સુરત: (Surat) સરથાણામાં સગીરાની સાથે ત્રણ યુવકોએ કરેલા બળાત્કારના (Rape) કેસમાં સરથાણામાં કાફે ચલાવનાર સંચાલકને પણ આરોપી બનાવીને તેની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે (Police) પકડાયેલા અને બળાત્કાર કરનાર ત્રણેય યુવકોના મોબાઇલ ફોન લઇને એફએસએલમાં (FSL) તપાસ માટે મોકલાવ્યા હતા.
- બળાત્કારની ઘટના બાદ સરથાણાના કપલ બોક્સના (Couple Box) સંચાલકની ધરપકડ, અન્ય કપલ બોક્સમાં પણ દરોડા
- પોલીસે ત્રણેયના મોબાઇલ ફોન લઇને એફએસએલમાં તપાસ માટે મોકલાવ્યા
- સરથાણાના ‘ધી હાર્ટ ટુ હાર્ટ’ કપલ બોક્સમાં સગીરોને પ્રવેશ અપાતો હતો
- સગીરાને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બળાત્કાર કરાયો હતો
પ્રાપ્ત વિગતો મુજબ, સિંગણપોર વિસ્તારમાં રહેતી 15 વર્ષિય સગીરની સાથે ઇન્સ્ટ્રાગ્રામ ઉપર મિત્રતા કેળવીને કતારગામ સિંગણપોરના યુવકે જ બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કાર સરથાણાના અવધ રોયસરોય કોમ્પલેક્ષમાં આવેલા ‘ધી હાર્ટ ટુ હાર્ટ’કપલ કાફે બોક્સમાં ગુજારવામાં આવ્યો હતો. શરૂઆતમાં સચીન કુકડીયા નામના યુવકે સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને કપલબોક્સમાં જ વીડિયો પણ ઉતાર્યો હતો. આ વીડિયો સચીને તેના મિત્ર કિશન અને ત્યારબાદ વૈભવ બગદરિયાને આપ્યો હતો. કિશન અને વૈભવએ પણ સગીરાને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બળાત્કાર કર્યો હતો.
આ સમગ્ર ઘટના સગીરાના વતન રહેતા સંબંધીઓની પાસે પહોંચી હતી. તેઓએ સગીરાના પિતાને ફોન કરીને વીડિયો શેર કરતા મામલો બહાર આવ્યો હતો. આ મામલે સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને સચીન, કિશન અને વૈભવની ધરપકડ કરી હતી. આ ઉપરાંત સરથાણા પોલીસે ‘ધી હાર્ટ ટુ હાર્ટ’ કપલ બોક્સનું સંચાલન કરતા અને વડોદરાના નિવાસી વિનોદ રાજેન્દ્રપ્રસાદ ખટિક નામના યુવકની સામે પણ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. બીજી તરફ પોલીસે સરથાણાના અલગ અલગ કોમ્પલેક્ષમાં આવેલા કાફે કપલ બોક્સમાં તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હોવાની વિગતો મળી છે.
સચીન શરૂઆતમાં સિંગણપોરના કાફેમાં ગયો હતો, પરંતુ તે બંધ જોવા મળતા સરથાણા આવ્યો હતો
સચીને સગીરાને પહેલા સિંગણપોરના એક કાફેમાં મળવા માટે બોલાવી હતી, પરંતુ આ કાફે કમ કપલબોક્સ બંધ જોવા મળતા સચીન સગીરાને લઇને સરથાણામાં આવ્યો હતો. એક વર્ષ પહેલા સરથાણામાં ‘ધી હાર્ટ ટુ હાર્ટ’ કપલબોક્સમાં લઇ જઇને બળાત્કાર કરાયો હોવાની વિગતો મળી હતી.