સુરત: (Surat) સુરતમાં કોરોનાની ત્રીજી લહેર (Third Wave) શરૂ થઈ ગઈ છે અને હવે આ લહેરનું જોર પણ વધવા માંડ્યું છે. રોજ કેસની સંખ્યામાં પણ મોટો વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ મંગળવારે સુરતમાં કોરોનાના કેસનો (Corona Case) જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક જ દિવસમાં કોરોનાના 415 કેસ નોંધાયા હતા. અગાઉ કોરોનાની બીજી લહેર જયારે ચરમસીમાએ હતી ત્યારે એટલે કે મે માસમાં 15મી તારીખે 356 કેસ નોંધાયા બાદ 16મી મેના રોજ સીધા 482 કેસ નોંધાયા હતા. ત્યાર બાદ કેસ વધતા-વધતા આંકડો 2500ને પાર કરી ગયો હતો.
ગઈકાલે સુરત શહેરમાં કોરોનાના 213 કેસ નોંધાયા હતા. જેમાં 100 ટકાનો વધારો થઈ મંગળવારે કોરોનાના 415 કેસ નોંધાયા છે.શહેરમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. જેથી શાળાઓ બંધ કરવાનો વારો આવ્યો છે. મંગળવારે સુરતમાં વધુ 32 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. તેમાં સૌથી વધુ કેસ રાંદેર અને અઠવા ઝોનમાં વધી રહ્યા છે. મંગળવારે શહેરમાં નોંધાયેલા 415 કેસ પૈકી અઠવા ઝોનમાં 166 અને રાંદેર ઝોનમાં 106 કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં કોરોનાના કુલ કેસનો આંક 1,1,3,375 પર પહોંચ્યો છે. તો બીજી બાજુ શહેરમાં વધુ 18 દર્દીઓ સાજા થવાની સાથે આજદિન સુધીમાં કુલ 1,10,409 દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ ઘટીને 97.38 ટકા પર પહોંચ્યો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ
- સેન્ટ્રલ 21
- વરાછા-એ 36
- વરાછા-બી 21
- રાંદેર 106
- કતારગામ 35
- લિંબાયત 10
- ઉધના 20
- અઠવા 166
શહેરની આટલી સોસાયટીઓને ક્લસ્ટર જાહેર કરાઈ
શહેરમાં પોઝિટિવ આવેલા દર્દીઓ પૈકી રાંદેર ઝોનના પાલ વિસ્તારના ગ્રીન સિટી એપાર્ટમેન્ટમાં 6 કેસ, નક્ષત્ર સોલિટરમાં એક જ ઘરમાં 3 દર્દીઓ નોંધાતા આ એપાર્ટ.ને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા હતા. અઠવા ઝોનમાં પીપલોદના ઓપેરા હાઉસમાં 4 કેસ, આવિષ્કાર રેસિડેન્સીમાં એક જ ઘરમાં 4 કેસ નોંધાતા તેને ક્લસ્ટર જાહેર કરાયા હતા. કતારગામમાં ગજેરા સર્કલ વિસ્તારમાં લક્ષ્મી સોસા.ના એક જ ઘરમાં 5 કેસ આવતા આ સોસા.ને પણ ક્લસ્ટર જાહેર કરવામાં આવી છે.
અધધ.. આટલી બધી સ્કૂલો બંધ કરાવાઈ
શહેરમાં વધુ 32 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. જેમાં સેવન્થ ડે સ્કૂલ (2), ડી પી એસ સ્કૂલ (9), જી ડી ગોઇન્કા (2), ભૂલકા વિહાર, ફાઉન્ટેડ હેડ (2), સેવન્થ ડે (2), એસ ડી જૈન (2), લૂડ્સ કોનવેન્ટ, બ્રોડવેય ઇન્ટર નેશનલ સ્કૂલ, માતા સરવાણી સ્કૂલ, જીવનભારતી સ્કૂલ, આર એમ જી સ્કૂલ, અગ્રવાલ વિધ્યાલય, ગુરુકુળ વિધ્યાલય, એલ પી સવાણી (2), તાપ્તી વેલી, એક્ષપેરી મેન્ટલ, ગુરૂકૃપા સ્કૂલ, તક્ષશીલા સ્કૂલ, મહેશ્વરી વિધાલય જેવી શાળાઓ તથા કોલેજમાં નોંધાયેલા છે.