SURAT

રાજકોટની દુર્ઘટના બાદ હવે ફરી મનપાની સ્કૂલોમાં ફાયર સેફટીનું ભૂત ધૂણ્યું

સુરત : સમગ્ર રાજયને હચમચાવી દેતી રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના બાદ હવે સુરત મનપાના ફાયર વિભાગે પણ આળસ ખંખેરીને ગેમ ઝોન અને પ્લે એરીયા, મેળા વગેરેમાં તપાસ શરૂ કરી દઇ ફટાફટ બંધ કરાવ્યા છે. ત્યારે મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ફાયર સેફ્ટીનું ભૂત ફરી ધૂણ્યું છે. તક્ષશિલા કાંડ બાદ સમિતિની કેટલીક શાળાઓમાં હજી ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાની લેખિત ફરિયાદ પ્રાથમિક શિક્ષક મંડળે કરી હતી ત્યારબાદ ઘણી સ્કૂલોમાં ફાયર સેફટીની યોગ્ય વ્યવસ્થા પણ થઇ હતી જો કે હવે ફરી એકવાર વેકેશન ખુલવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે તપાસની કવાયત હાથ ધરાઇ છે.

રાજકોટમાં બનેલી ગેમઝોનની દુર્ઘટના પછી સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે એક પત્ર મ્યુનિ. કમિશ્નરને લખ્યો છે તેમાં સુરત પાલિકાની કેટલીક શાળાઓમાં જ ફાયર સુવિધા ઉભી કરવામાં આવી નથી તેવી ફરિયાદ કરી છે. સુરતમાં તા. 24 મે 2019માં સરથાણા તક્ષશિલા દુર્ઘટના બાદ સુરત પાલિકાએ આખા શહેરમાં ફાયર સેફ્ટીની ચકાસણી કરી હતી અને ફાયર સેફ્ટી ન હોય તેવી મિલકતમાં નોટિસ આપવા સાથે વિવિધ કામગીરી પણ કરી હતી. જોકે, આ દુઃખદ ઘટના અને પાંચ વર્ષ થઇ ગયા છતાં હજુ પણ ઘણી બધી શાળાઓ ફાયર સેફટી સુવિધા અને ફાયર NOCથી વંચિત છે. માટે માત્ર મુખ્ય શિક્ષક/આચાર્ય પર જવાબદારી નાંખતો પત્ર લખી સંતોષ માનવાને બદલે બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા અને મહત્વ આપી તત્કાલ યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવે તે જરૂરી છે. તેવું મંડળ દ્વારા લખેલા પત્રમાં અનુરોધ કરાયો છે.

સીલ બાદ શું કાર્યવાહી? મનપાના ગલ્લા-તલ્લા… અમુક નામો છુપાવ્યા
સુરત: રાજકોટની ઘટના બાદ સુરત મનપા સહીતના અન્ય વિભાગના અધિકારીઓની બનેલી ટીમોએ રવિવારે શહેરમાં મોટા ભાગના ગેમ ઝોન અને પ્લે એરીયા, મેળા, જાદુના શો બંધ કરાવ્યા. જો કે હવે તેની સામે શું કાર્યવાહી થઇ શકે તે બાબતે મનપાનું તંત્ર અજાણ છે. ફાયર વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર બી. કે. નાયકે જણાવ્યું હતું કે આ બાબતે પોલીસ સાથે સંકલન કરીને નિર્ણય લઇશું. દરમિયાન રવિવારે મનપાએ જાહેર કરેલી સીલ કરેલા ગેમઝોનની યાદીમાં માત્ર 10 નામ અપાયા હતા. મોડી રાતે યાદી આવી હોવા છતા અમુક નામ યાદીમાં સામેલ નહોતા તેથી પણ તર્ક વિતર્ક ઉઠી રહ્યાં છે કે મનપાની યાદીમાં કતારગામ, અઠવા, રાંદેરના અમુક ગેમ ઝોનના નામ કેમ નહોતા ?

Most Popular

To Top