સુરત: (Surat) અડાજણના ટી.પી. સ્કીમ નં.૩૧(અડાજણ) એફ.પી.નં.૧૯૮ વાળી જમીન ભાજપના (BJP) વોર્ડ પ્રમુખને માત્ર બે રૂપિયા મીટરના ભાવે ફૂડ કોર્ટ (Food Court) માટે અપાતાં વિવાદ થયા બાદ હવે સ્થાનિક સોસાયટીવાસી દ્વારા આ મુદ્દે કાયદેસરનો વાંધો ઉઠાવી વકીલ મારફત નોટિસ (Notice) મોકલાવતાં મુદ્દો વધુ ગરમાયો છે. આ પ્લોટની નજીકમાં જ આવેલા કેપિટલ સ્ટેટસ કો.ઓ. હાઉસિંગ સર્વિસ સોસાયટી લિ.ના રહેવાસી અજય વનવીર મહેતા અને હરેશકુમાર રામજીભાઈ સાપરિયાના વકીલ મારફતે મનપાને (Corporation) કમિશનરને નોટિસ પાઠવીને જણાવાયું છે કે, અમારા અસીલ છેલ્લાં ઘણાં વર્ષોથી અહીં વસવાટ કરે છે. ત્યારે મનપા દ્વારા લાઈબ્રેરીનું આયોજન અનામત રખાયેલા આ પ્લોટમાં હતુફેર કર્યા વિના ગેરકાયદે રીતે ફૂડ કોર્ટ બની રહી છે. તેના કારણે અમારા અસીલ તેમજ સોસાયટીના તમામ સભ્યો માટે ન્યૂસન્સ ઊભું થશે.
નોટિસમાં ઉપસ્થિત કરાયેલા મુદ્દા
- અહીં ફૂડ કોર્ટના કારણે આ એરિયામાં ખૂબ જ પ્રમાણમાં ધુમાડો થવાની, દુર્ગંધ આવવાની, ખાણી-પીણીનો પ્રવાહી તેમજ ઘન કચરો જમા થવાની શક્યતા છે. જે સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. વળી, ફૂડ કોર્ટ મોડી રાત સુધી ચાલુ રહેવાના કારણે રાત્રિના સમયે પણ જોરજોરથી અવાજ આવવાની શક્યતા છે. સોસાયટીની દીવાલને અડીને ફૂડ કોર્ટમાં બાથરૂમ-સંડાસનું આયોજન કરાયું છે. જેથી સોસાયટીના સભ્યોને કાયમી દુર્ગંધ આવવાની પૂરેપૂરી શક્યતા છે.
- લાઇબ્રેરીની જગ્યા પર ફૂડ કોર્ટનું આયોજન કરવામાં આવે તો પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોવાથી તમામ ફૂડ કોર્ટમાં આવનાર વ્યક્તિ પોતાનું વાહન મનફાવે તે રીતે જાહેર રસ્તા ઉપર પાર્ક કરશે. આ જગ્યા અતિ ગીચ વિસ્તારવાળી હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થશે. આ બધા ન્યૂસન્સને કારણે સોસાયટીના તમામ સભ્યોને બંધારણ મુજબના સ્વચ્છ હવા-ઉજાસ મેળવવાના અધિકારો છીનવાય જાય તેવાં કાર્યો, કૃત્ય સુરત મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે.
- આ મુદ્દે ઓનલાઇન રજૂઆતો કરવા છતાં મનપા દ્વારા કોઈ સંતોષકારક જવાબ કે માંગણી મુજબના કોઈપણ પુરાવા કે હેતુફેર કર્યા અંગેના કોઈ પુરાવા આપવામાં આવ્યા નથી અને કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી પણ કરી નથી.
- મહાનગરપાલિકા દ્વારા પોતાની માલિકીની કોઈપણ જમીન કે પ્લોટ ભાડે આપતા પહેલાં યોગ્ય ટેન્ડરની જાહેરાત કરી ટેન્ડર પ્રક્રિયા અનુસાર ભાડે આપવાની હોય છે. પરંતુ આ મિલકતમાં કોઈ ટેન્ડર પ્રફિયા કરવામાં આવી નથી.