સુરત: (Surat) સુરત મનપા (Corporation) દ્વારા 28 મી જુલાઈથી 27 ઓગસ્ટ દરમિયાન કેબલ સ્ટેઈડ બ્રીજનો (Cable Stayed Bridge) સ્ટાર બજાર અડાજણથી અઠવા તરફનો ભાગ એક માસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લાઈટિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માટે તેમજ કંટ્રોલ સિસ્ટમ માટે એક માસ માટે બ્રિજ બંધ રાખવા માટેનો નિર્ણય કરાયો છે. પાલિકા દ્વારા ફસાદ લાઈટિંગથી બુર્જ ખલીફાની જેમ લાઈટિંગ કરવા માટેનું આયોજન કરાયું છે.
સુરતની શાન એવો કેબલ સ્ટેઈડ બ્રિજ બનીને 3 વર્ષ કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે. કેબલ સ્ટેઈડ બ્રિજ પર અગાઉ ફસાદ ટેક્નોલોજીથી લાઈટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ જે-તે સમયે તે શક્ય બન્યું નહોતું. જો કે, હવે કેબલ સ્ટેઈડ બ્રિજનો મેઈન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપતી વખતે મનપા દ્વારા તેમાં ફસાદ લાઈટિંગથી બુર્જ ખલીફાની જેમ લાઈટિંગ કરવા માટેનું આયોજન કરી દીધું છે. સાથે જ કેબલ સ્ટેઈડ બ્રિજના મોનિટરિંગ માટે રૂ.16.89 કરોડના ખર્ચે સિસ્ટમ નંખાશે. અને રૂ.2.97 કરોડના ખર્ચે યુનિક લાઈટિંગ સિસ્ટમ નાંખવામાં આવશે.
હવે મનપા દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત મનપા કમિશનર બંછાનિધિ પાની અને પોલીસ કમિશનર વચ્ચે મીટિંગ થઈ હતી અને લાઈટિંગ સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માટે તેમજ કંટ્રોલ સિસ્ટમ માટે એક માસ માટે બ્રિજ બંધ રાખવા માટેનો નિર્ણય કરાયો છે. જેથી હવે 28 મી જુલાઈથી 27 ઓગસ્ટ દરમિયાન કેબલ સ્ટેઈડ બ્રીજનો સ્ટાર બજાર અડાજણથી અઠવા તરફનો ભાગ એક માસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ દિવાળી સુધીમાં કેબલ સ્ટેઈડ બ્રિજ પર યુનિક લાઈટિંગ શરૂ થઈ જશે તેમ જાણવામાં આવ્યું છે.