સુરત: (Surat) શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. શહેરમાં જુન-જુલાઈ માસમાં જે કોરોનાનો કહેર હતો તેવી જ પરિસ્થતિ ફરીવાર ઉદભવી રહી છે. દિવાળી બાદથી બિલકુલ કાબુમાં આવી ચુકેલા સંક્રમણમાં ફરીવાર ઉછાળો થતા તંત્રની દોડધામ વધી છે. શુક્રવારે શહેરમાં નવા 183 પોઝિટિવ દર્દી (Patient) નોંધાવાની સાથે કુલ આંક 42,071 પર પહોંચ્યો છે અને શહેરમાં વધુ 1 મોત સાથે કુલ મૃત્યુઆંક 851 પર પહોંચ્યો છે. શહેરમાં વધુ 102 દર્દીઓ સાજા થવાની સાથે અત્યારસુધીમાં કુલ 40,382 દર્દીઓ સાજા (Recover) થયા છે અને રીકવરી રેટ ઘટીને 95.99 ટકા પર પહોંચ્યો છે.
- કયા ઝોનમાં કેટલા કેસ?
- ઝોન પોઝિટિવ દર્દી
- સેન્ટ્રલ 15
- વરાછા-એ 13
- વરાછા-બી 08
- રાંદેર 46
- કતારગામ 13
- લિંબાયત 15
- ઉધના 14
- અઠવા 59
કુલ કેસના 50 ટકા કેસ રાંદેર અને અઠવા ઝોનમાં, શહેરીજનોને સાવચેતી રાખવા મનપા કમિશનરની અપીલ
શહેરમાં ફરીવાર કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેથી મનપા કમિશનરે શહેરીજનોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે. મનપા કમિશનરે વધુમાં જણાવ્યું છે કે, શહેરમાં અત્યારસુધીમાં 5 યુ.કે અને 1 સાઉથ આફ્રીકન સ્ટ્રેઈન વાયરસના કેસ મળી આવ્યા છે. નવા સ્ટ્રેઈન ઝડપથી ફેલાતા હોય, શહેરીજનો વધુ સાવચેતી રાખે તે જરૂરી છે, તેમજ શહેરમાં કુલ કેસના 50 ટકા કેસ અઠવા અને રાંદેર ઝોનમાં આવી રહ્યા છે. સાથે સાથે ઉધના, વરાછા-એ તેમજ લિંબાયત ઝોનમાં પોઝિટિવીટી રેટ વધી રહ્યો છે. જેથી શહેરીજનો કોવિડ ગાઈડલાઈનનું સખતપણે પાલન કરે તે જરૂરી છે.
40 ટકા કેસ ટ્રાવેસ હીસ્ટ્રીના મળતા હોય, બહારગામથી આવનારાઓને સેલ્ફ આઈસોલેટ થવા અપીલ
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં 40 ટકા કેસ શહેર બહારથી આવનારાઓના મળી રહ્યા છે. જેથી શહેરીજનો મોટા મેળાવડામાં જવાનું ટાળે તેમજ વધુમાં વધુ લોકો વેક્સિનેશનનો લાભ લે. જેઓ બહારગામથી આવી રહ્યા છે તેઓ સેલ્ફ આઈસોલેટ થાય તેમજ ટેસ્ટ કરાવી જો પોઝિટિવ આવે તો તુરંત ટ્રીટમેન્ટ કરાવે તેવી અપીલ કરવામાં આવી છે.
સીધા વેક્સિનેશન સાઈટ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી લોકો વેક્સિન મુકાવે
મનપા કમિશનરે વધુમાં વધુ લોકોને વેક્સિનેશનનો લાભ લેવા પણ અપીલ કરી હતી. હાલમાં 60 વર્ષથી ઉપરના તેમજ 45 થી 60 વર્ષના કો-મોર્બિડ પેશન્ટને વેક્સિન મુકવામાં આવી રહી છે. શહેરમાં કુલ 120 સાઈટ પરથી દરરોજ 8000થી વધુ લોકોને ખાનગી તેમજ સરકારી સ્થળો પર વેક્સિન મુકાઈ રહી છે. ત્યારે વધુમાં વધુ લોકો નજીકના વેક્સિનેશન સાઈટ પર જઈ સીધા સ્પોટ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.