સુરત: (Surat) સુરત શહેર સહિત રાજયભરમાં કોરોના સામે સરકારે હાથ હેઠા મૂકી દીધા બાદ લોકો લાચાર બન્યા છે. કોરોનામાં જો રખેને કશું થઈ જાય તો વારસદાર અંદરોઅંદર લડે નહીં તે માટે લોકો હવે વીલ કરવા માટે દોડી રહ્યાં છે. પરંતુ મોટી વિટંબણા એ છે કે બેડ, ઓક્સિજન અને ઈન્જેકશનની જેમ હવે સરકારી કચેરીમાં વીલ (Will) કરાવવા માટે પણ મહિનાનું વેઇટિંગ (Waiting) આપવામાં આવી રહ્યું છે.
કોરોનાએ લોકોને સીધા સકંજામાં લીધા બાદ હવે તેની આડકતરી અસરો પણ લોકોને હેરાન કરી રહી છે. કોરાનાને કારણે સુરતમાં એમ્બ્યુલન્સથી શરુ કરીને સ્મશાન સુધી વેઈટિંગ ચાલી રહ્યું હતું. આ વેઇટિંગ બાદ મરણના દાખલા માટે લોકોની લાઈનો લાગી હતી. આ લાઈનોનો સિલસિલો હજુ પણ અટક્યો નથી અને હવે તે લોકોની અંતિમ ઈચ્છા સમાન વીલના રજિસ્ટ્રેશન સુધી પહોંચ્યો છે. અનેક લોકો એવા છે કે જે કોરોનામાં સારવાર લઈ રહ્યાં છે અને રખેને પોતાને કંઈ થઈ જાય તો સંપતિની વહેંચણીના મુદ્દે અસમંજસમાં છે.
આવા અનેક લોકો પોતાની સંપત્તિની કાયદેસર વહેંચણી માટે વીલ કરાવવા તૈયાર છે પરંતુ વીલના રજીસ્ટ્રેશન (Registration) માટે પણ તેમને વેઈટિંગમાં રાખવામાં આવી રહ્યાં છે. કોરોનામાં સરકાર લોકોને બચાવી ન શકી પરંતુ હવે સંપત્તિની વહેંચણી જેવી વીલની બાબતે પણ સરકાર લોકોને તડપાવી રહી છે. લોકોની આંખ બંધ થાય તે પહેલા વીલ કરવાની ઇચ્છા છે. પરંતુ તંત્રના જકકી વલણને પગલે વીલ નોંધાવવાની અનેક લોકોની અંતિમ ઇચછા અધૂરી રહી જાય તેવી હાલત છે.
સરકારે ટોકન સીસ્ટમ ચાલુ કરી હોવાથી વીલના રજિસ્ટ્રેશન માટે લોકોને લાંબી મુદત મળી રહી છે: સબરજિસ્ટ્રાર કચેરી
આ અંગે જિલ્લા સબરજિસ્ટ્રાર કચેરીના સત્રોના કહેવાનુસાર, ઉપરથી સરકારે દૈનિક લિમિટેડ ટોકન અલોટ કરવાના ચાલુ કર્યા છે. જેને લીધે વીલના રજિસ્ટ્રેશનના ટોકન માટે લોકોને લાંબી મુદત મળી રહી છે. જેથી લોકોમાં અકળામણ છે.
સુરતની કઇ કચેરીમાં કેટલા દિવસ પછીના ટોકન મળે છે?
અઠવા ઝોન તારીખ 9/6/2021
કતારગામ ઝોન તારીખ 2/6/2021
નાનપુરા ઝોન તારીખ 19/6/2021
ઉધના ઝોન તારીખ 20/6/2021
કુંભારીયા ઝોન તારીખ 20/6/2021
ગાંધીનગરના બાબુઓ ઉડાઉ જવાબ આપી રહ્યાં છે
કોરોના દરમિયાન લોકોને વીલ માટે મહિનાનું વેઇટિંગ અપાતા વકીલોના હોબાળા બાદ ઘણા લોકોએ પાટનગર વડી કચેરીએ કોલ કર્યા હતાં. પરંતુ સરકારી બાબુઓ ઉડાઉ જવાબ આપી રહ્યાં છે. સરકારી બાબુઓ ફોન કરનારા લોકોને સામા વળતા સવાલો કરે છે કે વીલ રજિસ્ટર્ડ કરાવવું ક્યાં ફરજિયાત છે? તમને કોણે કહ્યું? ? જેવા સવાલો કરી રહ્યાં છે.
વીલના રજિસ્ટ્રેશનમાં વિલંબથી સંપત્તિ તકરારો વધે તેવી સંભાવના: એડવોકેટ પ્રણવ ઉપાધ્યાય
એડવોકેટ પ્રણવ ઉપાધ્યાને આ અંગે પુછપરછ કરતા તેમણે કહ્યું હતું કે, આ સાચી વાત છે. વીલ માટે વેઇટિંગ ચાલુ છે. તેમના એક કલાયન્ટ પણ વીલ કરવા આતુર હતા પરંતુ તેમને એપોઇન્ટેમેન્ટ નહીં મળી. કમનસીબે તેમનું અવસાન થયું. તેઓ વીલ રજિસ્ટર્ડ કર્યા વિના ગુજરી ગયા છે. ખરેખર રજિસ્ટર્ડ વીલની લીગલ સ્ટ્રેન્થ વધુ ગણાય હવે અનરજિસ્ટર્ડ વીલ બાબતે ભવિષ્યમાં મરણ જનારા વારસો વચ્ચે કોર્ટ કચેરીના પ્રકરણો પણ ઉભા થાય તેવી સંભાવનાઓ છે.