં સરકારી વકીલની બુમ પડી હતી. પરંતુ આ સરકારી વકીલ બીજા કોર્ટમાં વ્યસ્ત હોવાથી હાજર રહી શક્યા ન હતા. આ બાબતે સેશન્સ જજએ પણ નોંધ લઇને સરકારી વકીલને હાજર રહેવા માટે સૂચના આપી હતી. આ સમગ્ર મામલો મુખ્ય જિલ્લા સરકારી વકીલ સુધી પહોંચ્યો હોવાની પણ વિગતો મળી હતી. જો કે, આવી રીતે દરરોજ વિવિધ કોર્ટમાં સરકારી વકીલોની ગેરહાજરીને કારણે પ્રાઇવેટ વકીલોએ ના-છૂટકે તારીખો લેવી પડે છે અને કેસનો સમય પણ લંબાયા કરે છે, અને કોર્ટમાં કેસનું ભારણ પણ વધી જાય છે.

10 સરકારી વકીલમાંથી બે સરકારી વકીલ નિવૃત્ત પણ થઈ ગયા છે

આસિસ્ટન્ટ ગર્વમેન્ટ પ્લીડર (એપીપી) એટલે કે સેશન્સ કોર્ટના 10 સરકારી વકીલોમાંથી બે સરકારી વકીલો એવા છે કે જેઓની વયમર્યાદા બે વર્ષ પહેલા જ પુરી થઇ ગઇ છે. તેમ છતાં પણ તેઓ સરકારી વકીલ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે.

Most Popular

To Top