SURAT

મનપા દ્વારા ડોક્ટરો, નર્સ, વોર્ડબોય, સહિત 4173 જગ્યા માટે ઇન્ટરવ્યુ લેવાયા પરંતુ 50 ટકા સ્ટાફ પણ ના મળ્યો

સુરત: (Surat) મનપા (Corporation) દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર માટે ચાલુ કરાયેલી હોસ્પિટલો, કોવિડ સેન્ટરો તેમજ અન્ય વ્યવસ્થામાં જરૂરી મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની ભરતી (Recruitment of medical staff) કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ કરાયા હતા. પરંતુ હાલમાં જે રીતે આરોગ્ય સેવામાં જરૂરી સ્ટાફની અછત છે તે મનપાને પણ નડી ગઇ છે. મનપા દ્વારા મનપા દ્વારા ડોક્ટરો, નર્સ, લેબ ટેક્નિશિયન, વોર્ડબોય, આયા, પેરા મેડિકલ સ્ટાફ, ડ્રાઇવર સહિત કુલ 4173 જગ્યા માટે વોક ઇન ઇન્ટરવ્યુ (Interview) લેવાયા હતા. પરંતુ 50 ટકા સ્ટાફ પણ મળ્યો નથી. આ ઇન્ટરવ્યુમાં લાયક ઠરેલા કુલ 1741 સ્ટાફને નિમણૂક આપી દેવાતાં હવે સારવાર માટે પ્રવર્તતી સ્ટાફની અછતમાં આંશિક રાહત જણાશે. જો કે, આ નિમણૂક તદ્દન હંગામી ધોરણે કરવામાં આવી છે. જેમાં ડોક્ટરો પણ મોટી સંખ્યામાં સામેલ છે.

ગંભીર દર્દીઓની સ્થિતિમાં સુધારો, સુરતમાં ઓક્સીજનની ડિમાન્ડ ઘટી

સુરતઃ સુરત શહેરમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના ગંભીર દર્દીઓની (Patients) સ્થિતિમાં સુધારો આવતા ઓક્સીજનની ડિમાન્ડમાં પણ ઘટાડો નોંધાયો છે. જેની સામે આજે પણ 167 મેટ્રિક ટન સપ્લાય યથાવત રખાયો હતો. શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોનાના તાંડવે ઓક્સીજનની ભારે અછત ઊભી કરી હતી. દર દસમાંથી આઠ દર્દીઓને ઓક્સીજનની જરૂર પડતી હોવાથી તંત્ર દોડતું થઇ ગયું હતું. અન્ય રાજ્યોમાં પણ ભયંકર પરિસ્થિતિને કારણે ઓક્સીજન સપ્લાય આપવો મુશ્કેલ બન્યો હતો. વિકટ સંજોગો વચ્ચે શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના ગંભીર દર્દીઓની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. જેને પગલે ઓક્સીજનની ડિમાન્ડમાં પણ ઘટાડો નોંધાયો છે.

ઓક્સીજનની (Oxygen) ક્રમશઃ ઘટતી ડિમાન્ડને (Demand) પગલે સમગ્ર તંત્ર રાહતનો શ્વાસ લઈ રહ્યું છે. ગઈકાલે 184 મેટ્રિક ટન ઓક્સીજન ડીમાન્ડ હતી, જેમાં આજે વધુ ચાર મેટ્રીક ટન ઘટીને 180 મેટ્રિક ટન રહેવા પામી છે. જેની સામે 167 મેટ્રિક ટન ઓક્સીજનનો સપ્લાય પૂરો પાડવામાં આવ્યો હતો. આઈનોક્સ કંપની દ્વારા 91, રિલાયન્સ દ્વારા 45, લીન્ડે દ્વારા ૧૪ અને અન્ય મળી 167 મેટ્રિક ટન ઓક્સીજનનો સપ્લાય આપવામાં આવ્યો હતો. આગામી અઠવાડિયા સુધી શહેરમાં દર્દીઓની સ્થિતિમાં સુધાર આવ્યો તો ઓક્સીજનની ડિમાન્ડ હજી ઘટી શકે છે. અને ડિમાન્ડ કરતા સપ્લાય વધારે રહેશે, તેવી આશા હાલ તંત્ર વ્યક્ત કરી રહ્યું છે.

Most Popular

To Top