SURAT

શહેરમાં વધતા સંક્રમણને પગલે ખાનગી હોસ્પિટલોમાં બેડ રિઝર્વ કરવા મનપાની કવાયત

સુરત: (Surat) કોરોનાવાયરસના સતત વધી રહેલા કેસોને પગલે મનપા કમિશનરે વિવિધ ખાનગી હોસ્પિટલના (Privet Hospitals) પ્રતિનિધિઓ અને ડોક્ટર્સ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોક્ટરો દ્વારા હોસ્પિટલમાં મનપા (Surat Municipal Corporation) દ્વારા કોરોના કિટનો જથ્થો આવશ્યક પ્રમાણમાં પૂરો પાડવામાં ન આવતો હોવાની ફરિયાદો કરવામાં આવી હતી. જેના પગલે કમિશનર દ્વારા આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણનો આદેશ કરાયો હતો.

સતત વધતાં સંક્રમણણને પગલે મનપા કમિશનર દ્વારા 35થી 40 ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સાથે એક બેઠકનું આયોજન કરાયું હતું. સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં સતત વધી રહેલા કોરોનાવાયરસના કેસો વચ્ચે સિવિલ અને સ્મીમેર બાદ હવે ખાનગી હોસ્પિટલોને પણ કોરોના સામેના જંગમાં સજ્જ રહેવા માટે કમિશનર દ્વારા તાકીદ કરાઈ હતી. બેઠક દરમિયાન વહીવટી તંત્ર દ્વારા હાલ ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ના એક હજાર બેડની (Bed) સંખ્યા વધારવા સંદર્ભે પણ ચર્ચા કરાઈ હતી.

જો કે, આ તમામ ચર્ચા-વિચારણા વચ્ચે ત્રણથી ચાર હોસ્પિટલ દ્વારા મનપાના વહીવટી તંત્ર વિરુદ્ધ ખૂબ જ ગંભીર કહી શકાય તેવી ફરિયાદ કરાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા કોરોનાવાયરસના ટેસ્ટ માટે આવશ્યક એવી રેપિડ એન્ટિજન કિટનો જથ્થો પૂરતા પ્રમાણમાં આપવામાં આવી રહ્યો નથી. જેના પગલે મનપા કમિશનરે તાત્કાલિક તમામ હોસ્પિટલોમાં આવશ્યકતાનુસાર રેપિડ એન્ટિજન કિટનો જથ્થો પૂરો પાડવા માટે તાકીદ કરી હતી. બીજી તરફ કમિશનર બંછાનિધિ પાની દ્વારા હાલ સુરત શહેરના સિવિલ સ્મીમેર સહિતનાં સેન્ટરો પર જે વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, તેની સાથે અન્ય નવાં સેન્ટરો શરૂ કરવાની પણ કવાયત હાથ ધરાઈ હતી. જેના પગલે આગામી દિવસોમાં શહેરમાં અન્ય સ્થળોએ પણ ખાનગી હોસ્પિપટલોમાં વધુમાં વધુ વેક્સિનેશન સેન્ટર શરૂ કરવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે.

શાળાના વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધતાં પીડિયાટ્રિક વેક્સિનેશન માટે પણ રજૂઆત

મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા યોજવામાં આવેલી મીટિંગમાં એક જાણીતા ડોક્ટર દ્વારા હાલની સ્થિતિમાં વિદ્યાર્થીઓમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી પીડિયાટ્રીક વેક્સિનેશનની શરૂઆત કરવા માટે રજૂઆત કરાઈ હતી. જ્યારથી શહેરમાં શાળા-કોલેજો શરૂ કરવામાં આવી છે, ત્યારથી સતત વિદ્યાર્થીઓમાં કોરોનાવાયરસના સંક્રમણનો દર વધી રહ્યો છે. આ સ્થિતિમાં જો વહેલી તકે બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવે તો કોરોના સંક્રમણનો દર ઘટાડી શકાય તેવી રજૂઆત કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top