સુરત: (Surat) દબાણોના ન્યુસન્સથી ગ્રસ્ત કતારગામ ઝોનના (Katargam Zone) સિંગણપોર વિસ્તારમાં ઝોનના અધિકારીઓ દ્વારા રસ્તા પર થતા લારી-ગલ્લાના દબાણો સામે વધુ એક વખત કડક કાર્યવાહી કરીને જે દુકાનદારો દબાણકર્તાઓને પોતાની દુકાન આગળ લારી-ગલ્લા, પાથરણા વગેરે મુકવા દઇને દબાણોને પ્રોત્સાહન આપે છે તેવી 69 દુકાનો સીલ (Shop Seal) કરી દેવામાં આવી હતી. ઉપરાંત અહી ખાનગી પ્લોટ પર પતરાના સેડ નાંખીને ગેરકાયદે ધમધમતા લેસ માર્કેટને પણ વધુ એક વખત સીલ મારી દેવાયું હતું. જો કે દુકાનદારોએ ચોરી પર સીનાજોરી જેવો ઘાટ કરીને સ્થાનિક ધારાસભ્ય અને શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયાના કાર્યાલય પર રજૂઆત કરવા પહોંચ્યા હતા. જયા મંત્રી હાજર ન હોવાને કારણે દુકાનદારો રોષે ભરાયા હતા અને મંત્રીના કાર્યાલયની બહાર હાય.. હાય…. બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. તો એક યુવકે રોજીરોટી છીનવાઇ જવાથી રસ્તા પર આવી ગયા હોવાનો બળાપો કાઢી એક યુવકે જાહેરમાં શર્ટ કાઢી વિરોધ નોંધાવ્યો હતો.
વિસ્તૃત વિગતો મુજબ કતારગામ વિસ્તારમાં આવેલા સિંગણપોર ચાર રસ્તા અને કોઝવે રોડ અને વાળીનાથ ચોક વગેરે જગ્યાએ દુકાનો આગળ લારીઓનું દબાણ રાહદારીઓ તેમજ સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બની ગયું છે. અહી વાંરવાર દબાણો હટાવવા છતા દબાણકર્તાઓ મનપાના તંત્રને ગાંઠતા નથી વળી અહીના દુકાનદારો પણ દબાણકર્તાઓને જગ્યા ભાડે આપી તેમજ વિજળી કનેકશન સહીતની મદદ કરી દબાણો કરાવતા હોય કતારગામ ઝોનના વડા તેમજ કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શનમાં અહી ઝુંબેશ શરૂ કરીને આ રસ્તા પરની 69 જેટલી દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. દુકાનો સીલ કરી દેવામાં આવતા દુકાનદાર રોષે ભરાયા હતા.
જેથી આજે બપોરે આ તમામ દુકાનદારો અને મહિલાઓ કતારગામ ઝોનના અધિકારીઓની હેરાનગતિ મામલે કતારગામ વિધાનસભાના ધારાસભ્ય અને શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયાના કાર્યાલય પર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ મંત્રી વિનુ મોરડીયા હાજર ન હોવાને કારણે દુકાનદારો અકળાયા હતા. સ્થાનિક દુકાનદારોએ વિનુ મોરડીયાના કાર્યાલયની બહાર જ હાય હાય બોલાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રોજીરોટી છીનવાઇ જવાને કારણે એક યુવકે જાહેરમાં શર્ટ કાઢીને કતારગામ ઝોનના અધિકારીઓ વિરુદ્ધ દેખાવો કરવાની સાથે મંત્રીની હાય હાય બોલાવી હતી. આ મુદ્દે દુકાનદારો એ ચીમકી આપતા જણાવ્યું હતું કે જો કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા સીલ ખોલવામાં નહીં આવે તો તેઓ જાતે સીલ ખોલી દેશે. ત્યારબાદ તમામ દુકાનદારો સિંગણપોર ચાર રસ્તા ખાતે ધરણા પર બેસી જતા ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો