સુરત: વિશ્વભરમાં અજગરી ભરડો લેનાર કોરોના (Corona)નું સંક્રમણ હાલ શહેર (Surat)માં તો બિલકુલ ઓછું છે. પરંતુ વિશ્વના ઘણા દેશોમાં કોરોનાએ ફરીથી માથું ઊંચક્યું છે. તો ભારત (India)માં પણ ઘણાં રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.
દેશમાં સક્રિય કેસોની સંખ્યા વધતા આરોગ્ય મંત્રાલય (Ministry of health) દ્વારા પણ લોકોને કોવિડ ગાઈડલાઈન (covid guidlines)નું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં કોરોનાની બીજી લહેરની ભયાનકતા જોયા બાદ પણ લોકો હાલમાં બિલકુલ લાપરવાહ બની ગયા છે. જેનું કારણ એ પણ છે કે, શહેરમાં કોરોના સંક્રમણ બિલકુલ નહીંવત પ્રમાણમાં છે. છેલ્લા ઘણા દિવસોથી શહેરમાં પ્રતિદિન 10થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. અને હવે છેક 482 દિવસ એટલે કે, 15 મહિના બાદ શહેરમાં એક દિવસમાં માત્ર 2 જ કેસ નોંધાયા છે. જેથી તંત્રને પણ ઘણી રાહત થઈ રહી છે.
શહેરમાં કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર તો પસાર થઈ ચૂકી છે. પરંતુ ત્રીજી લહેર આવવાની પણ પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. જેથી તંત્ર પણ તમામ તૈયારીઓ સાજે સજ્જ છે. શહેરમાં છેલ્લા 15 દિવસથી પ્રતિદિન 10થી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. શુક્રવારે શહેરમાં માત્ર 2 જ કેસ નોંધાયા હતા. છેલ્લે શહેરમાં કોરોનાની શરૂઆત થઈ ત્યારે 4 એપ્રિલ-2020ના દિવસે એક દિવસમાં 2 કેસ નોંધાયા હતા. શહેરમાં 17મી માર્ચે પ્રથમ કેસ નોંધાયો હતો. અને ત્યારબાદ સતત પ્રતિદિન નોંધાતાં કેસમાં વધારો થતો ગયો હતો.
હાલમાં શહેરમાં પ્રતિદિન સાતથી આઠ હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
શહેરમાં કોરોનાનું સંક્રમણ ભલે ઓછું થયું હોય, પરંતુ તંત્ર દ્વારા ટેસ્ટિંગ તો કરવામાં આવી જ રહ્યું છે. મનપા દ્વારા વિવિધ હેલ્થ સેન્ટરો પર ટેસ્ટિંગની કામગીરી ચાલુ જ રખાઈ છે. સાથે સાથે હાલમાં શહેરમાં કુલ 170 ધન્વંતરી રથ પણ ચાલી રહ્યા છે, જેમાં પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા અત્યાર સુધી કુલ 230 જેટલા ધન્વંતરી રથ દોડાવવામાં આવતા હતા. પરંતુ હાલમાં સંક્રમણ ઘટાડો થતાં તેમાં હવે ઘટાડો કરી 170 ધન્વંતરી રથ કાર્યરત રખાયા છે.
હાલમાં પોઝિટિવિટી રેટ ઘટીને 0.03 ટકા અને રિકવરી રેટ વધીને 97.49 ટકા પહોંચ્યો
કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવિટી રેટમાં સતત વધારો થતો ગયો હતો. તેમજ રિકવરી રેટ સતત ઘટતો ગયો હતો. શહેરમાં એપ્રિલ માસના 15 દિવસ ખૂબ જ ભયાનક રહ્યા હતા. રિકવરી રેટ તો ઘટીને 75 ટકા પર પહોંચી ગયો હતો અને પોઝિટિવિટી રેટ સતત 10 ટકાથી ઉપર રહ્યો હતો. પરંતુ તંત્રની સઘન કામગીરીને પગલે બીજી લહેરમાંથી શહેરને જલદીથી કાઢવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. અને હવે શહેરમાં પોઝિટિવિટી રેટ માત્ર 0.03 ટકા જ છે. જ્યારે રિકવરી રેટ વધીને 97.49 ટકા પર છે.