SURAT

સુરત: ઓલપાડના ગામોમાં સવારે 4 વાગ્યાથી દારૂની ભઠ્ઠીઓ ધમધમવા માંડે છે

સુરત (Surat) : બોટાદ લઠ્ઠાકાંડ (LaththaKand) બાદ રાજ્યભરમાં દારૂ (Deshi Daru) મામલે રાજકારણ ગરમાયું છે. એક તરફ પોલીસ ધડાધડ દારૂના અડ્ડાઓ પર દરોડા (Raid) પાડી રહ્યું છે તો બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા નશાબંધીના કાયદાના કડક અમલ માટે રજૂઆતો શરૂ થઈ ગઈ છે. આજે સુરતના કતારગામ વિસ્તારમાં શહેર કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પૂતળાનું દહન કરી રાજીનામાની માંગ કરાઈ હતી. બીજી તરફ ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓલપાડ તાલુકામાં નશાબંધીનો કડક રીતે અમલ કરાવવા બાબતે ઓલપાડ તાલુકાના મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  • સુરતના કતારગામમાં શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
  • ઈશ્વર ફાર્મમાં કોંગ્રેસના હોદ્દેદારોની મિટીંગ મળી
  • પોલીસે 50 કોંગ્રેસીઓની અટકાયત કરી
  • ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદન સોંપાયું

કોંગ્રેસના નેતા દર્શન નાયકે અહીં એવી ફરિયાદ કરી હતી કે, ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં સવારે 4 વાગ્યાથી જ દારૂની ભઠ્ઠીઓ ધમધમવા માંડે છે. 10 વાગ્યા સુધી આ ભઠ્ઠીઓ ચાલતી હોવા છતાં પોલીસને દેખાતી નથી. વળી,આખો દિવસ મોડી સાંજ સુધી દેશી દારૂની પોટલીઓ ગામડાંઓમાં ખુલ્લેઆમ રસ્તા પર વેચાય છે. ભૂતકાળમાં સ્ટેટ વિજિલન્સના દરોડામાં અનેકો વખત ઓલપાડના ગામોમાંથી દેશી દારૂના અડ્ડા મળી આવ્યા છે. જે તે સમયે જવાબદાર પોલીસ અધિકારીઓ પર કાર્યવાહીઓ થઈ છે પરંતુ તેમ છતાં આજે પણ ઓલપાડમાં દેશી દારૂ વેચાય રહ્યો છે. તાલુકામાં નશાબંધીના કાયદાના કડક અમલ થવો જોઈએ.

આ તરફ સુરત શહેરમાં પણ રાજકીય પક્ષોએ લઠ્ઠાકાંડ મામલે ભાજપની ગુજરાત સરકારને ઘેરવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. આજે સવારે સુરતના કતારગામમાં શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પૂતળાંનું દહન કરાયું હતું. મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાતની ભાજપ સરકાર વિરુદ્ધ કોંગ્રેસી કાર્યકરો સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે દોડી જઈ વિરોધ પ્રદર્શન અટકાવી કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. દરમિયાન આગામી દિવસોમાં ગુજરાતની ભાજપ સરકારને લઠ્ઠાકાંડ મામલે ઘેરવાના હેતુથી શહેર કોંગ્રેસ દ્વારા ઈશ્વર ફાર્મ ખાતે એક મિટીંગનું આયોજન કરાયું હતું. પોલીસે ત્યાં પહોંચી જઈ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની અટકાયત કરી હતી. અંદાજે 50 લોકોને ડિટેઈન કર્યા હતા.

Most Popular

To Top