સુરત: (Surat) શહેરમાં કોરોનાના કેસ વધતા હવે ફરી તંત્ર એલર્ટ (Alert) મોડમાં આવ્યું છે. તંત્ર માટે આ વખતે સેકન્ડ વેવ જેવી અફરાતફરી ન સર્જાય તે મોટો પડકાર છે. આજે આરોગ્ય વિભાગની કલેક્ટરની અધ્યક્ષતામાં નવી સિવિલમાં (New Civil Hospital) સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરે નવી સિવિલમાં આવતા 10 દિવસમાં એક હજાર દર્દીની કેપિસીટીની તૈયારી રાખવા સૂચના આપી છે.
- કોરોનાના વધતા કેસ હવે તંત્ર માટે માથાનો દુ:ખાવો બની રહ્યો છે
- કલેક્ટરે નવી સિવિલમાં આવતા 10 દિવસમાં એક હજાર દર્દીની કેપિસીટીની તૈયારી રાખવા સૂચના આપી
- નવી સિવિલમાં અત્યારે ઓક્સિજનના 3 પ્લાન્ટ છે. જેના થકી કુલ સવા ચાર મેટ્રિકટન ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાય છે
શહેરમાં અનેક રાજકીય મેળાવડા અને કાર્યક્રમો બાદ હવે કોરોના વિસ્ફોટ થયો છે. કોરોનાના વધતા કેસ હવે તંત્ર માટે માથાનો દુ:ખાવો બની રહ્યો છે. વધતા કેસ એક તબક્કે અચાનક શહેર માટે ઘાતક ન બની રહે તે માટે આજે નવી સિવિલમાં કલેક્ટરની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની બેઠક મળી હતી. કલેક્ટર દ્વારા નવી સિવિલમાં તથા સ્મીમેરમાં ઓક્સિજન પ્લાન્ટ ચાલું કરી તેની કેપિસીટી ચકાસી હતી. આ સિવાય સિવિલમાં આવતા 10 દિવસમાં 1000 બેડની કેપિસીટીની તૈયારી રાખવા સૂચના આપી છે.
નવી સિવિલમાં અત્યારે ઓક્સિજનના 3 પ્લાન્ટ છે. જેના થકી કુલ સવા ચાર મેટ્રિકટન ઓક્સિજનનું ઉત્પાદન કરી શકાય છે. આવતા દસ દિવસમાં દર્દીઓનો ફ્લો વધશે. 31 માર્ચ સુધીની તૈયારી સાથે તમામ વ્યવસ્થાઓ કરવા સૂચના આપવામાં આવી છે. નવી સિવિલમાં કોવિડ બિલ્ડીંગમાં 1000 અને કિડની હોસ્પિટલમાં 600 તથા જરૂર પડે તો જુની બિલ્ડીંગમાં પણ દર્દી દાખલ કરવામાં આવે તો આશરે 2500થી 2600 બેડની કેપિસીટી છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આશરે 3 મેટ્રિક ટન ઓક્સિજન સાથે 1000 જેટલા બેડની વ્યવસ્થા છે.
સુરત શહેર અને જિલ્લાની 25 જેટલી હોસ્પિટલોમાં ઓક્સિજન ટેસ્ટ કરાયા
જિલ્લા કલેક્ટર આયુષ ઓકે સુરત શહેરમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ સહિત આઠ હોસ્પિટલોમાં ચેકિંગ કર્યું હતું. તેમજ સુરત જિલ્લામાં 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને માંડવી બારડોલીમાં લગાડેલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કર્યા હતા. આજે 12 થી 4 ટેસ્ટ કરાયા હતા. તથા 25 થી વધુ હોસ્પિટલમાં ઓક્સિજન ટેસ્ટ કરાયો હતો.