સુરત: (Surat) શહેરમાં ફરી કોરોનાનો સળવળાટ વધી રહ્યો છે. મહાનગર પાલિકાનો આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યો છે. શહેરમાં પર્યુષણ અને ગણપતિના તહેવારો બાદ કોરોનાના (Corona) રોજીંદા દર્દીઓમાં (Patient) આશિંક વધારો થઇ રહ્યો છે. જે આવનારા તહેવારોની ઉજવણી માટે લાલબત્તી સમાન છે. હવે ચિંતાનો વિષય એ પણ છે કે એક બાજુ વેક્સિન મુકાવી ચુકયા હોય તેવા લોકોને પણ ચેપ લાગી રહ્યો છે. તો બીજી બાજુ લોકો બેદરકાર બનીને ગાઇડલાઇનને કોરાણે મુકવા માંડ્યા છે. કદાચ તેનું જ પરિણામ છે કે, એક માસ પહેલા શહેરમાં કોરોનાના એક્ટિવ કેસનો (Active Case) આંકડો 40થી નીચે ચાલ્યો ગયો હતો તે હવે ફરી 60ની ઉપર પહોંચી ગયો છે.
સુરત મનપાના રેકોર્ડ મુજબ ગત તારીખ 24મી ઓગષ્ટના રોજ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ ઘટીને માત્ર 36 થઇ ગયા હતા પરંતુ ત્યાર બાદ પર્યુષણ અને ગણપતિ ઉત્સવ ઉજવાયા, જેમાં લોકો ભીડમાં જોવા મળ્યા અને કોરોનાની ગાઇડલાઇનનું પણ પાલન થયું ન હતું, તેથી રોજના જે બે-ત્રણ કેસ નોંધાતા હતા તે હવે રોજ સાત-આઠ થવા માંડ્યા છે. અને ગત 24મી સપ્ટેમ્બરના રોજ એક્ટિવ કેસ 36 નોંધાયા બાદ 26મી સપ્ટેમ્બરના રોજ આ કેસ વધીને 65 પર પહોંચી ગયા છે. જે આવનારા તહેવારોની ઉજવણી માટે લાલબત્તી સમાન છે.
સુરત: કોરોનાથી બચવા અથવા તેના ગંભીર સ્વરૂપથી બચવા વેક્સિન જરૂરી અને એક માત્ર ઉપાય છે તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ વેક્સિન લીધી તેઓ સુરક્ષિત થઈ ગયા તેવું માની લેવાય નહીં. તમે રસી લીધી એટલે હવે કોરોના તમારું કઈ બગાડી નહીં શકે એમ માની બેફિકરા થઈ જવું આપને માટે જોખમી સાબિત થઈ શકે. નિષ્ણાતોને મતે કોરોનાના સંક્રમણને નાથવા માટે વેક્સિનેશન ખૂબ મહત્ત્વનું છે. વેક્સિનેશન ઝડપથી થાય એ પણ ખૂબ જરૂરી છે. પણ વેક્સિન ઉપરાંત સંક્રમણને નાથવા માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું આવશ્યક છે અને રહેશે જ તેવું લાગી રહ્યું છે.
સુરતમાં છેલ્લા ત્રણ માસમાં હોસ્પિટલાઈઝ થનારા 60 ટકા કોરોનાના દર્દીઓ વેક્સિનેટેડ હતા
શહેરમાં હવે કોરોનાની બીજી લહેર બાદ સંક્રમણના આંકડા ઘટ્યા. પરંતુ વેક્સિનેટેડ લોકો પણ હજી કોરોનાની ઝપેટમાં આવી તો રહ્યા જ છે. એટલું જ નહીં, પણ અગાઉ જેમ માનવામાં આવતું હતું કે રસી લીધા બાદ કોરોનમાં હોસ્પિટલ જવામથી બચી શકાય, તેનાથી વિપરીત વેક્સિનેટેડ લોકોને પણ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવી રહ્યો છે એવું આંકડા સૂચવી રહ્યા છે. વેક્સિનનો એક ડોઝ કે બંને ડોઝ લઈ લીધા બાદ પણ સંક્રમિત થવા ઉપરાંત હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવે છે. જેથી શહેરીજનો હજી પણ તકેદારી રાખે તે ખુબ જરૂરી છે. આંકડાઓ પ્રમાણે છેલ્લા ત્રણ મહિનામાં કોરોનાને લીધે કુલ 37 લોકોએ હોસ્પિટલમાં જવું પડ્યું જેમાથી 22 (એટલે કે આશરે 60%) તો એવા હતાં જેમણે વેકસીનના એક યા બંને ડોઝ લીધા હોય. પરંતુ એક સુખદ વાત એ છે કે શહેરમાં વેક્સિન લેનારાઓના એકપણ કોવિડ દર્દીના આજદિન સુધી મોત થયાં નથી. જેથી વધુમાં વધુ લોકો જલદીથી વેક્સિન લઈ લે એ માટે મનપા દ્વારા પણ વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.